કોરોના વાયરસની રસીનો માર્ગ સરળ નથી: રસી શોધાયા બાદ પણ બધું સરળ નહીં હોય

ગયા વર્ષના ડિસેમ્બર માસથી ચીનમાં નવા કોરોના વાયરસનો રોગચાળો શરૂ થયો હોવાનું જાહેર થયું અને ધીમે ધીમે આ રોગચાળો વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા માંડ્યા પછી માર્ચ મહિનામાં આ રોગચાળાને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો ત્યારથી આ કોરોના વાયરસથી થતાં રોગ કોવિડ-૧૯ સામે રક્ષણ આપે તેવી રસી શોધવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

કોરોના વાયરસની રસીનો માર્ગ સરળ નથી: રસી શોધાયા બાદ પણ બધું સરળ નહીં હોય

વિશ્વના અનેક દેશોમાં રસી માટે સંશોધનો ચાલી રહ્યાં છે અને રશિયાએ તો પોતે રસી બનાવી નાખી હોવાની જાહેરાત પણ કરી દીધી, પણ મોટા ભાગનું વિશ્વ રશિયાની રસીને બહુ ગણકારતું નથી અને નિષ્ણાતો આ રસીને શંકાની નજરે જોઇ રહ્યા છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી રહેલ રસી સૌથી વિશ્વાસપાત્ર અને આશાસ્પદ મનાય છે પરંતુ હાલ આ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ દરમ્યાન એક સ્વયંસેવક બિમાર પડી જતાં આ રસીનું પરીક્ષણ હાલ અટકાવી દેવું પડ્યું છે. તેના પરથી સમજી શકાય છે કે રસી વિકસાવવાનો માર્ગ સરળ નહીં હોય અને નથી જ.

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અમેરિકન ફાર્મા કંપની અસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોરોના વાયરસની જે રસીનું પરીક્ષણ કરી રહ્યા હતા તે પરીક્ષણ દરમ્યાન એક સ્વયંસેવક ગંભીર રીતે બિમાર થઇ જતાં અને તેની આ બિમારી આ રસીની આડ અસરને કારણે હોવાની શંકા જતાં હાલ આ રસીનું પરીક્ષણ અટકાવી દેવામાં આવ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો અને અસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા વિકસાવવામાં આવેલ આ રસીની ફેઝ-૩ ટ્રાયલ ચાલી રહી હતી તે દરમ્યાન એક બ્રિટિશ વોલેન્ટિયર બિમાર થઇ જતાં અને તેની બિમારી ગંભીર જણાઇ હતી. તેની આ બિમારી રસીનો ડોઝ આપવાને કારણે થઇ છે કે કેમ?

કોરોના વાયરસની રસીનો માર્ગ સરળ નથી: રસી શોધાયા બાદ પણ બધું સરળ નહીં હોય

તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. આ સ્વયંસેવકને કયા પ્રકારની માંદગી સર્જાઇ હતી તેની કોઇ વિગતો અસ્ટ્રાઝેનેકાએ આપી ન હતી પણ ઘટનાથી જાણકાર એક સૂત્રે માહિતી આપી હતી કે આ વોલેન્ટિયર સાજો થઇ જવાની આશા છે. આરોગ્ય સમાચાર સાઇટ સ્ટેટ દ્વારા આ વેક્સિનની ટ્રાયલમાં પોઝના સૌ પ્રથમ અહેવાલ આપવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે યુ.કે.માં સંભવિત સાઇડ ઇફેક્ટ સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટન અને અમેરિકામાં મળીને આ રસીના પરીક્ષણ માટે પચ્ચીસ હજારથી વધુ સ્વયંસેવકોની ભરતી કરવામાં આવી છે. આ રીતે કોઇ રસીનું પરીક્ષણ અધવચ્ચે અટકી જાય તે નવી વાત નથી પણ ઓક્સફર્ડની આ રસી વિશ્વની સૌથી વધુ આશા જન્માવનારી રસીઓમાંની એક હતી અને કોરોના વાયરસના રોગચાળા વચ્ચે લોકો આતુરતાથી રસીની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ ઘટના એક આંચકા સમાન છે.

અલબત્ત, ભારતમાં ઓક્સફર્ડની રસીનું પરીક્ષણ ચાલુ જ રાખવામાં આવ્યું છે. કેટલાંક સૂત્રોએ જણાવ્યું છે કે જે એક વોલેન્ટિયર બિમાર પડી ગયો છે તેની બિમારીને આ રસી સાથે કંઇ લાગતુંવળગતું નથી. આશા રાખીએ કે આ વાત સાચી પુરવાર થાય અને રસીનું પરીક્ષણ ઝડપથી ફરી શરૂ થઇ જાય અને વહેલી તકે રસી ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ જાય. જો કે એક વાર રસી વ્યાપક ઉપયોગ માટે તૈયાર થઇ જાય પછી પણ બધું સરળ નહીં હોય. વહેલી તકે વિશ્વના તમામ દેશોને રસીનો પૂરતો પુરવઠો ઝડપથી પૂરો પાડવાનું કામ ખૂબ મુશ્કેલ હશે

અને આમાં જો યોગ્ય વ્યવસ્થા નહીં જળવાય તો મારે તેની તલવાર જેવો ઘાટ પણ સર્જાઇ શકે છે. રસીના પૂરતા ડોઝનું ઉત્પાદન કરવું અને આ ડોઝ વિશ્વના તમામ દેશોને ઝડપથી પૂરા પાડવા એ કામ લાગે છે તેટલું સરળ નહીં હોય. અગાઉ કોઇ રોગ માટેની રસી માટે એકસામટો આટલો ધસારો અને આટલી ઉત્સુકતા ન હતી. પોલિયો સહિતના અનેક રોગો માટેની રસીનું વૈશ્વિક વિતરણ સરળતાથી લાંબા સમયથી ચાલી રહ્યું છે તેનું કારણ એ છે કે આ રોગો તાકીદે મોટા પાયે વહેંચણી માગી લેતા સંજોગો સર્જનાર ન હતા.

આ રસી વહેંચાયા પછી પણ વ્યાપક રસીકરણના કામમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.હાલ તો કોવિડ-૧૯ ની રસીની વહેંચણીના કામની આગેવાની પોતે લેશે એમ યુનિસેફે જણાવ્યું છે તે એક આશ્વાસનની બાબત છે. એકંદરે સંજોગો સૂચવે છે કે વ્યાપક વૈશ્વિક રસીકરણનું કામ સરળ નહીં હોય.

Related Posts