કોરોનાવાયરસ અંગેનો ગુંચવાડો અભૂતપૂર્વ પ્રકારનો છે

સપ્તાહોથી નહીં પણ હવે તો મહિનાઓથી વિશ્વભરમાં સૌથી ચર્ચિત શબ્દ કોરોનાવાયરસ છે. આ કોરોનાવાયરસ એ વાયરસોના એક જૂથનું નામ છે જેની ચર્ચા તો અગાઉ અહીં થઇ જ ગઇ છે. હાલ જે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે તે નવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ નિષ્ણાતોમાં અને તબીબી આલમમાં જેટલો ગુંચવાડો અને રહસ્યો સર્જી રહ્યો છે તેવું બીજા કોઇ વાયરસની બાબતમાં અગાઉ ભાગ્યે જ બન્યું હશે. આ વાયરસ જ્યારે ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં સૌ પ્રથમ વખત દેખાયો ત્યારે એવું એક અભિપ્રાય એવો હતો કે આ વાયરસ ૨૦૦૩ ના સાર્સના વાયરસ કરતાં નબળો છે અને એટલો ઘાતક પુરવાર નહીં થાય. આ સાર્સના વાયરસે તે સમયે ચીન અને હોંગકોંગમાં મળીને કુલ ૮૦૦ જેટલાં લોકોનાે ભોગ લીધાે હતાે. આજે આ નવા વાયરસથી દુનિયાભરમાં જાનહાનિ બે લાખ કરતાં વધુ થઇ ગઇ છે. ક્યાં આઠસો અને ક્યાં બે લાખ? સાર્સના વાયરસના જ પિતરાઇ ભાઇ જેવો આ વાયરસ કેટલો વધારે ઘાતક પુરવાર થયો છે તે સમજી શકાય તેમ છે.
આ નવા કોરોના વાયરસ અંગે નવાં નવાં રહસ્યો હજી ઉઘડતાં જ જાય છે અને ગુંચવાડાઓ વધતા જ જાય છે. આમ તો આ વાયરસથી થતો રોગ, જેને કોવિડ-૧૯ નામ આપવામાં આવ્યું છે તે પણ ઘણે અંશે સાર્સના જેવા જ શ્વસનની તકલીફો સહિતનાં ફ્લુ જેવાં લક્ષણો ધરાવે છે પણ આ રોગનો વાયરસ વધુ ચેપી અને જક્કી પુરવાર થયો છે તેથી ચેપ સામે મૃત્યુનું પ્રમાણ ઓછું હોવા છતાં પણ ઘણાં બધાં લોકોને ચેપ લાગ્યો હોવાને કારણે અને ઝડપથી આનો ચેપ ફેલાયો હોવાને કારણે મૃત્યુનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે. આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેવાં ઘણાં લોકોમાં તેનાં કોઇ લક્ષણો દેખાયાં નથી અને તેઓ શાંત વાહકની ભૂમિકા ભજવતાં હોવાનું બહાર આવ્યું અને તે બાબતે પણ ઘણી ચિંતાઓ સર્જી. આ વાયરસના ચેપનાં લક્ષણો આમ તો ફ્લુ જેવાં, શ્વસનની તકલીફોવાળાં હોય છે પરંતુ થોડાક પ્રમાણમાં લોકોને આ વાયરસના ચેપથી આંખમાં કન્જકટીવાઇટીસની તકલીફ પણ સર્જાઇ છે તો અમેરિકામાં બાળકોને પગનાં અંગુઠાઓ અને આંગળીઓમાં હિમડંખથી થતાં ઘા જેવા લક્ષણો પણ દેખાયાં છે તે વળી નવી બાબત છે. તો બ્રિટનમાં બાળકોને શરીરના વિવિધ અંગોમાં દાઝરો, ઝાડા-ઉલ્ટી જેવાં લક્ષણો આ વાયરસના ચેપથી દેખાયાં છે. આ વાયરસ લોહીમાં ગઠ્ઠાઓ પણ સર્જતો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે! હાલના એક અભ્યાસ પ્રમાણે આ વાયરસે જુદા જુદા ઓછામાં ઓછા દસ સ્વરૂપ ધારણ કર્યાં છે. સમજી શકાય તેવી બાબત છે કે આ વાયરસે જેટલા ગુંચવાડાઓ અને રહસ્યો સર્જ્યાં છે તેટલાં અગાઉ બીજા કોઇ વાયરસે ભાગ્યે જ સર્જ્યાં હશે.

Related Posts