કોરોનાએ વિશ્વમાં વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા કર્યા છે

કોરોના મહામારીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે શિક્ષણ કેવી રીતે ચાલશે? હવે વાહન વ્યવહાર કેવી રીતે ચાલશે! હવે જીવંત મનોરંજન – સ્ટેજ શો, ઉત્સવો કયારે થઇ શકશે?
કોરોનાની રસી કયારે શોધાશે? અને લોકો સુધી તે કયારે પહોંચશે? અને સમાજજીવન – આર્થિક જીવન પૂર્વવત્ થશે? આ પ્રશ્નો તો સૌને છે. પણ આ બધા જ પ્રશ્નોની ઉપર વિશ્વ સમક્ષ જે પ્રશ્ન ઊભો થયો છે તે છે વિશ્વસનીયતાનો! કોરોનાની શરૂઆતમાં અવિશ્વાસ માત્ર ચીન સામે ઊભો થયો હતો.

કોરોનાએ વિશ્વમાં વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા કર્યા છે

હવે દુનિયાનાં તમામ રાષ્ટ્રો, સરકારો, સંસ્થાઓ, અધિકારીઓ, વ્યવસ્થાઓ શંકાના દાયરામાં છે! અત્યાર સુધી સૌથી વિશ્વસનીય મનાતું વિજ્ઞાન અને ખાસ તો મેડીકલ સાયન્સ અને તેનાં સંશોધનો કદી શંકાના દાયરામાં નથી આવ્યાં. આ વખતે પ્રથમ વખત તબીબી વિજ્ઞાન અને તબીબી વ્યવસ્થા માટે કામ કરતી સંસ્થાઓ પર પ્રશ્નો ઊભા થવા માંડયા છે! કોરોના જેવી વિચિત્ર લક્ષણોવાળી મહામારી ફેલાય ત્યારે કેટલીક બાબતો અનિશ્ચિત બની જાય, પણ અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે તફાવત છે.

ખાસ કરીને પ્રયોગો – પરીક્ષણ પછી તારણો આપનારાં લોકો જ રોજેરોજ પોતાનાં નિવેદનો બદલે ત્યારે પ્રશ્નો ઊભા થવા માંડે! કોરોનાના શરૂઆતના તબકકે એવું સામે આવ્યું કે હાઇડ્રોકિસ કલોરોકિવન રાહત આપશે. થોડા સમય પછી એક વિશ્વસનીય સંસ્થાએ સંશોધન દ્વારા જાહેર કર્યું કે આ દવા બિનઉપયોગી છે એટલું જ નહીં તેની આડઅસરો વધારે ખરાબ છે અને અનેક દેશોએ તેનો ઉપયોગ મર્યાદિત કરી દીધો.

થોડા સમય પછી ખબર પડી કે આ સંશોધનમાં વપરાયેલા હોય… એટલે કે આંકડાઓ વિશ્વસનીય ન હતા. પણ અન્યના કોપી હતા. મેન્યુપ્લેટેડ હતા! કોરોના શરૂઆતના તબકકે ગંભીર બિમારી હતી. પણ હવે તે તબીબી જગત માટે મોટું બજાર છે. કંપનીઓ પોતાની દવા વેચવા પોતાનાં સંશોધકોનો સહારો લે છે.

એટલે હવે આ સંશોધનો કેટલાં વિશ્વાસપાત્ર? આરોગ્ય ક્ષેત્રની વૈશ્વિક સંસ્થા ડબલ્યુ.એચ.ઓ. પોતાના રોજ બદલાતાં નિવેદનોને કારણે શંકાના દાયરામાં છે. અમેરિકી રાષ્ટ્રપતિએ શરૂઆતમાં આરોપ લગાવ્યા ત્યારે સૌએ તેને રાજકીય ગણાવ્યા. પણ હવે બધા જ WHO નાં નિવેદનો માટે શંકા કરવા લાગ્યા છે. એટલે પ્રશ્ન કોરોનાનો નથી. પ્રશ્ન એ છે કે આવનારા સમયમાં કોઇ પણ બિમારી માટે WHO નું લોકો કેટલું માનશે?

હર્ડ ઇમ્યુનિટીના નામે દેશને ગંભીર જોખમમાં નાખવાનાં પરિણામો વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન ભોગવી ચૂકયા છે. જો કે અત્યાર સુધી હર્ડ ઇમ્યુનિટીના દાવા માત્ર રાજનેતાઓ કરતા હતા પણ ભારતમાં સરકારની પ્રેરણાથી આ હર્ડ ઇમ્યુનિટી વિષે કેટલાક તજજ્ઞ ડોકટર પણ પત્રકારોને સંબોધી રહ્યા છે તે ગંભીર છે. વિશ્વસનીયતાના પ્રશ્નો વૈશ્વિક છે. નેધરલેન્ડ – યુરોપના આગેવાન સમાજશાસ્ત્રીઓએ એક અગત્યના મુદ્દે લેખન કર્યું છે કે મહામારીના નામે સરકાર દેશની પ્રજાના વ્યકિતસ્વાતંત્ર્ય પર કેટલી તરાપ મારી શકે?

લોકશાહી અને સમાજ વ્યવસ્થાને સમજનારા સૌએ આ મુદ્દો વિચારવા જેવો છે. લોકડાઉન કે સેફટીના નામે વ્યકિત સ્વાતંત્ર્ય પર તરાપ મારતી સરકારોને જો આ ટેવ પડી જશે! તો તે ખતરનાક હશે. સામાન્ય રીતે ‘જીવનથી વધીને કશું જ નથી’ એવી ગળચટી જીવનલક્ષી વાત આગળ કરીને લોકોના જીવ બચાવવા સરકાર આ બધું કરી રહી છે ના નામે રાજસત્તાનું આધિપત્ય ન્યાયિક ઠેરવવાનો પ્રયાસ થતો હોય છે.

જયારે આ વિચારકો ‘જીવન કિંમતી તો જ છે જો તે સ્વતંત્ર છે’ એવા પાયાના તર્ક સાથે વાત કરી રહ્યા છે. એક રીતે સરકાર સામે અવિશ્વાસનો તર્ક તેમણે મૂકયો છે. ટૂંકમાં આપણને હમણાં સુધી વ્યકિતઓ, સંસ્થાઓ, દેશો, વ્યવસ્થાઓમાં વિશ્વાસ હતો. યુરોપ અને અમેરિકાના દેશો સમૃધ્ધ તથા આરોગ્ય સુવિધા શ્રેષ્ઠ પ્રજા નિયમોમાં માને, વૈજ્ઞાનિક અભિગમથી જીવે! કોરોનાએ આ વિશ્વાસ ભાંગીને ભુકકો કરી નાખ્યો. આ તો માત્ર સામાન્ય ‘ફલુ’ છે એવું માનનારા બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ કોરોના સંક્રમિત થયા.

બ્રાઝીલમાં સોળ લાખ સંક્રમિત થયાં. સાઇઠ હજારથી વધુ મોતને ભેટયા. અમેરિકામાં મૃત્યુઆંક દોઢ લાખ પહોંચ્યો. ભારતમાં સંક્રમણ છ લાખને પાર કરી ચૂકયું છે ત્યારે એવું કહેવાય છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે તમારા સિવાય સૌને શંકાથી જુઓ અને સાવચેતીપૂર્વક વ્યવહાર કરે.

જો કે આ શંકા સારી છે. પણ આજે દેશમાં સરકાર દ્વારા અપાતા આંકડામાં વિશ્વાસ નથી બેસતો. બજારમાં વેચાતી દવામાં વિશ્વાસ નથી બેસતો, દવાખાનાના બીલમાં વિશ્વાસ નથી બેસતો, વિકસિત ભણેલા લોકોના વર્તનમાં વિશ્વાસ નથી બેસતો.

આરોગ્યના સંશોધનમાં વિશ્વાસ નથી બેસતો. દેશનેતાના નિવેદનમાં વિશ્વાસ નથી બેસતો. વૈશ્વિક આરોગ્ય સંસ્થામાં વિશ્વાસ નથી બેસતો. ટૂંકમાં વિશ્વ આખામાં અવિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાયું છે, જે કોરોના કરતાં પણ ઘાતક નિવડવાની શકયતા છે! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Related Posts