કોરોનાના ઘટી રહેલા કેસ જોતાં કદાચ વેક્સિનની જરૂર જ નહીં પડે

માર્ચ માસથી શરૂ કરીને સતત 10 માસથી આખા દેશને હેરાન કરી નાખનાર કોરોનાની મહામારીના હવે વળતાં પાણી થઈ ગયા છે. કોરોનાના કેસ હજુ પણ આવી રહ્યા છે પરંતુ જે માત્રામાં કોરોનાના કેસ અગાઉ આવતાં હતાં તેમાં મોટો ઘટાડો થઈ ગયો છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં કોરોનાના રોજ એક લાખ કેસ આવતાં હતાં પરંતુ હવે તેની માત્રા ઘટીને 45 હજાર સુધી પહોંચી ગઈ છે. એટલે કે પિક પરથી કોરોનાના કેસોમાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે અને હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી હોવાથી ખુબ ઝડપથી કોરોનાની મહામારી કાબુમાં આવી જશે તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા ત્રણ માસમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાના ઘટી રહેલા કેસ જોતાં કદાચ વેક્સિનની જરૂર જ નહીં પડે

ભારતમાં ગત જાન્યુ.માસમાં કોરોનાનો પ્રથમ કેસ દેખાયો હતો. કેરાલાનો વિદ્યાર્થી વુહાનથી આવ્યો હતો અને તેનો કોરોના પોઝિટિવ જણાયો હતો. ત્યારબાદ ધીરેધીરે અને માર્ચ માસ બાદ ખુબ ઝડપથી ભારતમાં કોરોનાના કેસ વધવા માંડ્યા હતા. ભારતમાં આ કારણે જ લોકડાઉન પણ કરાયું હતું પરંતુ લોકડાઉનમાં પણકોરોનાના કેસોની સંખ્યા વધતી જ રહી હતી. ગત જુન, જુલાઈ અને ઓગષ્ટ માસમાં કોરોના તેના પિક પર હતો અને તે સમયે ભારતમાં કોરોનાના રોજિંદા કેસની સંખ્યા એક લાખને પણ પાર કરી ગઈ હતી. તા.21મી ઓકટો.ના રોજ વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારત અમેરિકા બાદ બીજા ક્રમે કોરોનાના 76.51 લાખ કેસ ધરાવતું હતું. જ્યારે અમેરિકા 82 લાખ કેસ સાથે કોરોનાનામાં ટોચ પરનો દેશ હતો. જ્યારે એક લાખ કેસ રોજ આવતાં હતાં ત્યારે ભારતમાં કોરોનાની સારવાર લઈને મુક્ત થનારા દર્દીઓની સંખ્યા પણ ખુબ ઓછી હતી.

આ કારણે જ ભારત દેશમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં જગ્યા મળવી મુશ્કેલ થઈ ગઈ હતી. કોરોનામાં ભારતમાં અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધુ દર્દીઓના મોત થઈ ગયા છે. જોકે, છેલ્લા ઘણાં સમયથી કોરોનામાં થતાં મોતનો આંકડો ઘટી જવા પામ્યો છે. તે સારી નિશાની છે અને હવે કેસ ઘટી રહ્યા છે, તેણે બતાવી આપ્યું છે કે કોરોનાની મહામારી હવે ઘટી જશે. ગત સોમવારે એટલે કે તા.18મીના રોજ કોરોનાનામાં ફક્ત 45.90 હજાર કેસ નોંધાયા હતાં. જ્યારે તેની સામે 70 હજાર કરતાં પણ વધુ દર્દીઓ સાજા થઈ ગયા હતા. એટલે કે જો કેસ કરતાં ડિસ્ચાર્જનો આંક વધે તો એક્ટિવ કેસની સંખ્યા ઘટે. આ ન્યાયે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 7 લાખની આસપાસ થઈ જવા પામી છે.

76 લાખ કેસની સામે માત્ર 7 લાખ એક્ટિવ કેસ હોવાને કારણે હવે માત્ર 10 ટકા જ કેસ એક્ટિવ હોવાનું માની શકાય. આ આંકડા પણ આગામી દિવસોમાં કોરોનાથી રાહત મળવાના એંધાણ આપી રહ્યા છે. હજુ ગત તા.17મી સપ્ટે.ના રોજ જ કોરોનાના ભારતમાં એક્ટિવ કેસનો આંક 10 લાખથી પણ વધુ હતો પરંતુ તેમાં થઈ રહેલા ઘટાડાને કારણે સરકાર પણ રાહત અનુભવી રહી છે. અત્યાર સુધી એવું થતું હતું કે ભારતના ડોકટરોને કોરોનાની સામે કઈ સારવાર અક્સીર સાબિત થશે તેનો અંદાજ આવતો નહોતો પરંતુ હવે ડોકટરોને પણ ખ્યાલ આવી ગયો છે કે દર્દીને કેવા પ્રકારની દવાઓ અને સારવાર કોરોનામાં આપી શકાય છે અને કઈ રીતે કોરોનાથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

કોરોના માટે વેક્સિન શોધવાની અનેક મથામણ ચાલી રહી છે. રશિયા દ્વારા વેક્સિન શોધી લીધાનો દાવો કરાયો છે. અન્ય દેશો પણ વેક્સિન શોધવામાં લાગ્યા છે. ભારતમાં પણ સરકાર સાથે મળીને અનેક સંસ્થાઓ કોરોનાની વેક્સિન શોધવા માટે મથી રહ્યા છે પરંતુ જે રીતે વેક્સિન માટે સમય લાગી રહ્યો છે અને સામે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં જ્યાં સુધીમાં વેક્સિન શોધાશે ત્યાં સુધીમાં કોરોનાના કેસની સંખ્યા પણ મોટાપાયે ઘટી જશે. એવું પણ બની શકે કે વેક્સિનની જરૂરિયાત જ નહીં રહે. સરકાર પણ હાલના સંજોગોમાં વેક્સિન શોધવા પર ધ્યાન આપવાને બદલે ટેસ્ટની સંખ્યા વધારીને જો કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવામાં મહેનત કરશે તો કદાચ વેક્સિન શોધવી જ નહીં પડે તે નક્કી છે.

Related Posts