કોરોના મહામારી કે ષડયંત્ર? વિશ્વની સૌથી બુદ્ધિમાન જીવિત વ્યક્તિ નો લેખ..

કોરોના મહામારી કે ષડયંત્ર? વિશ્વની સૌથી બુદ્ધિમાન જીવિત વ્યક્તિ નો લેખ..
  • યુવાલ નોઆ હરારી નામના ઈઝરાયેલના આ ઈતિહાસના પ્રોફેસરના ક્રાંતિકારી વિચારો તમને હલબલાવી મૂકશે
  • યુવાલ નોઆ હરારી. એક એવી વ્યક્તિ જેને વિશ્વની સૌથી બુદ્ધિમાન જીવિત હસ્તીઓમાં આજે ગણવામાં આવે છે
  • આ વ્યક્તિએ કોરોના વાઇરસના સંદર્ભમાં જે કહ્યું છે એ સાંભળીને તમારંુ દિમાગ હલી જશે.

યુવાલ જે કંઈ કહી રહ્યાં છે એ એકદમ ક્રાંતિકારી વિચારો છે. હવે આપણને એવો સવાલ થાય કે, કોણ છે આ હસ્તી? ક્યાં દેશની છે? અને તેનો વ્યવસાય શું છે? શા માટે એ કંઈ કહી રહ્યાં છે એ આપણે સાંભળવું જોઈએ? વેલ યુવાલ એક નોન ફિક્શન રાઇટર છે. સૈપિયંસ, હોમો ડેસ અને ટ્‌વેન્ટી લેસન્શ ફોર ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચૂરી જેવાં બેસ્ટ સેલર પુસ્તક લખી ચૂક્યાં છે. આ પુસ્તક બેસ્ટ સેલર કેવી રીતે બન્યાં? શું છે આ પુસ્તકોમાં? તેની પાછળ પણ એક કહાની છે. આ પુસ્તકોમાં ઈતિહાસ લખાયેલો છે. આ ઈતિહાસમાંથી નીકળતી ભવિષ્યની સંભાવનાઓ, ઉમ્મીદો, ચેતવણીઓ જણાવવામાં આવી છે.

અને આ બધું કંઈ એમને એમ નથી લખાયું, એક તર્ક સાથે એવી રીતે પ્રેઝન્ટ કરાયું છે કે, તમે કદાચ તેનાંથી સહમત અથવા અસહમત થઈ શકો, પણ નકારી નહીં શકો!
૪૪ વર્ષના યુવાલ નોઆ હરારી ઇઝરાયેલના જેરુસલમની હિબ્રૂ યુનિર્સિટીમાં ઈતિહાસ વિભાગના પ્રોફેસેર કમ વડા છે.

તાજેતરમાં તેઓએ ઇન્ટરવ્યૂમાં કોરોના વાઇરસની મહામારી વિશે સચોટ વાતો કરી હતી. સચોટ પણ કેવી, સીધી દિલ સોંસરવી ઉતરી જાય તેવી! આજે યુવાલ નોઆ હરારીની આ સચોટ વાતોમાંથી અમુક મુદ્દાઓ જુદાં તારવ્યાં છે. એક એક મુદ્દા સમજવાની કોશિશ કરજો. આવાં ક્રાંતિકારી વિચારો કોરોના વાઇરસની મહામારી વચ્ચે કોઈએ રજૂ કર્યા નથી. આ મુદ્દા મગજ સોંસરવા ન ઊતરે તો કહેજો. યુવાલ નોઆ હરારીની પહેલી વાતથી શરૂ કરીએ તો તેઓ કહે છે, આપણી પાસે આજના સંકટનો સામનો કરવાની તાકાત છે,

પણ શું આપણી પાસે આ તાકાતનો સચોટ ઉપયોગ કરવાની અક્કલ છે? એકદમ સ્પષ્ટપણે તેઓએ પૂછેલો આ સવાલ વિશ્વના દેશોની મહામારી સામેની નિષ્ફળતા તરફ તકાયેલો છે. યુવાલ એવું પણ કહે છે, આપણે વાઇરસથી એક કદમ આગળ છીએ. આપણે એ તરીકાઓનો ઉપયોગ એકબીજાને સહયોગ આપવા કરી શકીયે, જે વાઇરસ નથી કરી શકવાના. અલબત્ત, ચીનનો એક વાઇરસ અમેરિકાના એક વાઇરસને સલાહ નથી આપી શકવાનો! આપણે આપી શકીયે છીએ, પણ શું એવું આપણે કરી રહ્યાં છીએ? આવું કહીને યુવાલે સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના સામેની લડતમાં વિશ્વના દેશો અલગ-થલગ કામ કરી રહ્યાં છે. એકબીજાની કોઈને પડી નથી. સૌ પોતપોતાની ચિંતામાં છે.

એટલે જ તે કહે છે, મને લાગે છે કે, અત્યારે દુનિયા સામે સૌથી મોટો ખતરો વાઇરસ નથી. વાઇરસને તો આપણે નિપટાવી શકીયે તેમ છીએ, પણ વાસ્તવમાં દુનિયાને આજે સૌથી મોટો ખતરો માનવતાની અંદર રહેલાં દાનવો નફરત, લાલચ અને અજ્ઞાનતાથી છે.
યુવાલ નોઆ હરારીનુ સ્પષ્ટ માનવું છે કે, આવાં સમયમાં આપણે રાષ્ટ્રવાદી અલગતા પસંદ કરીશું તો વધારે દયનીય, ગરીબ અને અસ્વસ્થ બની જઈશું.

દેશની સીમાઓ બંધ કરી દેવાથી વાઇરસ સામે લડી નહીં શકાય.
મહામારીની વાસ્તવિક ઔષધિ આઇસોલેશન નહીં એકબીજાને સહયોગ આપવો એ છે.
અત્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે, વિશ્વનો દરેક દેશ પર એ નજર રાખી રહ્યો છે કે ત્યાં પરિસ્થિતિ કેટલી વણસી છે, જેથી મને ખબર પડે કે મારે શું કરવાનું છે? કોઈ એકબીજાની મદદ નથી કરી રહ્યું.

યુવાલે જાહેરમાં એવું નિવેદન કર્યું છે કે,
છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયાનો અમેરિકી નેત્તૃત્વ પરથી ભરોસો ઊઠી ગયો છે. હવે દુનિયા અમેરિકાની ક્ષમતા પરથી પણ ભરોસો ખોઈ રહી છે.
અલબત્ત, યુવાલ એવું સ્પષ્ટપણે માને છે કે, આવાં સમયમાં તમે કોઈ દેશને નફરત પણ કરતાં હોવ છતાં તેની યોગ્યતાનું સન્માન કરવું જાઈએ.
આગળ તેઓ ચેતવણીના ટોનમાં એવું કહે છે કે, હું સ્પષ્ટ માનું છું કે, ધાર્મિક નેતા મહામારી રોકવામાં વધારે કારગત સાબિત નથી થતાં. આ તેની વિશેષતા નથી, તેનું ક્ષેત્ર નથી. જો તમારે બીમારીના સમયે એક વિજ્ઞાનિક અને ધાર્મિક વડા વચ્ચે કોઈ એકને પસંદ કરવા પડે તો વિજ્ઞાનિકને પસંદ કરજો.

આજે એવાં સવાલ ઉઠી રહ્યાં છે કે, કોરોના વાઇરસ એક મહામારી નથી પણ કોન્સપરેસી છે! આ બાબતને વખોડી કાઢીને તેઓ કહે છે, કોઈ તમારી પાસે કોવિડ-૧૯ સાથે જાડાયેલી કોન્સપરેસી થિયરી લઈને આવે તો પહેલાં એ વ્યક્તિને એક સવાલ પૂછજો કે, પ્લીઝ મને એવું સમજાવ કે, વાઇરસ શું હોય છે? એ બીમારીનું કારણ કેવી રીતે બને છે?

તેઓ એમ પણ કહે છે કે, જો તમે થિયરી ઓફ ઇવોલ્યૂશનમાં વિશ્વાસ નહીં કરતાં હોવ તો મહામારીને નહીં સમજી શકો. કોવિડ-૧૯ની મહામારીને લઈને લોકોની પ્રતિક્રિયા હાથ ઊંચા કરવાની નથી રહી, પણ ગુસ્સો અને ઉમ્મીદનું મિશ્રણ રહી છે. યુવાલ નોઆ હરારીનું દ્રઢપણે એવું માનવું છે કે, કોઈ મહામારી ફેલાઈ છે તો એ એવી બાબત નથી કે, તેને ખતમ કરી ન શકાય, પણ આ એક માનવીય અસફળતા છે. પૃથ્વી પરના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, આપણે નથી જાણતાં આવનારાં દસકોમાં નોકરીઓનું ભવિષ્ય કેવું હશે? આપણે શું કરીશું? આવનારો સમય તેનાં પર નિર્ભર કરે છે કે, આપણે શું પસંદ કરીયે છીએ. મને આશા છે

કે, આપણે રાષ્ટ્રવાદી પ્રતિસ્પર્ધા નહીં, પણ વૈશ્વિક એકજૂટતા પસંદ કરીશું.
યુવાલ કહે છે, યાદ રાખજો સંકટના સમયે લોકો પોતાનો વિચાર જલદીથી બદલી શકે છે. તાકાતવાન લોકો માટે મહામારી અને આપત્તિ સત્તા હાંસલ કરવાનું બહાનું હોય છે. આપણે તેની જાળમાં ફસાવાનું નથી. યાદ રાખો, એક વખત તમે તમારી સ્વતંત્રતા છોડી દો તો પછી પરત હાંસિલ કરવી મુશ્કેલ હોય છે.

હવે પછીનું વર્લ્ડ કેવું હશે, એ વિશે જણાવતાં યુવાલ કહે છે, લોકોએ એવું નક્કી કરવું પડશે કે, ગોપનિયતા અને સ્વાસ્થ્ય વચ્ચે પસંદગીનો વિકલ્પ ન હોઈ શકે. લોકો પાસે બંને હોવા જાઈએ. લોકતંત્રમાં નજર બંને તરફથી હોવી જાઈએ. એવું નથી કે, ફક્ત સરકાર લોકો પર નજર રાખે, લોકોએ પણ સરકાર પર નજર રાખવી જોઈએ.

મહામારીમાં બધું ઠપ પડેલું છે ત્યારે આર્થિક મોરચે શું થશે, એવી દહેશત વચ્ચે યુવાલ નોઆ હરારીનું કહેવું છે કે, વસ્તુઓ કામ કરી રહી છે કે નહીં? પૈસા સાચી જગ્યાએ લગાવ્યાં છે કે નહીં? વગેરે સવાલોના જવાબમાં અંતે નિર્ણય એ વાત પર નથી આવતો હોય છે કે, દેશના સ્ટોક એક્સચેન્જમાં શું થઈ રહ્યું છે્? ખરેખર એવાં નિર્ણયો નુકસાનકારક છે! નિર્ણય એ વાતથી આવવો જોઈએ કે, સામાન્ય જનતા પર શું અસર થઈ રહી છે?

યુવાલ નોઆ હરારીનો છેલ્લો મુદ્દો દિલ સોંસરવો ઊતરી જાય તેવો છે.
યુવાલ સરકારોના વલણ અને આજની સ્થિતિ પર કટાક્ષ કરતાં તેઓ કહે છે, પહેલાં ઉપર ઉપરથી આપણી પર નજર હતી. હવે એ ત્વચાની અંદર જઈ રહી છે. સરકારો કેવળ એવું નથી જાણવા માગતી કે, આપણે ક્યાં જઈએ છીએ?
કોને મળીયે છીએ? હવે સરકારો એવું જાણવા માગે છે કે, આપણી અંદર શું ચાલી રહ્યું છે? આપણાં શરીરનું તાપમાન કેટલું છે? આપણાં લોહીનું દબાણ કેટલું છે?આપણી સારવારની સ્થિતિ શું છે? બેશક, આ બધું મહામારી સાથે નિપટવા માટે જરૂરી છે, પણ આવું લાંબા સમય સુધી ચાલ્યું તો એક નવુંં, અભૂતપૂર્વ સત્તાધારી શાસન સ્થપાવાનો ભય રહેલો છે!
યુવાલ નોઆ હરારીએ જણાવેલાં આ મુદ્દાઓ સાંપ્રત સમયને ઈતિહાસ સાથે જાડીને ભવિષ્યના સંકેતો આપતાં હોય તેવું લાગી રહ્યું છે.

Related Posts