કોરોના ઈફેક્ટ: વલસાડ એસટીનાં પૈંડાં 6 માસ થંભી જતાં 43.22 કરોડની આવક ઘટી

વાપી: ભારતમાં (India) કોરોનાનો સૌપ્રથમ કેસ ફેબ્રુઆરીમાં નોંધાયા બાદ ધીરેધીરે સમગ્ર દેશમાં તેનો ફેલાવો થઈ ગયો હતો. માર્ચમાં લોકડાઉનનો અમલ કરાતાં તમામ પ્રકારના ધંધા-રોજગારને બ્રેક લાગી ગઈ હતી. વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. રેલવે-એસટી (Railway ST) તેમજ ટ્રાન્સપોર્ટ એજન્સીને પણ લોકડાઉનની માઠી અસર પહોંચી હતી. ભારતભરમાં લોકડાઉનના આશરે 6 માસ બાદ ઓગસ્ટમાં ધીરે ધીરે બધું પૂર્વવત થતું ગયું હતું. લોકડાઉન દરમિયાન ગુજરાતમાં (Gujarat) એસટી વ્યવહાર પણ બંધ કરી દેવાયો હતો. જેને લઈ વલસાડ એસટી વિભાગને પણ મસમોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વલસાડ એસટી ડિવિઝનને કોરોના મહામારીના પગલે લોકડાઉનને લઈ 6 માસમાં અંદાજે રૂ.43.22 કરોડનું ભારે નુકસાન થયું છે. જો કે, ડિવિઝનના તમામ કર્મચારીઓને તેમનાં પગાર-ભથ્થાં નિયમિત મળ્યાં હતાં. જેને લઈ કર્મચારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી ન હતી.

કોરોના ઈફેક્ટ: વલસાડ એસટીનાં પૈંડાં 6 માસ થંભી જતાં 43.22 કરોડની આવક ઘટી

કોરોના મહામારીએ ભલભલાની કમર તોડી નાંખી છે. ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. તમામ મોટાં બજારોમાં કોરોનાએ પંજો ફેલાવી પોતાની પ્રતીતિ હજુપણ અકબંધ હોવાની સાબિતી આપી દીધી છે. દેશમાં કોરોના મહામારીના પગલે લોકોની સુખાકારી અને આરોગ્યની સુરક્ષા માટે સરકારે લોકડાઉનનો અમલ કરાવ્યો હતો. આ લોકડાઉન છેક 6 માસ એટલે કે માર્ચથી ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ 6 માસમાં વલસાડ એસટીનાં પૈંડાં સદંતર થંભી ગયાં હતાં. વાહન-વ્યવહાર બિલકુલ બંધ કરી દેવાયો હતો. લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. એસટી વ્યવહાર બંધ રહેતાં લોકોનું આવાગમન અટકી ગયું હતું. જેની સીધી અસર વલસાડ એસટી વિભાગને પડી હતી. વલસાડ એસટી ડિવિઝનમાં 6 ડેપો વલસાડ, વાપી, ધરમપુર, નવસારી, બીલીમોરા અને આહવાનો સમાવેશ થાય છે. આ તમામ ડેપોની ટ્રીપો બંધ કરી દેવાતાં વલસાડ વિભાગને ખાસું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.

માર્ચથી ઓગસ્ટ-19 સુધીની આવક

  • માર્ચ-19માં રૂ.9.76 કરોડ
  • એપ્રિલથી જૂન-19 સુધીમાં રૂ.31.86 કરોડ
  • જુલાઈ-19માં રૂ.9.31 કરોડ
  • ઓગસ્ટ-19માં રૂ.9.70 કરોડ

માર્ચથી ઓગસ્ટ-20 સુધીની આવક

  • માર્ચ-20માં રૂ.7.11 કરોડ
  • એપ્રિલથી જૂન-20 સુધીમાં રૂ.3.63 કરોડ
  • જુલાઈ-20માં રૂ.2.99 કરોડ
  • ઓગસ્ટ-20માં રૂ. 3.68 કરોડ
કોરોના ઈફેક્ટ: વલસાડ એસટીનાં પૈંડાં 6 માસ થંભી જતાં 43.22 કરોડની આવક ઘટી

વલસાડ એસટી ડિવિઝને એકપણ કર્મચારીનો પગાર ન કાપી સરાહનીય પગલું ભર્યું

વલસાડ એસટી વિભાગને ગત માર્ચથી ઓગસ્ટ-2019 સુધીમાં રૂ.60 કરોડ, 63 લાખની માતબર આવક થઈ હતી. જ્યારે કોરોનાના કપરા કાળમાં વલસાડ એસટીને માર્ચથી ઓગસ્ટ-2020 દરમિયાન માત્ર રૂ.17 કરોડ, 41 લાખની આવક થઈ છે. ગત વર્ષના આ છ મહિના અને ચાલુ વર્ષના આ છ મહિના વચ્ચેના તફાવતમાં વલસાડ એસટી વિભાગે રૂ.43 કરોડ, 22 લાખની નુકસાની વેઠી છે. રૂ.43.22 કરોડની આવક ઓછી નોંધાઈ, છતાં આ છ મહિના દરમિયાન વલસાડ એસટી ડિવિઝને એકપણ કર્મચારીનો પગાર કાપ્યો નથી, જે એક સરાહનીય કદમ કહી શકાય.

પરિસ્થિતિ મુજબ ધીરે ધીરે તમામ રૂટ ચાલુ થઈ રહ્યા છે

વલસાડ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક ડી.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે સરકારના આદેશ પ્રમાણે ડિવિઝનના તમામ રૂટ બંધ કરી દેવાયા હતા. જો કે, હવે પરિસ્થિતિ મુજબ ધીરે ધીરે તમામ રૂટ શરૂ કરી દેવાયા છે. આ છ મહિનાના કપરાકાળમાં લોકડાઉનને પગલે વલસાડ એસટીને ઘણું નુકસાન થયું છે. જો કે, સરકારના સહયોગથી અમારા તમામ કર્મીઓના પગાર રાબેતા મુજબ કરી દેવાયા હતા. કોઈને કંઈપણ પ્રકારનું નુકસાન વેઠવું પડ્યું નથી. બીજું ખાસ ડિવિઝન દ્વારા તમામ રૂટ ઉપરાંત દિવાળી એકસ્ટ્રા બસની સુવિધા પણ શરૂ કરાઈ છે, જેનો લાભ મુસાફરોએ અવશ્ય લેવો.

Related Posts