શેરી અને સોસાયટીની બહાર ટોળે વળતા લોકો સામે ગુનો નોંધાશે

લોકડાઉનને આજે છ દિવસ થયા છે 95 ટકા શહેરીજનો કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘરની બહાર નીકળતા નથી. આવા લોકો જ્યારે દવા કે દૂધની જરૂર પડે છે અને ફરી પાછા ઘરે જઇને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરે છે. પરંતુ 5 ટકા લોકો એવા છે જે સમાજના દુશ્મન હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. લોકોને રસ્તા પર નહીં જવા દેવાનો પોલીસનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો એકબીજાથી દૂર રહે અને કોઇનાથી કોઇને સંક્રમણ નહીં થાય પરંતુ જ્યાં પોલીસ નથી પહોંચી શકતી તેવા શેરી, મહોલ્લા કે સોસાયટીઓની બહાર યુવાનો અને લોકો ટોળા વળીને બેસી જાય છે. તેના કારણે લોકડાઉનનો હેતું સિદ્ધ થતો નથી અને કોરોનાનો ખતરો બનેલો રહે છે.
આવા તત્વોને ડામવા માટે અને તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે શહેર પોલીસે નવી અવેરનેસ કામગીરી શરૂ કરી છે. પોલીસ શહેરના વિવિધ ખૂણામાં પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી તેને લઇને હવે સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે. જ્યાં પણ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થયા હોય તેઓનો ફોટો પાડીને સીધા જ સુરત શહેર પોલીસના ફેસબુક પેજ ઉપર મૂકી દેવાથી ગણતરીની મિનીટોમાં સ્થાનિક પોલીસ આવા ન્યૂસન્સ રૂપ લોકોની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે.
આ અંગે માહિતી આપતા ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રોન કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. ઝોન-4 વિસ્તારમાં આવતા આઠ પોલીસ સ્ટેશનો પૈકી અતિ સંવેદનશીલ ગણાતા રાંદેર, અડાજણ, જહાંગીરપુરા અને અમરોલી વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે જાહેર રોડ ઉપર ખુલ્લેઆમ ટોળામાં ફરતા લોકોની સામે જાહેરનામા ભંગના ગુનાઓ નોંધાયા છે. જે વિસ્તારમાં ટોળા દેખાય કે તરત જ તેનો ફોટો ક્લિક કરીને કંટ્રોલ રૂમમાં આપી દઇને સ્થાનિક પોલીસને મદદ વડે ટોળા સામે ફરિયાદ થતી હતી. પરંતુ તેમાં પણ હવે શહેર પોલીસે નવો કિમિયો અજમાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં જે લોકો લોક ડાઉનનો ભંગ કરી રહ્યા છે તેઓની સામે હવે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરાશે. ચારથી વધુ વ્યક્તિઓ કોઇપણ કારણ વગર ફરી રહ્યા હોય અથવા તો બાકડાઓ પર બેઠા હોય તેવા લોકોને ફોટા તેઓનો ફોટો પાડીને શહેર પોલીસને જાણ કરવા માટે જણાવાયું છે. જો કોઇ વ્યક્તિઓ કોરોના બાબતે ગંભીર નહીં હોય અને ટોળે વળતી હોય તો તેની જાણકારી શહેર પોલીસના ‘સુરત સીટી પોલીસ’ના ફેસબુક પેજ ઉપર આપવાની રહેશે. તેમાં જે-તે વિસ્તારનું નામ અને લોકેશન આપવાનું રહેશે. તેના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તાત્કાલિ ઘટના સ્થળે આવીને તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરશે. આવી રીતે શહેર પોલીસની કામગીરી પણ સરળ બનશે અને વગર કામે બહાર ફરતા લોકોમાં પોલીસનો ડર પણ ઊભો થશે.
અમરોલી વિસ્તારના યુવકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
શહેર પોલીસના ઝોન-4ના ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રોન કેમેરાના આધારે વોચ શરૂ કરાઇ હતી. ત્યાં લોકોને પણ ફરિયાદો કરવા માટે જણાવાયું હતું. શનિવારે શહેર પોલીસને કુલ આઠ ફરિયાદો મળી હતી. શરૂઆતનો પહેલો દિવસ હોય પોલીસે અમરોલીના એક ગ્રૂપ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો જ્યારે અન્ય કેટલાક સ્થળોએ યુવકોને ઠપકો આપીને બીજીવાર બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે

Related Posts