કોંગ્રેસે દેશમાં કેન્દ્રમાં સત્તા મેળવવા સોફ્ટ હિન્દુત્વ અપનાવવું જ પડશે

જે પક્ષે ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું હોય, જે પક્ષમાંથી મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને જવાહરલાલ નહેરૂ જેવા નેતાઓ પેદા થયા હોય તેવા કોંગ્રેસ પક્ષની આજે ખસ્તાં હાલત થઈ જવા પામી છે. જે પક્ષે દેશમાં સૌથી વધુ વર્ષ રાજ કર્યું તે પક્ષ આજે ધીરેધીરે સંકોચાઈ રહ્યો છે અને તેના માટે જવાબદાર તે પક્ષના નેતાઓની નીતિઓ છે.

કોંગ્રેસે દેશમાં કેન્દ્રમાં સત્તા મેળવવા સોફ્ટ હિન્દુત્વ અપનાવવું જ પડશે

જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ચૂંટણી મુદ્દાઓ પર લડાતી હતી. તે સમયે કોંગ્રેસનો કોઈ વિકલ્પ નહોતો. ધીરેધીરે કોંગ્રેસના નેતાઓ ભૂલ કરતાં ગયા અને વિપક્ષ ઉભો થતો ગયો. 1885માં સ્થપાયેલી કોંગ્રેસ પાર્ટીમાંથી નેતાઓ ધીરેધીરે જુદા પડતાં ગયા અને પરિસ્થિતિ એવી આવી કે 1977માં દેશમાં પ્રથમ વખત બિનકોંગ્રેસી પક્ષોની સરકાર બની. જોકે, બાદમાં ઈન્દિરા ગાંધીએ બાજી સંભાળી લીધી અને કોંગ્રેસને ફરી ટોચ પર પહોંચાડી.

ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસે રાજીવ ગાંધીની આગેવાનીમાં ફરી દેશમાં શાસન કર્યું અને તે સમયે ઐતિહાસિક જીત પણ મેળવી. જોકે, રાજીવ ગાંધીના સોનેરી યુગ બાદ કોંગ્રેસ ધીરેધીરે અસ્તાંચળ તરફ ધકેલાતો પક્ષ બની ગયો. વચ્ચે કોંગ્રેસે દેશમાં કેન્દ્રમાં ભલે રાજ કર્યું પરંતુ તે સમયે કોંગ્રેસની લઘુમતિ સરકારો હતી અને હવે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર બને તેવી સંભાવના ખુબ ઓછી છે અને બને તો પણ લઘુમતિ સરકાર જ હશે.

આ વાત એટલા માટે ચર્ચવી જરૂરી છે કે જો દેશમાં લોકશાહી ટકાવવી હશે તો મજબુત વિપક્ષની કાયમ જરૂરીયાત રહેવાની છે. હાલમાં ભાજપ કેન્દ્રમાં સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે. કોંગ્રેસની સાથે અનેક નાની પાર્ટીઓ પણ વિપક્ષમાં છે. પરંતુ દેશને જો પ્રગતિના પંથે લઈ જવો હોય તો એક મજબુત રાષ્ટ્રિય પક્ષ વિપક્ષ તરીકે હોય તે જરૂરી છે. દેશને મજબુત વિપક્ષની જરૂરીયાત છે પરંતુ કોંગ્રેસને તેવું લાગતું નથી તેવું હાલની કોંગ્રેસની સ્થિતિ અને તેમના નેતાઓની વિચારસરણી પરથી લાગી રહ્યું છે.

કોંગ્રેસમાં ભલે સર્વોચ્ચ નેતા તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હોય, પરંતુ આ બંને નેતાઓની સ્થિતિ એવી છે કે તેઓ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેતાં હોય તેવી હાલની સ્થિતિ નથી. કોંગ્રેસને અન્ય નેતાઓ જ ચલાવી રહ્યા છે અને આ નેતાઓ તેમના પર્સનલ એજન્ડામાં પક્ષને ખાડામાં ઉતારી રહ્યા છે. જે પક્ષ કેન્દ્રમાં વર્ષો સુધી સત્તામા રહ્યો હોય તે પક્ષ જો યુપી અને બિહાર જેવા રાજ્યોમાં વિધાનસભાની કુલ બેઠકોની 10 ટકા જેટલી બેઠક પણ મેળવી નહીં શકે તો આ પક્ષ કેવી રીતે દેશમાં કેન્દ્રમાં સત્તા મેળવશે તેવા અનેક પ્રશ્નાર્થો ઉઠી રહ્યા છે. હવે તો એવી સ્થિતિ થઈ રહી છે કે સત્તા વિહોણી કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર જ લડી રહ્યા છે અને પક્ષને વધુ નબળો પાડી રહ્યાં છે.

ભાજપે સતત કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ભાજપે આ માટે સ્ટ્રેટેજી અપનાવી છે. સામે કોંગ્રેસ આ સ્ટ્રેટેજીનો સામનો કરી શકતી નથી. પ્રચાર-પ્રસાર માધ્યમોનો પોતાના અંકુશમાં કરવાનો કોંગ્રેસ પાસે કોઈ હાલમાં કોઈ પ્રકારનો પાવર નથી. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન પણ નથી કે જે લોકોમાં જઈને પક્ષ વિરૂદ્ધ થઈ રહેલા ખોટા પ્રચારને ખાળી શકે.

કોંગ્રેસની આ નબળાઈનો તેના હરીફ પક્ષો મોટો લાભ ઉઠાવી રહ્યા છે અને વર્ષોથી સત્તામાં રહેવાને કારણે આળસુ થઈ ચૂકેલા કોંગ્રેસના નેતાઓ તેની સામે લડી પણ શકતાં નથી. આ કારણે જ હાલમાં મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી કે પછી અન્ય રાજ્યોમાં થયેલી તમામ પેટાચૂંટણીઓમાં મોટાભાગની બેઠકો ગુમાવી છે. આ બેઠકો એવી હતી કે જે કોંગ્રેસ ભૂતકાળમાં જીતી ચૂકી હતી. આ સ્થિતિમાં જો કોંગ્રેસે ફરી રાજકીય રીતે કમબેક કરવું હોય તો તેની પાસે બે જ માર્ગ છે. અને તે છે સોફ્ટ હિન્દુત્વનો સ્વીકાર અને સાથે સાથે સંગઠનને મજબુત બનાવવું.

જ્યારે અડવાણીએ રથયાત્રા કાઢી હતી ત્યારે ભાજપે કટ્ટર હિન્દુત્વ અપનાવ્યું હતું. કાળક્રમે ભાજપે સોફ્ટ હિન્દુત્વ અપનાવી લીધું. ભારતમાં બહુમતિ હિન્દુઓની વસ્તી છે. જેમાં વોટના ભાગ પડે તેમ નથી. સામે મુસ્લિમ મતદારોમાં ભાગ પડાવવા માટે અનેક પક્ષો મેદાનમાં છે. બિહારમાં પણ કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન માટે જે સત્તાનો કોળિયો મોઢા સુધી આવ્યો અને જતો રહ્યો તેની પાછળ મુસ્લિમ પક્ષો જવાબદાર છે. આ પક્ષો મત તોડી ગયા અને બિહારમાં સરકાર બનતી રહી ગઈ. ભાજપ આ સ્થિતિ સારી રીતે જાણે છે. મુસ્લિમો મતોમાં પડતા ભાગલા ભાજપને જીત આપી જાય છે.

કોંગ્રેસે આ ગણિત સમજવું પડશે. કોંગ્રેસે જીતવું હશે તો હિન્દુ મતોમાં ભાગલા પડાવવા પડશે. જો તેમ થશે તો એક મોટો સમુહ કોંગ્રેસ સાથે જોડાશે. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને જોડી દીધો અને તેને કારણે જે હિન્દુઓ કોંગ્રેસની સાથે હતાં તે પણ તેનાથી દૂર થઈ રહ્યા છે. કોંગ્રેસે આ સ્થિતિ બદલવી પડશે.

ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતાં ત્યારે જ તેમણે અયોધ્યામાં રામમંદિરના દ્વાર ખોલાવ્યા હતાં અને રાજીવ ગાંધીના સમયમાં રામ મંદિર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધીના સોફ્ટ હિન્દુત્વને કારણે જ તેમની હત્યા બાદ તેમની તરફેણમાં દેશમાં જુવાળ ઉભો થયો હતો. કોંગ્રેસે આ વાત સમજવી પડશે.

હજુ પણ સમય વહી ગયો નથી. કોંગ્રેસ તેના ભૂતકાળની નીતિઓ અને તેના નેતાઓએ કરેલા કાર્યોની સમીક્ષા કરશે તો પણ દેશમાં સત્તાસ્થાને આવી શકશે. કોંગ્રેસને હવે એવા નેતાની જરૂર છે કે જે એક જ અવાજે તમામ કાર્યકરોને એકઠાં કરી શકે. જે નેતા પક્ષની વિરૂદ્ધ બોલે તેને દરવાજો બતાવી શકે અને લોકોની વચ્ચે જઈને તેમની તકલીફો સમજે. આજે પણ દેશના નાગરિકો હાલની ભાજપ સરકારથી એટલા ખુશ નથી. પરંતુ તેમની સામે હાલમાં કોઈ મજબુત વિકલ્પ નથી. કોંગ્રેસ જો મતદારોને ભરોસો અપાવી શકશે કે તે મજબુત વિકલ્પ બની શકશે તો કેન્દ્રમાં સત્તા તેની હશે તે નક્કી છે.

Related Posts