Dakshin Gujarat Main

લોકસભાની ચૂંટણી પહેલાં ભરૂચમાં કોંગ્રેસે અચાનક પ્રમુખ બદલી નાંખતા નવાજૂનીના એંધાણ

ભરૂચ(Bharuch): લોકસભાની ચુંટણીને (LoksabhaElection) ગણતરીનો સમય બાકી હોય ત્યારે અચાનક ભરૂચ જિલ્લા કોંગ્રેસ (Congress) પાર્ટીના પ્રમુખની વરણી થતા જ વિવાદ (Controversy) વકરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીવાર રાજેન્દ્રસિંહ રાણાની (RajendraSinhRana) નિમણુંકને લઈને જિલ્લાના પીઢ હોદ્દેદારોથી માંડીને યુવા કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

વ્યુહાત્મક નીતિના અભાવને લીધે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી માટે એક સાંધે ત્યારે તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. લગભગ 6 વર્ષ નિષ્ક્રિય રહ્યા બાદ પૂર્વ જિલ્લા પ્રમુખને પુન: એકવાર પ્રમુખની જવાબદારી સોંપાતા વિવાદ વકર્યો છે. નવા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાના નામની જાહેરાત થઈ છે. રાણાએ ચાર્જ સંભાળી લીધો છે. જો કે પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ હજુ ચાર્જ છોડ્યો નથી. તેથી નવા પ્રમુખે ચાર્જ લેતા અનેક સવાલો ખડા થયા છે. પક્ષમાં ડખા ઉભા થયાની ચર્ચા છે.

ઉલ્લેખનીય એ છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાને અંધારામાં રાખીને નવા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાના નામની જાહેરાત કરી દેવાઈ છે. તેથી પરિમલસિંહ રાણા નારાજ છે. બીજી તરફ લગભગ 15 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકે એક જ જાતિને હોદ્દો આપવામાં આવી રહ્યો હોય કાર્યકરોમાં અંદરખાને નારાજગી છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે.

કોઈ નારાજ નથી: રાજેન્દ્રસિંહ રાણા
નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ચાર્જ લેતાની સાથે જણાવ્યું હતું કે પક્ષે બીજીવાર પ્રમુખ બનાવવાનો મોકો આપ્યો છે. લોકસભાની ચુંટણી માટે કોંગ્રેસ તૈયાર છે. પાર્ટીમાં હોદેદારોની નારાજગી બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈ નારાજ નથી. સિનીયર નેતાઓ અને યુવા કાર્યકરો બધા સાથે મળીને કોંગ્રેસને તાકાતવર બનાવવાના પ્રયાસ કરીશું.

નવા પ્રમુખે ઉતાવળે ચાર્જ લઈ લીધો: પરિમલસિંહ રાણા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષ પ્રમુખ રહેલા પરિમલસિંહ રાણાએ આ બાબતે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ તરીકે પાંચ વર્ષ કરતા વધુ સમયથી હું જવાબદારી નિભાવી રહ્યો છું. હાલ લોકસભાની ચુંટણીમાં મોટા ઉપાડે પૂર્વ પ્રમુખને નવા પ્રમુખ જાહેર કરી દેવાયા છે. હું ચાર્જ છોડ્યા બાદ જ નવા પ્રમુખ ચાર્જ લઇ શકે પરંતુ પદભાર મેળવવાનો સૌ કોઈને આનંદ હોય છે.જો કે ઉતાવળે ચાર્જ લઇ લીધો હોય એવું મારૂ માનવું છે.

Most Popular

To Top