લોકડાઉનની આડઅસર: વિશ્વભરમાં કોન્ડોમની તંગી સર્જાવાના એંધાણ!

કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ના રોગચાળાની કટોકટી દુનિયાભરમાં અનેક સ્થળે લોકડાઉનની સ્થિતિ સર્જી છે અને પરિણામે ઉત્પાદન ખોરવાવાને કારણે હવે વિશ્વભરમાં કોન્ડોમની ભારે તંગી સર્જાય તેવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યું છે.

કોન્ડોમના અનેક અગ્રણી ઉત્પાદકોને તેમનું ઉત્પાદન બંધ કરવાની અથવા તો તેમાં મોટો કાપ મૂકવાની ફરજ પડી છે પરિણામે આ ગર્ભધારણ નિવારક સાધનની ભારે તંગી આગામી દિવસોમાં સર્જાઇ શકે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. મલેશિયાની કારેક્ષ બીએચડી કંપની વિશ્વની અગ્રણી કોન્ડોમ ઉત્પાદક છે. આ કંપની વિશ્વના દર પાંચમાંથી એક એટલે કે વિશ્વના વીસ ટકા જેટલા કોન્ડોમ્સનું ઉત્પાદન કરે છે, આ કંપનીની ત્રણ ફેકટરીઓ છે અને હાલના લોકડાઉનના કારણે તેણે છેલ્લા દસ દિવસમાં એક પણ કોન્ડોમનું ઉત્પાદન કર્યું નથી. વિશ્વના સૌથી મોટી કોન્ડોમ ઉત્પાદક કંપની ડ્યુરેક્સના જણાવ્યા પ્રમાણે કોરોનાવાયરસના લોકડાઉને તેને ઉત્પાદન બંધ કરવાની ફરજ પાડી છે અને આના કારણે કોન્ડોમ્સની વૈશ્વિક તંગી ઝળુંબી રહી છે. ડ્યુરેક્સ સહિતની અગ્રણી બ્રાન્ડો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવામાં આવતા કોન્ડોમ્સના જથ્થામાં ૧૦ કરોડ જેટલા કોન્ડોમ્સની ઘટ તો હાલમાં જ સર્જાઇ ચુકી છે અને આગામી દિવસોમાં આ ઘટ વધુ વધી શકે છે. વળી આવી કેટલીક કંપનીઓ સરકારી હેલ્થકેર સિસ્ટમો જેવી કે બ્રિટનની એનએચએસને તથા યુએનના પોપ્યુલેશન ફંડ દ્વારા વહેંચવા માટેના કોન્ડોમ્સનો પુરવઠો પણ પુરો પાડે છે અને આ તંગીના કારણે આવા કાર્યક્રમો દ્વારા કોન્ડોમ વહેંચણીના કાર્યક્રમોને પણ અસર થઇ શકે છે.

Related Posts