uncategorized

આવ, તને વાત કહું ખાનગી : હસબન્ડ સાથે પણ હું ગોસિપ કરી જ લઉં છું

Gossip કે પંચાત સ્ત્રીઓનો જન્મજાત અધિકાર છે એવું તેઓ માને છે. ખરું ને? એવી કહેવત તો બધાંએ સાંભળી જ હશે કે ‘બિલાડીના પેટમાં ખીર ટકશે તો સ્ત્રીના પેટમાં વાત ટકશે.’ એટલે જેમ બિલાડી ખીર ઓકી કાઢે તેમ સ્ત્રીના પેટમાં પણ કોઇ વાત ટકતી નથી. તેણે પતિ, બહેનપણી, મમ્મી કોઇ ને ને કોઇને તો વાત કહેવી જ પડે અને તે ઘણાં બધાં સાથે પંચાત કરી શકે છે. પરંતુ આની જ સાથે જયારે કોઇ અંગત વાત કે મનનું દુ:ખ કે કોઇ ખુશી જાહેર કરવી હોય તો એવે વખતે તે કોઇ પોતાના અંગત મિત્ર, માતા કે કોઇક વાર પતિ સાથે વાત કરીને પોતાનું મન હળવું કરી લેતી હોય છે. આવી વાત સ્ત્રીઓ દરેક સાથે શેર નથી કરતી. તો ચાલો મળીએ આપણે એવી સન્નારીઓને જેઓ પાસેથી આપણને જાણવા મળશે કે તેઓ બન્ને પરિસ્થિતિમાં કોની સાથે વાતો કરવાનું કે પોતાના ભાવો શેર કરવાનું પસંદ કરશે?

હસબન્ડ સાથે પણ હું ગોસિપ કરી જ લઉં છું : માનસી મેવાવાળા
37 વર્ષનાં માનસીબેન શારદાયતન સ્કૂલમાં શિક્ષિકા છે. તેઓ કહે છે, ‘‘Gossip તો ઘણાં લોકો સાથે કરી શકાય. મારા ઘણા ફિમેલ તથા મેલ ફ્રેન્ડસ છે જે લોકો સાથે હું ગોસિપ કરી શકું છું પણ હું સૌથી પહેલાં મારી ફ્રેન્ડ પલ્લવીને ઘણી વાર કહું છું. મનની વાત કહેવી હોય તો હું મારા હસબન્ડ વિશાલ સાથે પણ શેર કરું છું અને મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ. જો કે હસબન્ડ સાથે પણ હું ગોસિપ કરી જ લેતી હોઉં છું.’’

મારી અંગત વાતો હું મારી મમ્મી સાથે કરું છું : હેલી સુખડિયા
નવસારીનિવાસી હેલીબેન એમ.કોમ થયાં છે. તેઓ જણાવે છે કે, ‘‘ગોસિપ કરવાની વાત આવે તો હું મારી બેસ્ટ ફ્રેન્ડ દૃષ્ટિ સાથે કરું છું અને એની સાથે મને ખૂબ મજા આવે છે. મારી અંગત વાતો હું મારી મમ્મી ભાવનાબેન સાથે કરું છું કારણ કે મારી સૌથી વધારે નજીક્ની વ્યક્તિ છે. મારાં સુખ-દુ:ખ હું એમની સાથે શેર કરું છું.’’

ગોસિપિંગ કરવાની હોય તો એ આધાર રાખે છે કે મારા કયા સર્કલ સાથે જોડાયેલી છે : નીમા નાયક
41 વર્ષીય નીમાબેન સુરતમાં રહે છે. તેઓ કહે છે કે, ‘‘ગોસિપિંગ કરવાની હોય તો એ આધાર રાખે છે કે મારા કયા સર્કલ સાથે જોડાયેલી છે. સોસાયટી વિષે ગોસિપ કરવાની હોય તો હું મારી પાડોશી બેસ્ટ ફ્રેન્ડ સાથે કરીશ. અંગત વાત કરવાની હોય તો હું સૌથી પહેલાં મમ્મી લતાબેન અને મારા હસબન્ડ મિનેશભાઈ પર સૌથી વધારે વિશ્વાસ કરું છું. મારી બેસ્ટ ફ્રેન્ડ ધારા સાથે પણ હું મારી પર્સનલ વાતો શેર કરી શકું છું.’’

એવો કોઇ મોકો આવતો નથી કારણ કે હું મારી લાઈફમાં મસ્ત છું : ડિમ્પલ શાહ
વાપીનિવાસી ડિમ્પલબેન કહે છે, ‘‘આમ તો એવો કોઇ મોકો આવતો નથી કારણ કે હું મારી લાઈફમાં મસ્ત છું અને રુટિન પણ બિઝી જ હોય છે પરંતુ હું મારાં સાસુ નૈનાબેન સાથે ગોસિપ કરી શકું છું, પછી એ ઘરની હોય કે બહારની. મારા હસબન્ડ હેમિલભાઈ સાથે પણ મને ગોસિપ કરવાની ખૂબ મજા પડે છે. મારી બે બહેનપણીઓ નેહા અને સ્વાતિ સાથે હું મારી અંગત વાતો શેર કરી હળવી થઇ જાઉં છું. મારા હસબન્ડ સાથે પણ મારાં સુખદુ:ખ શેર કરી શકું છું.’’

અંગત વાત કોઇ એકદમ નજીકના વિશ્વાસુ મિત્ર જોડે જ કરું છું : ભાવના પરમાર
36 વર્ષનાં ભાવનાબેન વાંસદાની એક હોસ્પિટલમાં ફેમિલી પ્લાનિંગ કાઉન્સેલર છે. ગોસિપીંગ વિષે પૂછતાં તેઓ જણાવે છે કે, ‘‘મારે ગોસિપ કરવી હોય તો મારી એક ખાસ મિત્ર અમિષા મિસ્ત્રી સાથે કરવાનું પસંદ કરું છું. એકબીજાને અમે ખૂબ સારી રીતે સમજીએ છીએ અને હું એના પર ખૂબ વિશ્વાસ કરું છું. અંગત તથા સુખ-દુ:ખની વાત હોય તો હું અમિષા ઉપરાંત મારાં મમ્મી સાથે કરતી પરંતુ હવે તેઓ હયાત નથી તેથી મારા હસબન્ડ હિતેશ અથવા કોઇ એકદમ નજીકના વિશ્વાસુ મિત્ર જોડે જ કરું છું.’’

મારી બન્ને બહેનો મારા કરતાં ઉંમરમાં મોટી હોવા છતાં હું એ લોકો સાથે વધુ શેર કરી શકું છું : રૂપા શાહ
41 વર્ષીય રૂપાબેન હાઉસવાઇફ છે. તેઓ જણાવે છે કે, ‘‘મને મારી બહેન મીનુ સાથે ગોસિપીંગ કરવું ગમે છે. કોઇના વિષે વાત કરવી હોય તો હું એને કહું છું. જયારે કોઇ મિત્ર સાથે ગોસિપ કરવાની હોય તો મારી મિત્ર એકતાબેન સાથે કરું છું. અંગત વાતો તથા સલાહ લેવા માટે હું મારી મુંબઇનિવાસી બહેન સંધ્યા સાથે વાત કરવાનું પસંદ કરું છું. મારી બન્ને બહેનો મારા કરતાં ઉંમરમાં મોટી હોવા છતાં હું એ લોકો સાથે વધુ શેર કરી શકું છું.’’

મારો દીકરો રીધાન પણ નવ વર્ષનો છે તો કોઈ વાર એની જોડે પણ વાતો કરી લઉં છું : દર્શના ચનાસના
31 વર્ષીય દર્શનાબેન ઇન્ટીરિયર ડિઝાઈનર છે. તેઓ કહે છે કે, ‘‘હું મારા હસબન્ડ ધર્મેશ તથા મારી બેસ્ટ ફ્રેન્ડ છે કાજલ દેસાઈ જે હવે યુ.એસ. રહે છે એ બન્ને સાથે ગોસિપ કરી શકું. મારું અને મારા હસબન્ડ વચ્ચે એક ઓફિસમાં કામ કરતા હોવાને લીધે બોન્ડિંગ અને અંડરસ્ટેંડિગ ખૂબ સારું છે. હું મારા હસબન્ડ સાથે મારી દરેક અંગત વાત શેર કરું છું. આમ તો હવે મારો દીકરો રીધાન પણ નવ વર્ષનો થયો તો કોઈ વાર એની જોડે પણ વાતો કરી લઉં છું. આમ તો મારી મમ્મી મારી ખૂબ નજીક છે પરંતુ હવે તેની ઉંમર થઇ હોવાથી એને સ્ટ્રેસ ન આપવાના આશયથી અમુક ટોપિક પર એની સાથે વાત કરવાનું અવોઇડ કરું છું.’’

આપણે જોયું કે સ્ત્રીઓ ગોસિપ તથા અંગત વાતો માટે કોઇ વાર અલગ અલગ અથવા કોઇ વાર એક વ્યક્તિ સાથે વાત કરવાનું પસંદ કરે છે પણ અહીં એ ધ્યાન રાખવું કે ઘણી વાર કોઈની સાથે પણ વાત કરતાં પહેલા સાવધાની રાખવી કે સામેવાળી વ્યક્તિ વિશ્વાસુ હોવી જોઈએ અને એ પણ ધ્યાન રાખવું જોઇએ કે તે વ્યક્તિ તમારી વાતોનું ખોટું અર્થઘટન રજૂ કરીને જે વ્યક્તિ વિષે ગોસિપ છે તેની સાથે જ તમારી ગેરસમજ ન ઊભી કરી દે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top