ચીની સૈનિકો દિવસે શાંતિની વાતો કરે છે અને રાતે ઘુસણખોરીના પ્રયાસો કરે છે

ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના કમાન્ડરોએ ૨૮ ઓગસ્ટના સવારે ચુશુલ ક્ષેત્રમાં સ્થાનિક હોટલાઈન ઉપર ભારતના કમાન્ડરોનો સંપર્ક સાધ્યો અને લાઇન ઓફ કન્ટ્રોલ પર સંયમ રાખવાની વાતો કરી. ચીનના કમાન્ડરે કહ્યું કે તેઓ શાંતિ ચાહતા હોવાથી ભારતના સૈન્યે નાઇટ પેટ્રોલિંગ કરવાની જરૂર નથી. આ સાંભળતાં જ ભારતીય કમાન્ડરો સચેત થઈ ગયા. રાતે કોઈ પણ ઘટના બને તેના માટે તેમણે પૂરતી તૈયારી કરી રાખી હતી.

૨૮ ઓગસ્ટની રાતે ભારતના ચોકિયાતોએ મોલ્ડો ક્ષેત્રમાં ચીનના કેટલાક શસ્ત્રધારી સૈનિકોની હિલચાલ જોઈ. ત્યાર બાદ ડ્રોન કેમેરાથી જોતાં ખ્યાલ આવ્યો કે ચીનના આશરે હજાર સૈનિકો પરંપરાગત શસ્ત્રો અને રાઇફલો લઈને લાઇન ઓફ કન્ટ્રોલ તરફ આગળ વધી રહ્યા છે. ચીનના સૈનિકોના હાથમાં ભાલા જેવાં હથિયારો હતાં.

ગલવાન ખીણમાં પણ ભારતના ૨૦ જવાનોની હત્યા કરવા માટે તેમણે આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતના સૈનિકોને આ હુમલાની જાણ થતાં ભારતના પહાડોમાં લડવાને ટેવાયેલા સૈનિકો આગેકૂચ કરી ગયા હતા અને તેમણે પેંગોંગ ત્સો લેકની દક્ષિણ બાજુએ આશરે ૫૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા પહાડો પર કબજો કરી લીધો હતો. ભારતના સૈનિકોને આગળ વધતા રોકવા ચીનના સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો હતો પણ તેમને સફળતા મળી નહોતી.

ભારતના લશ્કરે કરેલા પરાક્રમને કારણે ભારત હવે પેંગોંગ ત્સો લેકની દક્ષિણે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. તેણે ઉત્તર દિશામાં પણ પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ભારતે રેક્વિન ઘાટ અને સ્પેનગર ગેપ તરીકે ઓળખાતા વિસ્તારો પર પોતાનો કબજો મજબૂત બનાવી દીધો છે. આ વિસ્તારો લાઇન ઓફ કન્ટ્રોલની નજીક આવેલા છે, પણ ચીને તેના પર દાવો કર્યો હતો. ચીને હવે આ વિસ્તારો પાછા મેળવવા સરહદ પર સૈનિકોની અને દારૂગોળાની જમાવટ શરૂ કરી છે. જો કમાન્ડર કક્ષાની અને રાજનૈતિક સ્તરની વાટાઘાટો નિષ્ફળ જાય તો યુદ્ધની સંભાવના વધી ગઈ છે. 

છેલ્લા કેટલાક મહિનાઓની ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પૂર્વ લડાખ સરહદે ભારત અને ચીન વચ્ચે લાંબા સંઘર્ષનાં મંડાણ થઈ ગયાં છે. હકીકતમાં ચીનની ઘુસણખોરીને કારણે યુદ્ધની પરિસ્થિતિ ટાળવા માટે ચાલતી મંત્રણાની ગાડી પાટા પર ઊતરી ગઈ છે. કમાન્ડરોના સ્તરે બે મહિના દરમિયાન જે વાટાઘાટો ચાલી તેમાં ચીન દ્વારા શબ્દોના જ સાથિયા પૂરવામાં આવતા હતા; પણ જમીનના સ્તર પર તેમની વર્તણૂકમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. ભારત માટે લડાખ સરહદે મે મહિના પહેલાંની સ્થિતિ પર પાછા ફરવું લશ્કરી નહીં, પણ રાજકીય રીતે પણ મહત્ત્વનું બની ગયું છે. પેંગોંગ ત્સે લેકની ઉત્તરે ભારતે જે પ્રદેશ ગુમાવ્યો છે તે જો તે પાછો નહીં મેળવી શકે તો નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતામાં ભારે ઓટ આવી શકે છે. જો ચીન મંત્રણાઓના માધ્યમથી પોતાનાં દળો એપ્રિલની સ્થિતિએ લઈ જવા તૈયાર નહીં થાય તો ભારતે મોટું લશ્કરી પગલું જ ભરવું પડશે.

મળતા હેવાલો મુજબ ચીને પૂર્વ લડાખ સરહદે લશ્કરની જમાવટ ચાલુ કરી દીધી છે. આજની તારીખમાં ચીનના આશરે ૪૦ હજાર સૈનિકો મોરચા ઉપર અને તેની પાછળ મોજૂદ છે. છેલ્લા ત્રણ મહિનામાં તેમણે પચાવી પાડેલી જમીન પર કાચાં મકાનો અને તંબુઓ પણ ઊભાં કરી દીધાં છે. ભારતે તે બાબતમાં ફરિયાદ પણ કરી છે. આ વિસ્તારમાં શિયાળો એટલો કાતિલ હોય છે કે કોઈ પણ સૈનિક ત્યાં રહી શકતો નથી. જો ભારતના અને ચીનના સૈન્યે શિયાળામાં પણ પોતાની ચોકીઓ ટકાવી રાખવી હશે તો તે પડકારરૂપ બની રહેશે.

ચીનનું લશ્કર સંખ્યા વધારી શકે છે, પણ તેને કારણે કેટલાક પ્રશ્નો પેદા થાય તેમ છે. ભારતે ઊંચાઇ પર આવેલા પહાડો પર પોતાનો કબજો જમાવી દીધો હોવાથી ભારત માટે કબજો ટકાવી રાખવો સહેલો છે. ભારત અને ચીન વચ્ચે મંત્રણા દરમિયાન જો કોઈ સોદાબાજી થાય તો ભારત પાસે સોદાબાજી કરવા માટેનું હથિયાર આવી ગયું છે. ચીનનું જે લશ્કર ભારત સાથેની સરહદની જવાબદારી સંભાળી રહ્યું છે તે વેસ્ટર્ન થિયેટર કમાન્ડ તરીકે ઓળખાય છે. તેની સંખ્યા આશરે ૨.૩૦ લાખ જેટલી છે.

તેમાં શીનજિયાંગ મિલિટરી ડિસ્ટ્રિક્ટના ૭૦,૦૦૦ સૈનિકોનો અને તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના ૫૦,૦૦૦ સૈનિકોનો સમાવેશ થાય છે. શીનજિયાંગ અને તિબેટ વિસ્તારનાં લોકો ચીનના આધિપત્યના વિરોધમાં હોવાથી તેમને અંકુશમાં રાખવા માટે ત્યાં પણ લશ્કરની કાયમી હાજરી જરૂરી બની જાય છે. વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પર માત્ર ભારતની સરહદનું નહીં પણ મધ્ય એશિયાના દેશો સાથેની ચીની સરહદનું પણ ધ્યાન રાખે છે. આ કારણે ચીન બધા ૨.૩૦ લાખ સૈનિકોને ભારતની સરહદ પર ગોઠવી શકે તેમ નથી.

જો ભારત સામેનો મોરચો લાંબા સમય સુધી ચાલવાનો હોય તો ચીને તેના દક્ષિણ અને પૂર્વ થિયેટર કમાન્ડના સૈન્યને પણ ભારતની સરહદ પર ગોઠવવું પડે તેમ છે. શી જિનપિંગ સત્તામાં આવ્યા તે પછી તેમણે દક્ષિણ અને પૂર્વ કમાન્ડની કવાયત તિબેટના ઉચ્ચ પ્રદેશ પર શરૂ કરાવી હોવાથી તેમાં વાંધો આવે તેમ નથી.

જો ચીન તેના દક્ષિણ થિયેટર કમાન્ડને કે તેના કેટલાક ભાગને ભારત તરફ ગોઠવે તો દક્ષિણમાં તેની સ્થિતિ નાજુક બની જાય તેમ છે. દક્ષિણ ચીની સમુદ્રના રક્ષણની જવાબદારી આ કમાન્ડ સંભાળી રહ્યું છે. ચીનને જો અમેરિકા તરફથી કોઈ ખતરો હોય તો દક્ષિણ ચીન સમુદ્રનો વિસ્તાર છે. અમેરિકી દળો તેની આજુબાજુ ગોઠવાયેલાં છે. જો દક્ષિણ અને પૂર્વ કમાન્ડના સૈનિકોને ઉત્તર દિશામાં ગોઠવવા હોય તો તેમને પહાડોની કાતિલ ઠંડીમાં પોતાના શરીરને સાનુકૂળ બનાવવામાં જ ૧૦ થી ૧૫ દિવસ લાગી જશે. આ સૈનિકો પીળી નદી અને યાંગત્સે નદીના મેદાનમાં કામ કરવાને ટેવાયેલા છે. તેમને પહાડી પ્રદેશમાં યુદ્ધ કરવાની તાલીમ આપવી પડશે.

ચીનના લશ્કરમાં રોટેશન જેવી કોઈ પદ્ધતિ નથી. જો કોઈ સૈનિક પૂર્વ થિયેટર કમાન્ડમાં પોતાની કારકીર્દિ શરૂ કરે તો તેણે આખી જિંદગી તે વિસ્તારમાં જ કામ કરવાનું હોય છે. તેથી વિરુદ્ધ ભારતના સૈનિકો કોઈ પણ પ્રદેશમાં કામ કરવાને તૈયાર હોય છે. ભારતની સરહદ પણ કચ્છના રણથી માંડીને હિમાલયના પહાડો સુધી ફેલાયેલી છે. પરંતુ ભારતનો સંઘર્ષ મુખ્યત્વે પહાડોના વિસ્તારમાં જ ચાલતો હોવાથી ભારતના લશ્કરને ઠંડા પ્રદેશોમાં લડવાની ફાવટ વધુ છે. ભારત સાથે ડોકલામમાં સંઘર્ષ થયા પછી ચીને વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં શસ્ત્રોનો જથ્થો પણ વધારી દીધો છે. તેણે પોતાના ભંડારમાં ટી-૧૫ ટેન્કો, ૧૮૧ હોવિત્ઝર, જીજે-૨ ડ્રોન વગેરે ગોઠવી દીધા છે. તેમાંનાં કેટલાંક શસ્ત્રો તો તિબેટના ઉચ્ચ પ્રદેશમાં ભારત સામે લડવા માટે ઉત્પાદિત કરવામાં આવ્યાં હતાં.

તદુપરાંત તેમણે ભારત સરહદે ૧૬૦ જેટલાં ફાઈટર વિમાનો પણ તૈનાત કર્યાં છે. જો કે તેમણે સુખોઇ વિમાન ગોઠવ્યાં હોવાના કોઈ પુરાવા નથી. ચીને જેમ ભારત સાથે લાંબા સંઘર્ષની તૈયારી કરી છે તેમ ભારતે પણ ચીનની સરહદ પર જમાવટ વધારી દીધી છે. મે મહિનામાં ગલવાન ખીણની ઘટના બની તે પછી ભારતે સરહદના રસ્તાઓનો ઉપયોગ કરીને બહુ ઝડપથી લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર સૈનિકો અને શસ્ત્રો જમા કર્યાં હતાં.  મંત્રણામાં પોતાનો હાથ ઉપર રહે તે માટે પણ સરહદ પર સૈન્યની જમાવટ કરવી જરૂરી હોય છે. ભારતના કે ચીનના કોઈના હિતમાં યુદ્ધ નથી; પણ જો ચીન સખણું નહીં રહે તો ભારત સમક્ષ યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts