નવી દિલ્હી: બેડમિન્ટનની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચીનના બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની નાની વયે અવસાન થયું છે. આ ખેલાડીના મોત બાદ ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
- ચીનનો યુવાન ખેલાડી ઝાંગ ઝિજી રમતાં રમતાં કોર્ટ પર જ ઢળી પડ્યો
- જકાર્તામાં એક ટુર્નામેન્ટ દરમિયાન બની ઘટના
- ભારતીય ખેલાડી પીવી સિંધુએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર ચીનના 17 વર્ષીય બેડમિન્ટન ખેલાડી ઝાંગ ઝીજીનું રમતાં રમતાં બેડમિન્ટન કોર્ટ પર પડી ગયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. ઝાંગ ઝીજીએ કિન્ડરગાર્ટનમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે ચીનની રાષ્ટ્રીય યુવા ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઈન્ડોનેશિયા (જકાર્તા)માં એક ટુર્નામેન્ટ દરમિયાન ચીની બેડમિન્ટન ખેલાડી પહેલા કોર્ટ પર બેહોશ થઈ ગયો અને પછી કાર્ડિયાક અરેસ્ટથી તેનું મૃત્યુ થયું હતું. યોગકાર્તામાં એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં રવિવારે મોડી રાત્રે જાપાનના કાઝુમા કાવાનો સામેની મેચ દરમિયાન ઝાંગ ઝીજી અચાનક બીમાર પડી ગયો હતો.
આ પછી યુવા ખેલાડીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ત્યાર પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવવાના વારંવારના પ્રયાસો નિષ્ફળ જતાં તે જ રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
આ ખેલાડીના નિધન બાદ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ ઉદાસ થઈ ગઈ છે. સિંધુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. સિંધુએ લખ્યું હતું આ દુઃખદ સમયે હું ઝાંગના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આજે દુનિયાએ એક અસાધારણ પ્રતિભા ગુમાવી છે