બૈજિંગ : ચીનમાં (China) લગ્નોની (Marriage) સંખ્યા ૩૬ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે જેમાં પરિણીત યુગલોની નોંધણીઓ ૨૦૨૧માં ૮૦ લાખની નીચે પહોંચી છે. આ સંખ્યા ૧૯૮૬ પછી સૌથી ઓછી છે એમ છેલ્લામાં છેલ્લા સત્તાવાર આંકડાઓ જણાવે છે, જેણે ચીનના ઘટતા જન્મદર અને ઘટતી વસ્તી અંગેની ચિંતાઓમાં વધુ ઉમેરો કર્યો હતો, જ્યાં વસ્તી વધારાનો દર ૨૦૨૫ સુધીમાં નકારાત્મક વિકાસ પર પહોંચી શકે છે.
વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશ એવા ચીનમાં ૨૦૨૧માં ફક્ત ૭.૬૪ લાખ યુગલોએ લગ્ન માટે નોંધણી કરાવી હતી જે દર ૧૯૮૬ પછી સૌથી નીચો છે એ મુજબ ચીનના નાગરિક બાબતોના આંકડાકીય બુલેટિનના ૨૦૨૧ના આંકડાઓ જણાવે છે. ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૧માં લગ્નની નોંધણી કરાવનાર યુગલોની સંખ્યામાં છ ટકાનો ઘટાડો થયો છે. આંકડાઓ સૂચવે છે કે ચીનમાં લગ્નોની સંખ્યા સતત આઠમા વર્ષે ઘટી છે. ગયા વર્ષે લગ્ન કરનાર યુગલોમાં ૨૫થી ૨૯ વર્ષની વયના લોકોની સંખ્યા ૩પ.૩ ટકા હતી, જે જો કે ૨૦૨૦ની સંખ્યા કરતા ૦.૪ ટકા વધુ હતી જે તમામ વયજૂથ કરતા સૌથી વધુ હિસ્સો લગ્નની નોંધણીમાં ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીને વસ્તીને અંકુશમાં રાખવા દાયકાઓ સુધી એક જ બાળકની કડક નીતિ રાખી હતી, જેના પછી વસ્તી ઘટતી દેખાતા ૨૦૧૬માં દંપતિઓને બે બાળકો જન્માવવાની છૂટ અપાઇ હતી પરંતુ તે પણ અપુરતું જણાતા ગયા વર્ષે ત્રીજા બાળક માટે પણ છૂટ આપવામાં આવી હતી. જો કે છૂટ હોવા છતાં ચીનમાં હવે ઘણા દંપતિઓ બાળક જન્માવવાનું ટાળે છે અને ઘણા તો હવે લગ્ન કરવાનું જ ટાળે છે.