ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાંથી રૂ. ૨૬.૭૩ લાખનો વિદેશી દારૂ અને ત્રણ વાહનો સાથે છ ઝડપાયા

(પ્રતિનિધિ) આણંદ, તા. ૨૭ ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં વાત્રક નદીના પટમાં વિદેશી દારુનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસે છાપો મારી ડાંગરના ફોતરાની આડમાં કન્ટેનરમાંથી ૨૬,૭૩,૬૦૦ રુપિયાનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મોટરસાયકલ, એક કન્ટેનર, એક છોટા હાથી ટેમ્પો મળી કુલ ૪૧,૯૬,૧૦૦ રુપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા.

  આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો અનુસાર ખેડા ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે ખેડા ધોળકા રોડ ઉપર ચાંદણા ગામની સીમમાં વાત્રક નદીના પટમાં છાપો મારીને વિદેશી દારુનું કન્ટેનરમાંથી નાના વાહનોમાં કટીંગ કરતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા કન્ટેનરમાં ડાંગરના ફોતરા ભરેલી બોરીઓની આડમાં વિદેશી દારુની પેટીઓ ભરેલી મળી આવી હતી.

  જેથી પોલીસે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારુની પેટીઓ નંગ ૪૭૮ જેમાં ૫૭૩૬ બોટલો કિં.રુ. ૨૬૭૩૬૦૦ ની મળી આવી હતી. પોલીસે વિદેશી દારુનો જથ્થો, કન્ટેનર, છોટાહાથી ટેમ્પો અને ત્રણ મોટરસાયકલો સાથે ૪૧,૯૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મહેશભાઈ જાગૃતભાઈ રાવલ રહે. ખોડીયારવાસ સેતરા તા. ખેડા, ચેતનભાઈ રાવજીભાઈ બારૈયા રહે. વિજય સોસાયટી વાસણા બુઝર્ગ તા. ખેડા, સાકીરમહમંદ ઉર્ફે મોઈન પીરમહમંદ શેખ રહે. ટેકરા ઉપર ચાંદણા, ભાવેશભાઈ અશોકભાઈ પરમાર રહે. ઠાકોરવાસ વાસણા બુઝર્ગ તા. ખેડા, આશીષભાઈ રમેશભાઈ બારૈયા રહે. વાસણા બુઝર્ગ વાડી વિસ્તાર તા. ખેડા, સીરાજખાન મુખ્ત્યારખાન પઠાણ રહે. ચાંદણા સહિત છ જણાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે મોહનલાલ નથુલાલ મીણા રહે. કપુરીવાસ કુડાસણ તા. ગાંધીનગર અને કન્ટેઈનર અને છોટાહાથી ટેમ્પોનો ડ્રાઈવર સહિત ત્રણ જણા ભાગી છુટ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની પુછપરછ કરતા આ વિદેશી દારુનો જથ્થો કુડાસણ ગામના મોહનલાલ નથુલાલ મીણાનો હોવાનું જણાવ્યું હતું.

  આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ મથકના સીનીયર પીએસઆઈ બી. એમ. માળીની ઉપસ્થિતિમાં ખેડા ટાઉન પોલીસે પકડાયેલા છ શખ્સો અને ભાગી ગયેલા ત્રણ શખ્સો સહિત ૯ જણા વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Posts