મનોરંજનની મોટી ‘છલાંગ’ જબરજસ્ત,જાણો ફિલ્મના પ્લસ અને માઈનસ પોઇન્ટ,ફિલ્મ જોવી કે નહીં?

રેટિંગ 3/5 , ફિલ્મ કલાકાર : રાજકુમાર રાવ, મોહ્મમદ જિશાન, નુસરત ભરુચા, સતીશ કૌશિક, ઈલા અરુણ, સૌરભ શુકલા, જતીન સરના , ફિલ્મ દિગ્દર્શક : હંસલ મહેતા , જોનર : સ્પોર્ટ્સ કોમેડી , નિર્માતા : અજય દેવગણ, લવ રંજન

રાજકુમાર રાવ અને હંસલ મહેતાની જોડી કાયમ કમાલ જ કરતી હોય છે. જેમ ઋષિકેશ મુખરજી કે બાસુ ચેટરજી કે યશ ચોપરા કેમ્પમાં અમુક એક્ટર ફિક્સ જ હોય છે એમ હંસલ મહેતાની ફિલ્મમાં પણ રાજકુમાર રાવ જાણે પરમેનન્ટ ફિક્સ એક્ટર થઈ ગયો છે. ફિલ્મ ‘ શાહીદ ‘ હોય કે ‘ઓમરટા’ , ‘સીટી લાઈટ્સ’ હોય કે ‘અલીગઢ’ હંસલ મહેતાની પહેલી પસંદ રાજકુમાર રાવ જ રહ્યો છે. હંસલ મહેતા આમ તો ગંભીર સિનેમા જ બનાવતા આવ્યા છે પણ આ વખતે તેમણે મનોરંજક કોમેડી ફિલ્મ ‘છલાંગ’ બનાવી કાંઈક નવતર પ્રયોગ કર્યો છે.

અમોલ પાલેકર માટે એમ કહેવાય કે તેમણે પોતાની ફિલ્મમાં કયારેય પણ વિલન ઢીશુમ ઢીશુમ નહીં કર્યું હોય. વળી તેમની ધીરગંભીર પ્રકૃતિ પણ ખરી, અમોલ પાલેકરને જયારે બાસુ ચેટરજી કે ઋષિકેશ મુખરજી કાસ્ટ કરે તો શું થાય? અમોલ પાલેકરનો ગંભીર અવતાર કોમેડી કલેવરમાં આવતાં જ ધમાચકડી મચી જાય એમ ફિલ્મ ‘ન્યુટન’ માં તમે રાજકુમાર રાવનો ગંભીર અવતાર જોયો હતો ત્યાં જ ફિલ્મ ‘બરેલી કી બરફી’ અને ‘ સ્ત્રી’ માં કોમિક ફ્લેવર જોયું છે, રાજકુમાર રાવે સાબિત કર્યું છે કે અમોલ પાલેકરની જેમ તે ગંભીર અને કોમિક બંને પ્રકારની ભૂમિકાઓ ભજવી જાણે છે.

આ ફિલ્મના નિર્માતા અજય દેવગણ અને ગાઝિયાબાદના કોંગ્રેસી લીડરના સુપુત્ર લવ રંજન છે, અગાઉ લવ રંજન ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ જેવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે.આ દિવાળી જાણે રાજકુમાર રાવની છે કારણકે તેની બે ફિલ્મો એકસાથે રજૂ થઈ છે જેમાં પહેલી ફિલ્મ ‘લુડો’ અને બીજી ફિલ્મ ‘છલાંગ’ એકસાથે આજે રીલીઝ થઈ છે.રાજકુમાર રાવ અને મૂળ ભરૂચની ગુજરાતી ગર્લ નુસરત ભરુચાએ પહેલી વાર એકસાથે કામ કર્યું છે તો ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર.

ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર

હરિયાણાના બેકગ્રાઉન્ડ આધારિત આ ફિલ્મમાં મહિન્દર ઉર્ફે મોન્ટુ સર (રાજકુમાર રાવ) અને નીલિમા (નુસરત ભરુચા) અને સિંહ સર (મોહ્મમદ જીશાન) આસપાસ ફિલ્મનો પ્લોટ ફરે છે.મોન્ટુ હરિયાણાના એક કસ્બામાં સેકેન્ડરી સ્કૂલમાં પી.ટી. વિષયના અસ્થાયી ટીચર છે. નોકરી તેમના માટે આજીવિકાનું સાધન છે, મોન્ટુ પોતાના પિરિયડ ખુશી ખુશી બીજા શિક્ષકોને આપી દે છે કારણ કે ફીઝીકલ એજ્યુકેશનની ઔપચારિક શિક્ષા તેણે લીધી નથી. મોન્ટુ(રાજકુમાર રાવ)ના પિતા કમલેશ સિંહ હુડા (સતીશ કૌશિક) એડવોકેટ છે, તેમની જ ભલામણથી શાળાના આચાર્ય(ઈલા અરુણે) બેરોજગાર મોન્ટુને પી.ટી. શિક્ષકની નોકરીએ નિમણૂક કરે છે. મોન્ટુ જે શાળામાં નોકરી કરી રહ્યો છે તે જ શાળામાં તેણે ભૂતકાળમાં અભ્યાસ કર્યો હતો.મોન્ટુને તેના સ્કૂલના માસ્ટર(સૌરભ શુકલા) સાથે ખૂબ જ ફાવે છે , માસ્ટરજી સિવાય મોન્ટુનો મિત્ર ડીમ્પી(જતીન શરના) પણ છે જે હળવાઈ છે, વેલેન્ટાઈન ડે જેવા દિવસે સંસ્કૃતિની રક્ષા માટે મોન્ટુ કસ્બાના નાનકડા પાર્કમાં જઈને પ્રેમી પંખીડાઓને પકડવાનું કામ કરે છે , જેમાં માસ્ટરજી અને ડિમ્પી પણ સહયોગ કરે છે.

મોન્ટુના જીવનમાં ત્યારે પરિવર્તન આવે છે જયારે કોમ્પ્યુટર ટીચર નીલિમા (નુસરત ભરુચા)ની એન્ટ્રી તેના જીવનમાં થાય છે અને મોન્ટુના દિલમાં પતંગિયાં ઊડવા માંડે છે, પણ પહેલી જ મુલાકાતમાં પ્રેમી જોડા સાથે મારપીટ કરવાની બાબતે મોન્ટુની ઇમ્પ્રેશન ખરાબ થઈ જાય છે.મોન્ટુ મેડમ પાસે માફી માંગી દોસ્તી કરી લે છે , નીલિમા સાથે મોન્ટુની દોસ્તી મજબૂત થાય છે ત્યાં સિંહ સરની એન્ટ્રી થાય છે અને તેમણે વિખ્યાત સ્પોર્ટ્સ સ્કૂલમાં ફીઝીકલ એજ્યુકેશનનું શિક્ષણ લીધું છે. અહીંયા મોન્ટુને સિંહના સહાયક તરીકે કામ કરવાનું કહેવામાં આવે છે જેને કારણે મોન્ટુનો અહમ્ ઘવાય છે. નીલિમાના સમજાવવાથી તે સિંહ સાથે કામ કરવા તૈયાર થઈ જાય છે. એક એવી ઘટના બને છે ત્યાર બાદ મોન્ટુ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બાળકોની ટીમનું ગઠન કરી પ્રતિયોગિતા કરાવવા માટે પડકાર આપે છે અને મોન્ટુનો પડકાર સિંહ ઝીલી લે છે.

જે જીતે તે સ્કૂલનો પી.ટી. ટીચર બનશે,ત્યાં સિંહ શાળામાં સ્પોર્ટ્સ વાળા સ્ટુડન્ટની ટીમ બનાવી લે છે અને ત્યાં મોન્ટુ સામે કોઈ વિકલ્પ બચતો નથી તે એવાં બાળકોનું ચયન કરે છે જેમના માટે ઓલિમ્પિકથી વધુ મહત્ત્વનું ઓલિમ્પિયાડ છે.આંખો ઉપર મોટા લેન્સના ચશ્માં લગાડનારાં બાળકોને ખેલાડી બનાવવા માટે મોન્ટુ કવાયતમાં લાગી જાય છે. મોન્ટુ સામે સમસ્યા ઊભી છે કે આ બાળકોના વાલીઓ અનઆવશ્યક રૂપથી બાળકોને સ્પોર્ટ્સમાં ધકેલવા અંગે વિરુદ્ધ થઈ જાય છે, કારણ કે તેમનાથી બાળકોના રિપોર્ટકાળની શોભા ખરાબ થઈ રહી છે, મોન્ટુ પોતાના પિતા અને કમ્પ્યુટર ટીચરની મદદથી આ તમામ પડકારોને ઝીલી લે છે અને સફળ થાય છે અને તેની ટીમ પણ વિજયી બને છે.

ફિલ્મના પ્લસ પોઇન્ટ

હંસલ મહેતા આમ તો ગંભીર પ્રકારના સિનેમા માટે જાણીતા છે પણ આ ફિલ્મમાં તેમણે ભરપૂર મનોરંજન પીરસ્યું છે.ફિલ્મમાં સ્પોર્ટ્સ એજ્યુકેશનને લઈને વાલીઓની માનસિકતા પણ દેખાડવામાં આવી છે, જે કડવું સત્ય છે. ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક લવ રંજન, અસીમ અરોડા અને જિશાન કાદરીની સ્ટોરી – સ્ક્રીન પ્લેમાં આ વિષયને હલકા ફુલકા માધ્યમમાં પીરસવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવતી આ ફિલ્મમાં એક સોશ્યલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.

દરેક ભૂમિકા લખાય ત્યારે એની ખામીઓ અને ખૂબીઓના પણ લક્ષણ દેખાડવામાં આવે છે એમ અહીંયા પણ મોન્ટુની ભૂમિકાની ખામી અને ખૂબીઓ બંને દેખાડવામાં આવ્યાં છે. અહીંયા નુસરત ભરુચા, સતીશ કૌશિક , સૌરભ શુકલા અને જતીન સરના તમામે સારું કામ કર્યું છે.ફિલ્મમાં ઇશીત નારાયણે સિનેમેટ્રોગ્રાફી સુંદર રીતે કરી છે અને છલાંગ ગીત ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે.ફિલ્મ ‘શાહિદ’ હોય કે ‘છલાંગ ‘ લાંબા અંતરાળ બાદ હંસલ મહેતાએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ફિલ્મ દિગ્દર્શક તરીકે હંસલ મહેતા સતત પોતાને જ પડકાર આપતા રહ્યા છે અને અવનવા વિષય ઉપર ફિલ્મો બનાવતા રહ્યા છે. હાલમાં કોવિડ કાળમાં સેનિટાઈઝરની સૌથી મોટી ડિમાન્ડ છે ત્યારે સિરિયસ ફિલ્મ મેકર તરીકે હંસલ મહેતા અને સિરિયસ એક્ટર તરીકેની ઇમેજને સેનિટાઈઝ કરવામાં સફળ રહ્યા છે.

કોવિડ કાળમાં જ્યાં લોકો ઘરમાં પુરાઈને કંટાળી ગયા છે ત્યાં ફિલ્મ ‘છલાંગ’ ને જોઈને દર્શકો દિવાળીમાં ખૂબ જ મનોરંજક મિષ્ટાન્ન મળી રહ્યું છે.ફિલ્મ ‘છલાંગ’ રાજકુમારના કરિયરને આગળ લઈ જશે એ વાત નક્કી છે, સૌરભ શુકલા, સતીશ કૌશિક અને ઈલા અરુણ તો અભિનયના એક્કા છે જ.ત્રણેયનો અભિનય જોરદાર છે.ઈલા અરુણ સારાં ગાયિકા તો છે જ અને સાથે સાથે તેઓ સારાં અદાકારા છે તે બાબતની પણ તેમણે સાબિતી આપી છે.એમ તો હિન્દી ફિલ્મોમાં સ્પોર્ટ્સ બેઝડ ફિલ્મો ‘જો જીતા વહી સિકંદર’, ‘ચક દે ઇન્ડિયા’, ‘લગાન’, અને ‘પંગા’ અને ‘દંગલ’ જેવી ફિલ્મો પણ આવી છે, મોટા ભાગની ફિલ્મોમાં ક્રિકેટ કે હોકી કે કબડ્ડી જેવી રમતો જ સૌથી વધુ હાઇલાઇટ કરવામાં આવી હતી. અહીં એક રમત ઉપર ફોકસ કરવામાં નથી આવ્યું. અહીં સ્પોર્ટ્સ ફિલ્મના માધ્યમથી જીવનના સબકની વાત કરવામાં આવી છે.

ફિલ્મના માઈનસ પોઇન્ટ

ફિલ્મમાં સંગીત એટલું જોરદાર નથી, ગીત ‘છલાંગ’ જેટલું સુંદર અને સાંભળવું ગમે છે એટલાં બાકીનાં ગીતો સાંભળવા ગમતાં નથી. હિન્દી સિનેમા હોય ત્યાં સંગીત એક મહત્ત્વનું પાસું હોય છે. સંગીત સફળ થાય એટલે આપોઆપ દર્શકો ફિલ્મ સાથે કનેક્ટ થાય છે.

ફિલ્મ જોવી કે નહીં?
આ ફિલ્મ જરૂર જોવી જોઈએ કારણ કે ફેમિલી ઓડિયન્સ, શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ફિલ્મ અપીલ કરશે અને કોમેડીના ડોઝ સાથે દિવાળીમાં ફિલ્મ તમને ભરપૂર મનોરંજન આપશે.

Related Posts