ચાચરચોક નહીં, ઘરમાં જ નવરાત્રી ઉજવવામાં ડહાપણ છે

નવલી નવરાત્રી આવી રહી છે પણ આ કોરોનાની મહામારીના લીધે ખૂલ્લા આભ નીચે ગરબા નહિ કરી શકાશે. પાર્ટી પ્લોટો – સ્ટેડિયમો કે જાહેર સ્થળોએ ગરબા નહિં થાય. તેની તકેદારી સરકારશ્રી એ રાખી યોગ્ય પગલું ભર્યુ છે.

‘મા’ તો સર્વત્ર છે. કણકણમાં વસે છે. શું જાતજાતના પરંપરાગત વસ્ત્રો પહેરીને ઘૂમવાથી કે જોરદાર વેસ્ટર્ન સંગીતના તાલે કે દેશી સંગીત સાથે ઘૂમવાથી ‘મા’ પ્રસન્ન થાય એવું તો નથી જ. હા.. પણ નવયુવાન યુવતીઓને આ વખતે કોરોનાના પ્રતિબંધને લીધે થોડી હતાશા તો થશે. પરંતુ મિડિયામાંથી જાણવા પણ મળ્યું છે કે કેટલાક સમજદાર યુવાન-યુવતીઓ મતલબ ખેલૈયાઓએ જણાવ્યું કે સમુહમાં ન રમવાથી સૌનું ભલું છે. આ રોન જ એવો છે કે ક્યાંય પણ સ્પર્શ કે સંપર્કમાં આવવાથી જોખમ છે તો શા માટે એ જોખમ ઊભુ કરીયે ?!!

મા જગદંબેની આરાધના આપણે નવ દિવસ આપણા ઘરમાં જ રહીને પણ કરી શકીયે. ઘટસ્થાપન-જવારા-કાણાવાળો ઘટ અને તેમાં પ્રગટાવેલો દીપ આ બધા માતાના સ્વરૂપને ભક્તિ ભાવથી ઘરમાં જ પવિત્ર સ્થાને સ્થાપી પવિત્ર થઈ માતાનું પૂજન કરીએ. ધૂપ-દીપ-નૈવેદ-પુષ્પો-અગરચંદન-કંકુ-અક્ષત-વગેરેથી માતાનું પૂજન-દીપન-કરી ઘરમાં જ ભક્તિ કરીયે. સાથે સાથે ભલે ગરબા ન કરી શકાય પણ સ્તવનો-સ્ત્રોતો-ભજનો-સ્તુતિ-મંત્રો વગેરેની માની આરાધના કરી શકાય. મા તો દરેકના હ્ય્દયમાં વસે છે. હ્ય્દયની સ્તુતિ પ્રાર્થના સાંભળે છે. આરતી તો અમૂલખ સ્તુતિનું પગલું છે. સૌ સાથે બેસી અષ્ટમી પર નાની બાળાઓનું પૂજન-કરી ઘરમાં જ ‘મા’ નવદુર્ગાનું પુજન કરીયે. સમગ્ર સૃષ્ટિના પંકમાં મા તો વાસ છે. એવું થોડુંજ છે કે ગરબા દ્વારા જ ભક્તિ થાય ? !! હા…. ગરબા એ ગુજરાતનું ગૌરવ છે. ઓળખ છે. પરંપરાગત એ દ્વારા પણ માતાની ભક્તિ આપણે કરીએ છીએ. પરંતુ સૌના કલ્યાણ માટે આ વર્ષે ભીડથી દૂર રહી ઘરમાં જ આપ્તજનો સાથે માતાની શકિતની ભકિત કરીયે એમાંજ સૌનું શ્રેય છે.

સુરત     -જયા રાણા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts