Gujarat

સી.આર. પાટીલના આ નિવેદનથી બ્રાહ્મણો ભડક્યા, કહ્યું માફી માંગો નહીં તો..

ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) સામે રાજ્યનો બ્રાહ્મણ (Brahmin) સમાજ રોષે ભરાયો છે. શુક્રવારે મહેસાણાના એક જાહેર કાર્યક્રમમાં રાજકીય વિરોધીઓને ઘેરવાના પ્રયાસમાં સી.આર. પાટીલની જીભ લપસી હતી અને તેઓએ બ્રાહ્મણ સમાજની નિંદા કરતી એક વાંધાજનક કહેવત જાહેરમાં ઉચ્ચારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતા રાજ્યના બ્રાહ્મણ સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે. આજે રાજ્યના શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ટ્રસ્ટી અને કોંગ્રેસના કાર્યકર હેમાંગ મહિપતરામ રાવલ દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સી.આર. પાટીલ બ્રાહ્મણ સમાજની માફી માંગે તેવી માંગણી કરી છે.

હેમાંગ મહિપતરામ રાવલે આપેલા નિવેદનમાં રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વારંવાર સનાતન ધર્મ અને બ્રાહ્મણ જાતિનું અપમાન કરી રહ્યાં છે. આ પહેલા સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના બહેન સુભદ્રાને પતિ – પત્નિ કહીને સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. હવે સનાતન ધર્મના રક્ષક એવા બ્રહ્મ સમાજનું અપમાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલે કર્યું છે.

સી.આર. પાટીલે શુક્રવારે મહેસાણા ખાતે એક જાહેર કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ બોલ્યા છે, ‘બો?? બા??નું ખેતર’. જે જાતિ વિષયક ટીપ્પણી છે. આ ટીપ્પણી બ્રહ્મ સમાજની વિધવા મહિલા પરની ટીપ્પણી છે. આ બ્રહ્મ સમાજની સાથોસાથ મહિલાઓનું પણ અપમાન છે. આવા અપમાનજનક શબ્દ વાપરીને બ્રહ્મ સમાજ માટે સી.આર. પાટીલના મનમાં શું માન સન્માન છે તે તેઓએ દર્શાવી દીધું છે. આવા શબ્દો બોલીને માત્ર બ્રહ્મ સમાજનું નહીં પરંતુ વિધવા મહિલાઓનું પણ સી.આર. પાટીલે અપમાન કર્યું છે. હેમાંગ રાવલે કહ્યું હતું કે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી તરીકે મારી માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને દેશ અને ગુજરાતની મહિલાઓની માફી માગે તથા તેમણે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરે. આગળના પગલાં શુ લેવા તે ટુક સમયમાં સમાજ નક્કી કરશે.

જો સી.આર. પાટીલ માફી નહીં માગે તો બ્રહ્મ સમાજ વિરોધ પ્રદર્શન કરશે
બ્રહ્મ સમાજ તરફથી હેમાંગ રાવલે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સી.આર. પાટીલ આ બાબતે માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતમાં બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. સી.આર. પાટીલ અને ભારતીય જનતા પાર્ટીને સદ્દબુદ્ધિ આવે તે માટે બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. જ્યાં સુધી સી.આર. પાટીલ માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

Most Popular

To Top