આફતને અવસર બનાવનારાથી સરકાર અને પ્રજા બન્ને ચેતે!

ડૂબતો માણસ તરણું ઝાલે એ કહેવત સૌ જાણે છે, પણ કોઇ ડૂબતું હોય ત્યારે કેટલાક આ દુર્ઘટનામાં પણ પોતાનો ધંધો શોધે છે તે બહુ ઓછા જાણે છે! વર્ષોથી વેપારી માનસ આફતને અવસરમાં ફેરવવા મથતું રહ્યું છે. કોરોના મહામારી(Corona epidemic)ના વ્યાપ વચ્ચે સામાન્ય માણસ(Common man) માટે દુર્ગમ સ્થિતિ સર્જાઇ છે. જો ઘરમાં બેસી રહે તો ભૂખે મરવાનો વારો આવે છે અને બહાર નીકળે તો રોગ ભરખી જવા ઊભો છે. આ દુર્ગમ સ્થિતિમાં જાત સંભાળીને રોજી મેળવવી એ ભારે સંઘર્ષનું કામ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ ઉપાય વગરના રોગચાળા સામે લડવા પ્રજાને પ્રેરણાત્મક રીતે કહ્યું કે આપણે સ્વને સાચવીને સમાજ ચલાવવો છે.

આફતને અવસર બનાવનારાથી સરકાર અને પ્રજા બન્ને ચેતે!

વળી આંતરરાષ્ટ્રીય આર્થિક પરિપ્રેક્ષ્ય(International economic perspective)માં તેમણે કહ્યું કે આપણે ધારીએ તો આ સમયમાં આફતને અવસરમાં ફેરવી શકીએ. આ વિધાનનો સાદો મતલબ હતો કે કોરોના સંકટમાં આપણે સ્વનિર્ભર (Self-reliant) થઇ શકીએ. વિદેશી વસ્તુઓના બિનજરૂરી વપરાશ ઘટાડી શકીએ. લોકડાઉનના લાંબા સમયગાળામાં આપણને સમજાઈ ગયું છે કે ઘણી બધી બાબત વગર સાદું, સરળ જીવન જીવી શકાય છે. વ્યસન છૂટી શકે. ખોટા આંટાફેરા બંધ થઇ શકે. ખોટા ખર્ચ બંધ થઇ શકે. દેશની રીતે વિચારો તો આ ગાળામાં માર્ગ અકસ્માત ઘટી ગયા. પ્રદૂષણમાં ઘટાડો થયો. અન્ય રોગો પ્રમાણમાં નિયંત્રિત રહ્યા. પેટ્રોલીય પેદાશોની આયાતમાં ઘટાડો થયો. દેશનું આયાત ખર્ચ ઘટયું. એક રીતે આ તમામ આફતને અવસર બનાવતી બાબત જ હતી. વળી અત્યારે આંતરરાજય આવન-જાવન બંધ છે ત્યારે સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થાય, ચીન સાથેના સંબંધો બદલાય ત્યારે અન્ય રાષ્ટ્રો સાથેના વ્યાપારી સંબંધોનો લાભ ઉઠાવવો.

આફતને અવસર બનાવનારાથી સરકાર અને પ્રજા બન્ને ચેતે!

આ બાબત અભિપ્રેત હતી. પણ વડાપ્રધાનશ્રીના પ્રવચનથી દૂર એક તકસાધુ વેપારી વર્ગ પણ દેશમાં છે જે આ આફતમાં પોતાનો ધંધો ફેલાવીને અવસર ઊભો કરવા માંગે છે. સાવ વ્યક્તિગત કક્ષાએ વિચારીએ તો લોકડાઉન દરમ્યાન એવી ફરિયાદો વ્યાપક મળી કે જીવનજરૂરી ચીજવસ્તુના વેપારીઓ અને વ્યસનને લગતી વસ્તુના વેપારીઓએ પરિસ્થિતિનો લાભ લઇ વસ્તુઓના કાળા બજાર કર્યા. કહો કે ઉઘાડી લૂંટ કરી. એક તરફ મોટા ભાગના પોલીસ કર્મીઓ સત્તાવાળા લોકડાઉનના કડક અમલ માટે જીવ જોખમમાં મૂકી કામ કરતા રહ્યા તો કેટલાક ભ્રષ્ટ લોકોએ આ જ સમયમાં પરિસ્થિતનો લાભ લઇ હપ્તાવાળી કરી, તોડપાણી કર્યા અને પાનમસાલા ઊંચી કીંમતે વેચાવા દીધા.

આફતને અવસર ગણનારામાં સૌ પ્રથમ દેખાયા ખાનગી હોસ્પિટલવાળા. છેક હાઇકોર્ટને ટકોર કરવી પડે અને રાજય સરકારે નિયંત્રણ મૂકવું પડે તે હદે તેમણે દર્દીઓને લૂંટયા અને તે પણ એવા સંજોગોમાં, જેમાં રોગની દવા તો કરવાની જ ન હતી. સરકાર પણ આ ખાનગી હોસ્પિટલોને નિયંત્રિત કરવામાં બહુ સફળ ન થઇ. કોરોના કાળનો લાભ તો સેનેટાઇઝેશન, માસ્ક, કોટ. આ તમામના વેપારમાં મળ્યો છે. આ તમામ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવાનું જ હોય અને વાજબી નફો પણ લેવાનો જ હોય, પણ નકલી સેનેટાઇઝર વેચવા સોસાયટી – એરીયા સેનેટાઇઝ કરવાના નકલી માસ્ક વેચવા. આ એક રીતે દગાખોરી છે. પણ આપણે ત્યાં અને ખાસ તો ગ્રામીણ કક્ષાએ કોઇ જાણે કહેનારું જ નથી એ રીતે નકલી બાબતોનું વેચાણ કરી લોકોએ રોકડી કરી છે.

આફતને અવસર બનાવનારાથી સરકાર અને પ્રજા બન્ને ચેતે!

આફતને અવસર બનાવવામાં હવે શિક્ષણ ક્ષેત્રને હાથમાં લેવાયું છે. ઓનલાઇન શિક્ષણના નામે શાળાઓએ ધંધો શરૂ કર્યો છે અને એથી પણ મોટો ધંધો હવે દેશમાં સોફટવેર કંપનીઓએ શરૂ કર્યો છે, જે રાજયોના અધિકારીઓને સમજાવીને શિક્ષણ માટેના સોફટવેર વેચવા લાગ્યા છે. સૌ જાણે છે કે આવનારા સમયમાં રૂબરૂ વર્ગખંડ શિક્ષણની શકયતા ઓછી છે ત્યારે શાળા કોલેજોને મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, ઇન્ટરનેટ કનેકશન અને વિવિધ સહાયક સોફટવેરની જરૂર પડશે. જો શાળા, કોલેજ, યુનિ. જાતે જ ખરીદી કરે તો બજારમાં સ્પર્ધા થાય. પણ જો સરકાર જ મોટા પાયે ખરીદી કરે અને બધે વહેંચે તો જે તે કંપનીને ઘેરબેઠા ગંગા આવે. એટલે હવે આવી કંપનીઓ સરકારી અધિકારીઓ મારફત પોતાનો માલ મોટા પાયે વેચવા મથામણ કરી રહી છે.

સરકારો ઓનલાઇન એજયુકેશનમાં મદદરૂપ સોફટવેર અને હાર્ડવેર ખરીદવા પણ માંડી છે. માટે આપણે કહી રહ્યા છીએ કે સાચવજો. વેપારીઓ મેદાને પડયા છે. યેનકેન પ્રકારે તેઓ માલ વેચવાનો પ્રયત્ન કરશે. ખાસ તો ચૂંટાયેલા નેતાઓ અને મંત્રીઓ સતર્ક નહીં રહે તો ચોકકસપણે ખરીદીના નિર્ણયો અધિકારીઓ લેવા માંડશે! જેમ બજારમાં ‘આ દવાથી કોરોના મટે છે’ – એવા ગપગોળા ફેલાવી પોતાની દવા વેચનારા છે તેમ આ સોફટવેરથી ઓનલાઇન શિક્ષણ – પરીક્ષણ સરળ થઇ શકે છે તેવું સમજાવનારા પણ છે અને આ તમામથી ચેતવાનું આપણે છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts