પાકિસ્તાન: પાકિસ્તાન (PAKISTAN)માં આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ૩૦ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. એક બચાવ અધિકારીએ જણાવ્યું હતું કે કિસ્સા ખ્વાની બજાર વિસ્તારની જામિયા મસ્જિદમાં વિસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે નમાજીઓ શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 10 ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
પાકિસ્તાનમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, પેશાવરની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ કોચા રિસાલદાર વિસ્તારના કિસ્સા ખ્વાની બજારમાં હાજર મસ્જિદમાં થયો હતો. બ્લાસ્ટની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને ઘાયલ લોકોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રેસ્ક્યુ ટીમની સાથે આસપાસના લોકોએ પણ ઘાયલોને મદદ કરી હતી. ઘાયલ થયેલા 50માંથી 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ અને સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો છે. ત્યાં તપાસ ચાલુ છે.
ઇમરાનખાને કરી હુમલાની નિંદા
પેશાવર મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન પણ આવ્યું છે. તેમણે હુમલાની નિંદા કરી છે. પેશાવરના સીએમ મહેમૂદ ખાને પણ હુમલાની નિંદા કરી છે. તેણે પેશાવરના આઈજીપી પાસેથી આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા ગુરુવારે પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ પોલીસ વાન પાસે થયો હતો. બાદમાં મળેલી માહિતી મુજબ વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિસ્તારને કોર્ડન કરી તપાસ શરુ
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ વિસ્ફોટના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસને શંકા છે કે વિસ્ફોટ કરનાર આત્મઘાતી બોમ્બરના સહયોગીઓ નજીકમાં હાજર હોઈ શકે છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.
શરીર પર બોમ્બ બાંધીને મમસ્જીદમાં ઘુસ્યા હુમલાખોરો
પ્રારંભિક અહેવાલો અનુસાર, બે હુમલાખોરોએ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં એક મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ પહેલા મસ્જિદની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાના થોડા સમય બાદ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન પહોંચીનાં કલાકો બાદ થયો હુમલો
મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આ હુમલાના થોડા કલાક પહેલા જ પાકિસ્તાન પહોંચી હતી. તેની સુરક્ષાને લઈને પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે આ હુમલાથી ફરી પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે. 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલા બાદ લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ મેચ રમાઈ ન હતી. વર્લ્ડ કપ 2011ની યજમાની પણ ટીમ પાસેથી છીનવી લેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસને પાકિસ્તાન ક્રિકેટ માટે ઇમેજ સુધારવાની મોટી તક કહેવામાં આવી રહી હતી, પરંતુ હવે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.