કાલોલ : કાલોલ તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રવિવારે જાહેર થયેલા પરિણામો મુજબ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો જ્યારે તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી બે બિનહરીફ બેઠકો સાથે કુલ ૨૨ બેઠકો જીતીને કેસરીયા સામ્રાજ્યનો દબદબો યથાવત રીતે જાળવી રાખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા પંચાયતમાં ભાજપના દબદબા વચ્ચે વેજલપુર અને પલાસા બેઠક પર અપક્ષ ઉમેદવારોએ ભાજપ વિરુદ્ધ જીતી લીધી હતી, જે પૈકી વેજલપુરમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખના મતવિસ્તારમાં ભાજપ સામે લઘુમતી કોમના ઉમેદવારે પહેલીવાર જીતીને વેજલપુરમાં નવો અધ્યાય લખ્યો હતો.
જ્યારે પંચાયતના પરિણામોમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળતા કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા હતા. આમ કાલોલ વિસ્તારમાં પાછલા ૧૯૯૦થી ભાજપના ચક્રવર્તી સામ્રાજ્યનો દબદબો યથાવત રીતે જાળવી રાખ્યો હતો.
ઘણી બેઠકો પર કોંગ્રેસ ત્રીજા અને ચોથા ક્રમે ઘકેલાઈ હતી તો ઘણી બેઠકો પર ડિપોઝિટ જપ્ત કરાઈ હતી. જ્યારે વેજલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોર ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જીતી લીધી.