પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ-અકાલી દળ વચ્ચે રાજકીય ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે એક હિન્દુ નેતાને રાજ્યના ઉપાધ્યક્ષપદે નિયુક્ત કરીને નવો રાજકીય સંદેશ આપ્યો છે. એક તરફ સત્તા જાળવી રાખવાનો સંઘર્ષ છે, તો બીજી તરફ સંગઠનના વિસ્તરણ માટે નવી પહેલ છે. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની ચંદીગઢ સ્થિત કેમ્પ ઓફિસ-કમ-ગેસ્ટ હાઉસ અને તેમના ઓફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી રાજબીરસિંહ ઘુમ્મન સહિત આશરે આઠ સ્થળોએ CBIએ દરોડા પાડતાં વિવાદ સર્જાયો છે.
અધિકારીઓની બદલી અને કથિત ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલી સામગ્રીના આધારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસને લઈને ભગવંત માન અને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર તથા ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. માનનો આરોપ છે કે ચૂંટણી નજીક આવતાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને હેરાન કરવામાં આવે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે દરોડા દરમિયાન કોઈ શંકાસ્પદ કે ગુનાહિત વસ્તુ મળી નથી. પંજાબ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરી છે.
જોકે, રાજકીય રીતે આપ હજુ પંજાબમાં મજબૂત સ્થિતિમાં છે. કલ્યાણકારી યોજનાઓ અને અગાઉની ચૂંટણીમાં મળેલી સફળતા તેના માટે મોટો આધાર છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૧૭માંથી ૯૨ બેઠકો જીતીને આપે જંગી બહુમતી મેળવી હતી. ત્યારબાદ પક્ષપલટા અને પેટાચૂંટણીઓના પરિણામે તેની સંખ્યા ૯૪ સુધી પહોંચી હતી. કોંગ્રેસને ૧૬, શિરોમણી અકાલી દળને ત્રણ અને ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. કોંગ્રેસ હવે સંગઠનને નવેસરથી મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમરિંદરસિંહ રાજા વડિંગના રાજીનામા બાદ પૂર્વ ઓલિમ્પિયન અને જલંધર કેન્ટના ધારાસભ્ય પરગટ સિંહને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સચિન પાયલટને પંજાબ કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષની જૂથબંધી અને આંતરિક ખેંચતાણ વચ્ચે નવા નેતૃત્વ માટે કાર્યકરોને એકત્રિત કરવા અને મજબૂત વિપક્ષ તરીકે ઉભરવું મોટો પડકાર રહેશે.
ભાજપ માટે અકાલી દળ સાથે ફરી ગઠબંધન કરવાની શક્યતા મહત્ત્વપૂર્ણ બની છે. ૧૯૯૬થી ચાલેલું બંને પક્ષોનું જોડાણ ૨૦૨૦માં ખેડૂત આંદોલનને લઈને તૂટી ગયું હતું. હવે ફરી હાથ મિલાવવાની ચર્ચા તેજ બની છે. જોકે, બેઠકોની વહેંચણી અને કયો પક્ષ મોટા ભાઈની ભૂમિકા ભજવશે તે મુદ્દે મતભેદ રહી શકે છે. અકાલી દળ પોતાની પરંપરાગત પકડ જાળવવા માગે છે, જ્યારે ભાજપ વધુ બેઠકો મેળવવા પ્રયત્નશીલ છે. જો ગઠબંધન થાય તો પંજાબમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનશે. કેપ્ટન અમરિંદરસિંહને ભાજપમાં જોડવાનો પ્રયોગ પણ પક્ષને અપેક્ષિત સફળતા અપાવી શક્યો નહોતો. તેથી ભાજપ માટે આ ચૂંટણી મોટો પડકાર બની રહેશે.
બીજી તરફ, કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સંગઠનાત્મક ફેરફાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પક્ષે પ્રથમ વખત હિન્દુ નેતા સી. શ્યામ સુંદરને રાજ્યના ઉપાધ્યક્ષ બનાવ્યા છે. ૬૧ વર્ષીય શ્યામ સુંદર અલપ્પુઝા જિલ્લાના હરિપાડના રહેવાસી છે. તેઓ અગાઉ CPMની યુવા પાંખમાં રાજ્યસ્તરના નેતા અને કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે. લગભગ ૧૬ વર્ષ પહેલાં તેમણે સીપીએમ છોડીને મુસ્લિમ લીગમાં પ્રવેશ કર્યો હતો. પક્ષે તેમને ઇડુક્કી અને પથાનમથિટ્ટા જિલ્લાની જવાબદારી સોંપી છે. આ વિસ્તારોમાં મુસ્લિમ લીગનો પ્રભાવ પ્રમાણમાં ઓછો હોવાથી સંગઠનને મજબૂત બનાવવાનો પડકાર તેમની સામે રહેશે.
નવી જવાબદારી અંગે શ્યામ સુંદરે જણાવ્યું હતું કે, મુસ્લિમ લીગને સાંપ્રદાયિક માનનારા લોકો પક્ષને યોગ્ય રીતે ઓળખતા નથી. તેમણે પોતાના ૧૬ વર્ષના અનુભવના આધારે પક્ષમાં આવો ભેદભાવ જોયો ન હોવાનું કહ્યું હતું. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની રચના ૧ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ મદ્રાસમાં થઈ હતી. કેરળમાં તે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનો મહત્ત્વપૂર્ણ સહયોગી પક્ષ છે અને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. કેરળની રાજનીતિમાં પક્ષનું નોંધપાત્ર સ્થાન છે. શ્યામ સુંદરની નિયુક્તિ દ્વારા પક્ષ એવા વિસ્તારોમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે, જ્યાં તેની હાજરી મર્યાદિત છે.
આ નિયુક્તિ રાજકીય રીતે એટલા માટે પણ ચર્ચાસ્પદ છે કે મુસ્લિમ લીગની ઓળખ સામાન્ય રીતે મુસ્લિમ સમાજના રાજકીય પ્રતિનિધિત્વ સાથે જોડાયેલી રહી છે. જોકે, કોઈ બિનમુસ્લિમ નેતાને મહત્ત્વની જવાબદારી આપવી એ સંગઠનના વિસ્તરણ અને વ્યાપક સ્વીકાર્યતા તરફનું પગલું પણ બની શકે છે. આઝાદી પહેલાંની રાજનીતિમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ વચ્ચે કેટલીક પ્રાંતીય સરકારોમાં થયેલું જોડાણ પણ યાદ કરવા જેવું છે. તે સમયના રાજકીય સંજોગોમાં બનેલાં આવાં જોડાણો વૈચારિક એકતા કરતાં સત્તાકીય સમીકરણોનું પરિણામ હતાં. પંજાબમાં પક્ષો સત્તા માટે નવા સમીકરણો રચી રહ્યા છે, જ્યારે કેરળમાં મુસ્લિમ લીગ સંગઠનના વિસ્તરણ માટે અલગ માર્ગ અપનાવી રહી છે. બંને ઘટનાઓ દર્શાવે છે કે ચૂંટણીની રાજનીતિમાં પરંપરાગત ઓળખ અને જૂનાં સમીકરણો કરતાં બદલાતી પરિસ્થિતિઓ મુજબ વ્યૂહરચના ઘડવી પક્ષો માટે અનિવાર્ય બની રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.