રાજ્યસભામાં ભાજપ વધુ મજબૂત થયો: કોંગ્રેસની હાલત વધુ કરૂણ થઇ

સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરી સહિત ભાજપના નવ ઉમેદવારો સોમવારે બિનહરીફ ચૂંટાઇ આવતા રાજ્યસભામાં દેશના શાસક ગઠબંધન એનડીએની સ્થિતિ વધુ મજબૂત થઇ છે જેનું સંખ્યાબળ આ ગૃહમાં વધીને ૧૦૦ને વટાવી ગયું છે.બીજી બાજુ, કોંગ્રેસ કે જે સંસદના આ ઉપલા ગૃહમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતો પક્ષ હતો, તેની બેઠકો ઘટીને ૩૮ થઇ ગઇ છે – જે તેનો અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો છે.

રાજ્યસભામાં ભાજપ વધુ મજબૂત થયો: કોંગ્રેસની હાલત વધુ કરૂણ થઇ

હાલની ચૂંટણીઓમાં તેણે ભાજપ સામે વધુ બે બેઠકો ગુમાવી છે. ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની એક બેઠક મળીને કુલ ૧૧ બેઠકો માટે ચૂંટણી હતી તેમાંથી નવ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતી ગયા છે. ભાજપની છ બેઠકો વધી છે કારણ કે તેના ત્રણ ઉમેદવારો ફરીથી ચૂંટાયા છે. આ સાથે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને ૯૨ થઇ છે. જ્યારે એનડીએના ઘટક પક્ષ જેડી(યુ)ની પાંચ બેઠકો રાજ્યસભામાં છે.

શાસક ગઠબંધનમાંના કેટલાક નાના પક્ષોના ચૂંટાયેલા સાંસદો પણ રાજ્યસભામાં છે જેમાં આરપીઆઇ-આઠવલે, અસોમ ગણ પરિષદ(એજીપી), મિઝો નેશનલ ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ, પટ્ટાલી મક્કાલ કચ્ચી (પીએમકે) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) – એ દરેકની એક એક બેઠક છે જે કુલ સાત બેઠકો થાય છે. રાજ્ય સભામાં એનડીએની કુલ બેઠકો હવે ૧૦૪ થઇ છે,

જો કે આ ગૃહમાં સાદી બહુમતિ માટે પણ તેને હજી બેઠકો ખૂટે છે પરંતુ આમ છતાં તેણે છેલ્લા કેટલાક સમયમાં તેની બેઠકો સંસદના આ ઉપલા ગૃહમાં જે રીતે વધારી છે તે તેના માટે ગૌરવની જ બાબત છે. બીજી બાજુ કોંગ્રેસ માટે શરમ જનક કહી શકાય તેવી સ્થિતિ છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ઘણા મોટા સમય ખંડમાં કોંગ્રેસ રાજ્યસભામાં બહુમતિ ધરાવતો પક્ષ રહ્યો છે તે હવે આ ગૃહમાં માત્ર ૩૮ બેઠકો ધરાવે છે!

 એનડીએનું સંખ્યાબળ ૧૦૪નું થયું છે અને તે ચાર નોમિનેટેડ સભ્યોનો પણ ટેકો મેળવી શકે છે. રાજ્યસભાનું હાલનું સંખ્યાબળ ૨૪૨નું છે જેમાં અડધી બેઠકો ૧૨૧ થાય છે. કોઇ પણ ખરડો આ ગૃહમાં પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૧૨૨ મત મળવા જરૂરી છે.

આથી ભાજપ સરકારે હજી પણ ખરડાઓ પસાર કરાવવા માટે એનડીએની બહારના અન્ય પક્ષોનો ટેકો લેવો પડે તેમ છે જ. એનડીએની બહારના ભાજપના કેટલાક મિત્ર પક્ષ મનાતા પક્ષો જેવા કે તમિલનાડુના અન્ના દ્રમુક, ઓડિશાના બીજેડી તથા તેલંગાણાના ટીઆરએસ અને વાયએસઆરસીપી પક્ષો એનડીએને સમયે સમયે મુદ્દા આધારિત ટેકો આપતા આવ્યા છે અને આવા પક્ષોના ટેકાથી મોદી સરકાર છેલ્લા કેટલાક સમયમાં કેટલાક મહત્વના ખરડાઓ રાજ્યસભામાં પસાર કરાવી શકી છે.

જે ખરડાઓ સામે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો સખત વિરોધ હતો તેવા કેટલાક ખરડા પણ મોદી સરકારના ફ્લોર મેનેજરો રાજ્ય સભામાં સફળતાપૂર્વક ફ્લોર મેનેજમેન્ટ કરીને પસાર કરાવી શક્યા છે, ત્યારે હવે તો રાજ્યસભામાં એનડીએનું સંખ્યાબળ ઓર વધી જતાં તેને માટે મુશ્કેલ સંજોગોમાં ખરડા પસાર કરાવવાનું વધુ સરળ બનશે જ્યારે કે કોંગ્રેસ વધુ લાચાર સ્થિતિમાં મૂકાશે. આગામી દિવસોમાં રાજ્યોમાં કેવી સ્થિતિ સર્જાય છે તેના પર રાજ્યસભાનું ભાવિ સંખ્યાબળ અવલંબશે. કોંગ્રેસ માટે સમય આત્મ મંથનની સાથે કસોટીનો પણ છે.

રાજ્યસભાની વાત નીકળી છે તો સંસદના આ ઉપલા ગૃહ વિશે પણ થોડી ચર્ચા કરી લઇએ. ભારતે પોતાની સંસદ માટે બ્રિટિશ સંસદીય મોડેલ અપનાવ્યું છે. બ્રિટનમાં સંસદના બે ગૃહો છે – આમ સભા(હાઉસ ઓફ કોમન્સ) અને ઉમરાવ સભા(હાઉસ ઓફ લોર્ડસ) એ ગૃહોમાં આમ સભા એ બ્રિટિશ સંસદનું નીચલું ગૃહ છે જેને સમકક્ષ આપણી લોક સભા છે જ્યારે ઉમરાવ સભા બ્ર્રિટિશ સંસદનું ઉપલું ગૃહ છે જેમં ઉમરાવો કે લોર્ડસ બિરાજે છે.

ભારતમાં તો ઉમરાવોની પ્રથા છે નહીં તો ભારતે રાજ્યસભા બનાવી અને સંસદના આ ઉપલા ગૃહના સભ્યોને વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો ચૂંટે છે. રાજ્યસભા એ વડીલોનું ગૃહ કહેવાય છે પરંતુ તેમાં પણ ઘણી વખત સંસદીય ગરિમાના ધજાગરા ઉડી જાય તેવા દ્રશ્યો સર્જાય જ છે. રાજ્યસભાના સભ્યો ચૂંટવા માટે પણ કેવા કાવાદાવા અને ગંદા રાજકારણના ખલો રમાય છે તે આપણે જાણીએ જ છીએ. આપણી લોકશાહીની કરૂણ કઠણાઇઓામાંની આ પણ એક કઠણાઇ છે.

Related Posts