બિહારનું મતદાન ગુંચવાયેલું અને વહેંચાયેલું જનમાનસ દર્શાવે છે

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે મોટાભાગના એક્ઝિટ પોલ્સ દ્વારા આગાહી  કરવામાં આવી હતી કે આ ચૂંટણીમાં રાજદની આગેવાની હેઠળનું મહાગઠબંધન જીતશે  અને શાસક જેડી(યુ)-ભાજપના ગઠબંધને પરાજયનો સામનો કરવો પડશે. લોકોને  પરિવર્તન જોઇએ છે, લોકો કથિત સુશાસન બાબુ નીતિશ કુમારના શાસનથી કંટાળ્યા છે  અને લાલુ પુત્ર તેજસ્વી યાદવ મુખ્યમંત્રીપદ માટે સૌથી વધુ પસંદગી પામેલો ચહેરો છે  તેવી વાતો એક્ઝિટ પોલ્સ બહાર પડ્યા પછી ચર્ચાવા માંડી હતી પરંતુ મંગળવારે  સવારથી પરિણામો બહાર પડવા માંડ્યા પછી એક્ઝિટ પોલ્સના તારણો ખોટા સાબિત થવા  માંડ્યા. એક તબક્કે તો ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન ખાસ્સું આગળ  નીકળી જતું જણાયું અને રાજદ-કોંગ્રેસ સહિતના પક્ષોનું મહાગઠબંધન પરાજયના સ્પષ્ટ  પંથે જણાતું હતું પરંતુ સાંજે ફરીથી ચિત્ર બદલાવા માંડ્યું અને બંને મુખ્ય હરિફો વચ્ચે  કાંટાની ટક્કર જેવી સ્થિતિ જણાવા માંડી.

બિહારનું મતદાન ગુંચવાયેલું અને વહેંચાયેલું જનમાનસ દર્શાવે છે

આમ તો વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે મોડી સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જતું  હોય છે પરંતુ બિહારમાં મતગણતરી એકંદરે ધીમી ચાલી. આ બાબતે વિવાદ પણ થયો,  ચૂંટણી પંચે આ બાબતે ખાસ પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરવો પડ્યો કે કોવિડ-૧૯ના  રોગચાળાની સ્થિતિના સંજોગોને કારણે મત ગણતરી ધીમી ચાલશે અને આને કારણે  પરિણામો મોડા જાહેર થશે. રાત્રે આ લખાઇ રહ્યું હતું ત્યાં સુધી પરિણામો સંપૂર્ણ સ્પષ્ટ  થયા ન હતા પરંતુ એનડીએ અને મહાગઠબંધન એક બીજાની ખૂબ નિકટ ચાલી રહ્યા હતા.  આમાં કોઇ પણ વિજયી થાય પરંતુ બહુમતિ પાતળી જ રહેશે એમ જણાઇ આવે છે.  મતદારોનો ઝોક જ્યારે કોઇ પણ બાજુએ સ્પષ્ટપણે નહીં હોય ત્યારે આવી જ સ્થિતિ સર્જાય  છે. ઘણી વાર આવા સંજોગોમાં ત્રિશંકુ ધારાસભાના સંજોગો પણ સર્જાય છે.

બિહારમાં જોઇએ તો પ્રજાના જુદા જુદા વર્ગોમાં જુદી જુદી લાગણીઓ પ્રવર્તતી હતી. હજી  પણ બિહારમાં લાલુના રાજદનો ચાહક એવો એક મોટો વર્ગ છે. બીજી બાજુ ભાજપે પણ  આ રાજ્યમાં પોતાના મૂળિયા નોંધપાત્ર મજબૂત બનાવ્યા છે અને સુશાસન બાબુના નામે  જાણીતા થયેલા નીતિશ કુમારનો તો એક ચાહક વર્ગ છે જ. આ વખતની ચૂટણીમાં ચિરાગ  પાસવાનનો એનડીએમાંથી છૂટો પડેલો એલજેપી પક્ષ અને એઆઇએમઇએમ પક્ષ પણ  ચિત્રમાં હતા અને તેમણે અમુક ચોક્કસ મતો તોડવાનું કામ પણ કર્યું. મતદારો કોને મત  આપવો તે બાબતે કોઇ ચોક્કસ લહેર કે માહોલ નહીં હોય ત્યારે મૂંઝાયેલા પણ હોઇ શકે છે  અને વૈવિધ્યપૂર્ણ સમાજ ધરાવતા વિસ્તારમાં મતદારો વહેંચાયેલા તો હોય જ છે અને  તેવા સંજોગોમાં કોઇને સ્પષ્ટ બહુમતિ ન મળે તેવું બને.

કોરોનાવાયરસની રસી સંતાકુકડી રમી રહી છે 

અત્યારે આખું વિશ્વ જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યું હોય તેવી કોઇ એક વસ્તુ હોય તો તે કોરોનાવાયરસ સામેની રસી જ હશે. આ રસી ક્યારે શોધાશે અને ક્યારે મોટા પાયે રસીકરણ થશે તેની અટકળો લાંબા  સમયથી ચાલી રહી છે. રશિયાએ તો રસી શોધી પણ કાઢી હોવાનો દાવો કરીને રસીકરણ શરૂ પણ કરી દીધું પણ તેની રસીમાં બહુ ભલીવાર જણાયો નથી. આ રસીથી કોઇ ભયંકર સંજોગો નહીં સર્જાયા તે જ હજી  ગનીમત માનવા જેવું છે. વિશ્વમાં અનેક દેશોમાં અનેક સંસ્થાઓ અને સંશોધકો કોવિડ-૧૯ની રસી માટે સંશોધનો કરી રહ્યા છે, અનેક રસીઓ તૈયાર થઇ છે અને તેના પરીક્ષણો વિવિધ તબક્કામાં છે. આમાં  બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી સૌથી વધુ આશાસ્પદ જણાય છે અને આ રસી ડિસેમ્બર સુધીમાં રસીકરણ માટે તૈયાર થઇ જાય તેવા સંકેતો મળ્યા છે. નવું વર્ષ ૨૦૨૧ શરૂ થાય તે પહેલા બ્રિટનમાં ત્રણ રસીઓ આવી શકે છે અને સરકારના એક સલાહકારે કહ્યું છે કે એવી ૮૦ ટકા તકો છે કે ઇસ્ટર સુધી બ્રિટનમાં જનજીવન સામાન્ય બની શકે છે. ઑક્સફર્ડ  યુનિવર્સિટીના સર જોહન બેલ, કે જેઓ વડાપ્રધાન આવાસના વેક્સિન ટાસ્કફોર્સના સભ્ય છે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ત્રણ રસીઓ આવી શકે છે. જો કે તેમણે આ સાથે એવી ચેતવણી પણ આપી હતી કે આ  બાબત સરકાર પર અવલંબે છે કારણ કે સરકારના અયોગ્ય પગલાઓ સમયસર રસી વિતરણને નિષ્ફળ પણ બનાવી શકે છે. એક સરકારી અધિકારીએ તો કબૂલ્યું જ હતું કે રસીના વિતરણની પ્રક્રિયા એક  દુ:સ્વપ્ન સમાન પુરવાર થઇ શકે છે. જો કે બ્રિટનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ રસીઓને રોલ આઉટ કરવાનું કામ સારી રીતે પાર પડે તે માટે એનએચએસ અને મિલિટરી સતત કામ કરશે. અત્રે  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવાસ દ્વારા ડિસેમ્બરથી ફાઇઝરની રસી લોકોને મૂકવા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે લશ્કર અને નેશનલ હેલ્થ સર્વિસ(એનએચએસ)ને તૈયાર રહેવા જણાવ્યું હતું. જો કે આ પહેલા  પણ અનેક વખત આ રસી આવશે, વિલંબમાં પડશે તેવા અનેક અહેવાલો આવી ચુક્યા છે. આવા સંજોગોમાં લોકો જાણે આશા-નિરાશા વચ્ચે ઝોલા ખાય છે. અમેરિકાની પણ બે-એક રસી આગળ હતી અને  પ્રમુખપદની ત્યાં ચૂંટણી થાય તે પહેલા રસી તૈયાર થઇ જવાની વાતો હતી પણ તે શક્ય બન્યું નહીં. ખરેખર તો રસી વિકસાવવાની બાબતમાં ખૂબ સાવધાનીથી કામ લેવું પડે છે અને જો તેમાં ખોટી ઉતાવળ  કરવામાં આવે તો અનિચ્છનીય પરિણામો આવી શકે છે અને તેથી જ રસી વિકસાવવામાં વિલંબ થઇ રહ્યો છે અને આ વિલંબ લોકોએ સહન કરવો જ રહ્યો.

ભારતમાં પણ રસીની બાબતમાં જાત જાતની વાતો લાંબા સમયથી થઇ રહી છે. દેશની કેટલીક રસીઓ તૈયાર થવાના આરે છે એવી વાતો હતી પણ હાલમાં દિલ્હી એઇમ્સના વડાએ કહ્યું છે કે ૨૦૨૨ પહેલા  સામાન્ય લોકો માટે રસી ઉપલબ્ધ બનાવી શકાશે નહીં. ભારત પણ જો કે ઓકસફર્ડની રસી પર ઘણી આશા બાંધીને બેઠું છે પણ તે તૈયાર થાય ત્યારપછી લોજીસ્ટીક મુદ્દાઓ પણ ઉભા તો થશે જ. લાગે છે કે  કોરોનાવાયરસની રસી વિશ્વના લોકો સાથે સંતાકુકડી રમી રહી છે.

Related Posts