બિહારની ચૂંટણીએ આદર્શ લોકશાહીની કલ્પનાનો છેદ ઉડાડી દીધો છે

રાજકારણ કેવું હોય છે તેનો જો દાખલો જોવો હોય તો હાલમાં જ થયેલી બિહારની ચૂંટણીને જોવી જોઈએ. જે રાજકારણી બિહારની ચૂંટણીમાં ખેલાયેલા દાવપેચને જોઈને સમજી લે તો તેણે કદાચ રાજકારણમાં પાછા ફરીને જોવાનો વખત જ નહીં આવે. ભારતમાં લોકશાહી છે પરંતુ જો લોકશાહીનું ચિરહરણ કેવી રીતે કરી શકાય તેની સમજ પણ જો મેળવવી હોય તો તે માટે બિહારની ચૂંટણી પૂરતી છે.

બિહારની ચૂંટણીએ આદર્શ લોકશાહીની કલ્પનાનો છેદ ઉડાડી દીધો છે

આમ તો બિહારનું રાજકારણ અને રાજકારણીઓ વખણાય (!) જ છે પરંતુ દિવસેને દિવસે તેનું રાજકારણ વરવું બનતું જાય છે અને તેમાં પણ આ વખતની ચૂંટણીએ હદ કરી નાખી છે. આ વખતની ચૂંટણીમાં જોકે, દર વખતની જેમ હિંસા થઈ નથી પરંતુ એવો ખેલ ખેલાયો છે કે જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. બિહારની ચૂંટણી શરૂ થઈ ત્યારથી અને મતદાન બાદ તમામ એક્ઝિટ પોલ દ્વારા એવું કહેવાતું હતું કે બિહારમાં આ વખતે મહાગઠબંધનની સરકાર બનશે પરંતુ તેવું થયું નથી અને એનડીએની જ સરકાર બને તેવા બેઠકોના આંકડા આવ્યા છે.

બિહારની આ વખતની ચૂંટણીમાં ખેલાયેલા રાજકારણના મૂળિયા ગત ચૂંટણી વખતે જ નખાઈ ગયા હતા. ગત વખતે 2015માં થયેલી બિહારની ચૂંટણીમાં આરજેડી, જેડીયુ, સમાજવાદી પાર્ટી સહિતના પક્ષો દ્વારા મહાગઠબંધનની રચના કરવામાં આવી હતી. જેને કોંગ્રેસ અને એનસીપી દ્વારા ટેકો પણ કરાયો હતો. પરિણામે મહાગઠબંધને બિહારમાં મોટી સફળતા મેળવી અને નીતિશકુમાર મુખ્યમંત્રી બન્યાં હતાં.

આમ તો નીતિશકુમાર વાજપાઈના સમયમાં એનડીએની સાથે જ રહ્યાં હતાં પરંતુ જ્યારે 2014માં નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરવામાં આવ્યા ત્યારે નીતિશકુમારે તેના વિરોધમાં એનડીએ છોડી દીધું હતું અને મહાગઠબંધનની રચના થઈ હતી. 2015માં મુખ્યમંત્રી બન્યા બાદ 2017માં નીતિશકુમારે આરજેડીના મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે તેમ કહીને તેનું રાજીનામું માંગ્યું હતું. આ માથાકૂટ થતાં નીતિશકુમારે રાતોરાત મહાગઠબંધનમાંથી પાટલી બદલી નાખી હતી.

નીતિશકુમાર એનડીએમાં જોડાઈ ગયા અને પોતાની ખુરશી બચાવી લીધી હતી. મુખ્યમંત્રી બન્યાં બાદ પણ નીતિશકુમાર ભાજપને દબાવતા રહ્યાં. આ કારણે જ ભાજપે નીતિશકુમારને જ કટ ટુ સાઈઝ કરવા માટે નવો દાવ ખેલ્યો અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને પોતાની સાથે ગઠબંધનમાંથી દૂર કરીને તેને નીતિશકુમારના જેડીયુ સામે જ ચૂંટણી લડાવી. ચિરાગ પાસવાનની એલજેપી પાર્ટીએ જે જે બેઠકો પર જેડીયુ દ્વારા ચૂંટણી લડવામાં આવી તે તમામ બેઠકો પર ચૂંટણી લડી. પરિણામે નીતિશકુમારની પાર્ટીને 30થી 40 બેઠકો ઓછી મળી. ભાજપે આ દાવ એટલા માટે ખેલ્યો હતો કે નીતિશકુમારનું કદ નાનું થાય તો પછી મુખ્યમંત્રી પદની સાથે બિહારમાં વર્ચસ્વ જમાવવા માટે નીતિશકુમારને દબાવી શકાય. ભાજપે આ માટે ચિરાગ પાસવાનને કેન્દ્રમાં ભવિષ્યમાં સારા હોદ્દાની લાલચ પણ આપી હતી.

ભાજપે આ ઉપરાંત નવો દાવ એ પણ ખેલ્યો કે ઔવૈસીની પાર્ટીએ પણ બિહારમાં ચૂંટણી લડી. આમ તો ઔવૈસી દ્વારા પોતે સ્વતંત્ર ચૂંટણી લડતાં હોવાની જાહેરાતો કરાતી હોય છે પરંતુ રાજકારણમાં ઔવૈસીને કારણે સીધો ફાયદો ભાજપને જ થઈ રહ્યો છે. ઔવૈસીના મુસ્લિમના કટ્ટરવાદને કારણે ભાજપના હિન્દુ કટ્ટરવાદને ચૂંટણીમાં ભારે સફળતા મળતી રહી છે. આ જ મામલો બિહારમાં પણ ફરી પુનરાવર્તન પામ્યો.

ઔવૈસી કે ભાજપ ભલે નહીં સ્વીકારે પરંતુ ઔવૈસીની પાર્ટી દ્વારા ચૂંટણી લડવાને કારણે કોંગ્રેસ, આરજેડી સહિતના મહાગઠબંધનને આશરે 20 બેઠકો પર નુકસાન થયું. આ તમામ બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક બને તેમ હતાં. ઔવૈસીની પાર્ટીએ પાંચ બેઠકો મેળવી અને બાકીની બેઠકો પર મહાગઠબંધનને નુકસાન કરતાં મહાગઠબંધન બહુમતિથી છેટું રહી ગયું. ભાજપના બંને દાવ સફળ થઈ ગયાં અને સત્તાનો પ્યાલો મહાગઠબંધનના હોઠ સુધી આવતા આવતા દૂર થઈ ગયો. મહાગઠબંધન ભાજપની આ જાળમાં ફસાઈ ગયું અને અનેક તક હોવા છતાં પણ છેલ્લા 15 વર્ષથી ચાલી આવેલા નીતિશકુમારના શાસનને હટાવી શક્યું નહીં.

બિહારના આ વરવા રાજકારણનો હજુ અંત આવ્યો નથી. હજુ તો પરિણામો જ આવ્યાં છે. ભાજપે ભલે એવું કહ્યું છે કે અમારી સરકાર આવશે તો મુખ્યમંત્રી નીતિશકુમાર જ બનશે પરંતુ નીતિશકુમાર પણ મોટા ખેલાડી છે. જે દાવ નીતિશકુમાર સાથે ખેલાયો તે તેઓ ભૂલે તેમ નથી. જેથી આગામી દિવસોમાં બિહારમાં નવાજૂની થવાના એંધાણ છે જ. જોકે, બિહારના આ રાજકારણમાં જે લોકશાહીની કલ્પના બંધારણના ઘડવૈયાઓ દ્વારા કરવામાં આવી હતી તેનો છેદ ઊડી જવા પામ્યો છે તે નક્કી છે.

Related Posts