ભારતની રણભૂમિ પર રિલાયન્સ અને એમેઝોન વચ્ચે કાનૂની યુદ્ધ છેડાયું

રિલાયન્સના મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ ધનિક વેપારી છે તો એમેઝોનના જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનિક છે. થોડા સમય પહેલાં એમેઝોન કંપની ૨૦ અબજ ડોલરમાં રિલાયન્સનો રિટેઇલ બિઝનેસ ખરીદી લેવાની મંત્રણા ચલાવતી હતી. તે સોદાનું શું થયું તેની આપણને ખબર નથી; પણ દરમિયાન રિલાયન્સે ફ્યુચર ગ્રુપનો રિટેઇલ બિઝનેસ ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. ફ્યુચર ગ્રુપ ભારતનાં ૪૦૦ શહેરોમાં બિગ બાઝારના નામે આશરે ૧૫૦૦ મોલની માલિકી ધરાવે છે, જેમાં ૧.૬૦ કરોડ ચોરસ ફીટ જેટલી જગ્યા છે. તેમાં ગૂંચવાડો એવો છે કે એમેઝોને થોડા સમય પહેલાં ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર કૂપન્સનો ૪૯ ટકા હિસ્સો ૧,૫૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

ભારતની રણભૂમિ પર રિલાયન્સ અને એમેઝોન વચ્ચે કાનૂની યુદ્ધ છેડાયું

ફ્યુચર કૂપન્સ પાસે ફ્યુચર ગ્રુપના ૧૦ ટકા શેરો હોવાથી એમેઝોનના હાથમાં ફ્યુચર જૂથના પાંચ ટકા શેરો આવી ગયા હતા. એમેઝોને ફ્યુચર ગ્રુપ સાથે કરેલા કરાર મુજબ ફ્યુચર ગ્રુપ જ્યારે પણ તેના શેરો વેચવા માગતું હોય ત્યારે તેણે પહેલો મોકો બીજી કોઈ કંપનીને બદલે એમેઝોનને આપવો જોઈએ. જો એમેઝોન તેના શેરો ખરીદવાનો ઇનકાર કરે તો જ તેઓ બીજી કંપનીને પોતાના શેરો વેચી શકે. ફ્યુચર ગ્રુપે એમેઝોનને પૂછ્યા વિના ફ્યુચર રિટેઇલ કંપની રિલાયન્સને વેચી કાઢી તેને કારણે એમેઝોને સિંગાપોરની અદાલતમાં ફ્યુચર ગ્રુપ સામે દાવો માંડ્યો છે અને રિલાયન્સ સાથેનો સોદો ફોક કરવાની માગણી કરી છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે ફ્યુચર ગ્રુપે એમેઝોન સાથે જે કરાર કર્યો તે ૨૦૨૨ થી અમલમાં આવવાનો છે; માટે અત્યારે રિલાયન્સ ગ્રુપને ફ્યુચર ગ્રુપના શેરો ખરીદવામાં કોઈ બાધા પહોંચે તેમ નથી. વળી ભારત સરકારની વર્તમાન નીતિ મુજબ વિદેશી કંપની ભારતના રિટેઇલ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી શકતી નથી. તેમ છતાં રિલાયન્સ અને એમેઝોન જેવી બે જાયન્ટ કંપની વચ્ચેનું યુદ્ધ રસપ્રદ પુરવાર થઈ શકે તેમ છે. જો ૨૦૨૨ માં સરકારની નીતિ બદલાય તો રિલાયન્સને ભવિષ્યમાં તકલીફ આવી શકે છે.

ભારતમાં મલ્ટિબ્રાન્ડ રિટેઈલના ક્ષેત્રમાં સૌથી જૂની અને સૌથી મજબૂત જો કોઈ કંપની હોય તો તે ફ્યુચર રિટેઇલ છે, જે બિગ બાઝાર ઉપરાંત ઇઝીડે, હાઇપરસિટી અને નીલગિરિ જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની માલિકી ધરાવે છે. ફ્યુચર ગ્રુપના સ્થાપક કિશોર બિયાનીની ગણતરી દેશના સૌથી સફળ સાહસિક તરીકે થતી હતી. કોવિડ-૧૯ ને કારણે બિગ બાઝારને ચાર મહિનામાં આશરે ૭,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપની પર કુલ ૧૨,૯૮૯ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું હતું. બેન્કોમાંથી લોન લેવા માટે કિશોર બિયાનીએ પોતાના ભાગના તમામ શેરો ગિરવે મૂકી દીધા હતા. કિશોર બિયાની સમક્ષ કંપની વેચવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. આ સંયોગોમાં તેમણે પોતાનો રિટેઈલ બિઝનેસ ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં રિલાયન્સને વેચી દીધો હતો.

રિલાયન્સના માલિક મુકેશ અંબાણી કાપડ, પેટ્રોલિયમ અને મોબાઇલ ડેટા પછી હવે છૂટક વેપારના ક્ષેત્રમાં પોતાનો પગદંડો મજબૂત કરવા માગે છે. રિલાયન્સ રિટેઇલ કંપની ભારતનાં ૬,૬૦૦ શહેરોમાં ૧૦,૪૧૫ દુકાનોની માલિકી ધરાવે છે. જો કે ગ્રાહકોની સંખ્યા બાબતમાં બિગ બાઝાર રિલાયન્સ કરતાં આગળ હતું. હવે રિલાયન્સે બિગ બાઝારની માલિકી ધરાવતું ફ્યુચર ગ્રુપ જ ખરીદી લીધું હોવાથી ભારતમાં રિટેઈલના વેપારની સૌથી મોટી કંપની રિલાયન્સ બની ગઈ છે. રિલાયન્સ જૂથના જિયો પાસે મોબાઇલના આશરે ૪૦ કરોડ ગ્રાહકો છે. હવે રિલાયન્સ પાસે આશરે ૧૨,૦૦૦ દુકાનોની માલિકી પણ આવી ગઈ છે. તેનો ઉપયોગ કરીને તે ભારતમાં ઇ-કોમર્સનું સૌથી મોટું પ્લેટફોર્મ ઊભું કરવા માગે છે. ભારત સરકાર પણ ઓનલાઇન શોપિંગને પ્રોત્સાહન આપી રહી હોવાથી મુકેશ અંબાણી ટૂંક સમયમાં વિશ્વના સૌથી ધનિક બની જશે તેમ લાગે છે.

હજુ ૬ મહિના પહેલાં રિલાયન્સ કંપની આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયાની દેવાદાર હતી. મુકેશ અંબાણીએ રિલાયન્સને દેવાંમુક્ત કરવાના સંકલ્પ સાથે જિયોનો હિસ્સો વેચવા માંડ્યો હતો. તેમણે ગૂગલ ઉપરાંત ફેસબુક અને કેકેઆર જેવી કંપનીઓને જિયોના શેરો વેચવા માંડ્યા હતા. જોતજોતામાં તેમણે જિયોનો ૨૫ ટકા હિસ્સો વેચીને ૧,૧૫,૬૯૪ કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. તદુપરાંત તેમણે રિલાયન્સનો રાઇટ ઇશ્યૂ બહાર પાડીને બીજા ૫૩,૧૨૪ કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. જોતજોતામાં રિલાયન્સ કંપની દેવામુક્ત બની ગઈ હતી. આ વાતની જાણ બજારમાં થતાં રિલાયન્સ ગ્રુપના શેરોના ભાવો ઊંચકાઈ ગયા હતા. કોરોના વાયરસને કારણે ભારતના લગભગ તમામ ઉદ્યોગો ખોટમાં ચાલી રહ્યા છે ત્યારે રિલાયન્સ ગ્રુપ હવામાં ઊડી રહ્યું છે. ભારતમાં રિટેઈલ વેપારના ક્ષેત્રમાં રિલાયન્સની પ્રગતિ જોઈને મલ્ટિનેશનલ એમેઝોન કંપનીના પેટમાં તેલ રેડાતું હતું. એમેઝોન કંપની ભારતના ઇ-કોમર્સ ક્ષેત્રમાં મોનોપોલી જમાવવા માગતી હતી; પણ તેમાં રિલાયન્સ રિટેઇલ કંપની આડખીલીરૂપ બની ગઈ હતી. કોવિડ-૧૯ દરમિયાન ભારતમાં એમેઝોનના વેપારમાં પ્રચંડ ઉછાળો આવ્યો હતો, પણ તેમાં ફ્લિપકાર્ટ ઉપરાંત રિલાયન્સ રિટેઇલે પણ ભાગ પડાવ્યો હતો. એમેઝોન ગ્રુપે રિલાયન્સને ટક્કર આપવા ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર કૂપન્સનો ૪૯ ટકા હિસ્સો ખરીદી લીધો હતો. તેનો ઇરાદો ભવિષ્યમાં ફ્યુચર ફ્યુચર ગ્રુપ જ ખરીદી લેવાનો હતો; પણ ભારતના કાયદાઓ તેની પરવાનગી આપતા નહોતા.

એમેઝોન કંપનીના પ્રમોટરોએ જોયું કે તેઓ રિલાયન્સ સામે લડી શકે તેમ નથી, માટે તેમણે રિલાયન્સ સાથે ભાગીદારી કરવાનો નિર્ણય કર્યો હતો. એમેઝોને રિલાયન્સ રિટેઇલનો ૪૦ ટકા હિસ્સો ૨૦ અબજ ડોલરમાં ખરીદી લેવાનો નિર્ણય કર્યો હતો. તે માટે વાટાઘાટો પણ શરૂ કરી હતી. ભારતીય ચલણમાં તેની કિંમત આશરે દોઢ લાખ કરોડ રૂપિયા થતી હતી. મુકેશ અંબાણીએ દુનિયાની એક ડઝનથી વધુ કંપનીઓ સાથે સોદા કરીને જેટલી મૂડી ઊભી કરી હતી તેનાથી વધુ મૂડી તેમને આ એક સોદામાંથી મળવાની હતી. જો કે ભારતમાં રિટેઈલના ક્ષેત્રમાં વિદેશી કંપનીને મૂડીરોકાણની છૂટ ન હોવાથી તે સોદો અટવાઈ ગયો હતો. દરમિયાન મુકેશ અંબાણીએ કિશોર બિયાની સાથે સોદો કરીને બિગ બાઝારનો બિઝનેસ ૨૪,૭૧૩ કરોડમાં ખરીદી લીધો હતો. હવે ભારતની ભૂમિ પર રિલાયન્સ અને એમેઝોન વચ્ચે ખુલ્લાં યુદ્ધની ભૂમિકા ઊભી થઈ ગઈ છે. વર્તમાનમાં ઇ-કોમર્સના ક્ષેત્રમાં એમેઝોન કંપની ટોચ ઉપર છે, પણ રિલાયન્સે તેને પડકાર ફેંક્યો છે. રિલાયન્સ રિટેઈલના ક્ષેત્રની ટોચની કંપની બની ગઈ છે. મોબાઇલના ડેટાના ક્ષેત્રમાં તે ટોચ ઉપર છે. જો આ બંને નેટવર્કનો તેઓ ખૂબીપૂર્વક ઉપયોગ કરે તો રિલાયન્સ કંપની એમેઝોનને પછાડીને ઈ-કોમર્સના ક્ષેત્રમાં પણ નંબર વન બની શકે તેમ છે.

આવું ન બને તે માટે જ કદાચ એમેઝોન કંપનીએ ફ્યુચર ગ્રુપના રિલાયન્સ સાથેના સોદાને સિંગાપોરની કોર્ટમાં પડકાર્યો છે. એવું લાગે છે કે એમેઝોન કંપનીને ભારતની કોર્ટો પર વિશ્વાસ નથી. કદાચ તેમને મુકેશ અંબાણીની ભારતમાં વગ ઉપર વિશ્વાસ છે, માટે તેમણે ભારતની કોર્ટને બદલે સિંગાપોરમાં કેસ કર્યો છે. ઇન્ટરનેશનલ કાયદાઓ જોતાં એમેઝોન કંપની રિલાયન્સનું બહુ બગાડી શકે તેમ નથી. કદાચ એમેઝોન કંપની રિલાયન્સ ગ્રુપ સામે લડવાને બદલે તેની સાથે ભાગીદારી કરી લેશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts