યુએન દ્વારા સોમવારે ૧૧ જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિન નિમિત્તે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ દરમ્યાન વિશ્વની વસ્તી વધીને આઠ અબજ થઇ જશે. આ અહેવાલ જણાવે છે કે ૧૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ વિશ્વની વસ્તી આઠ અબજ પર પહોંચી જશે. જો કે સ્વાભાવિક રીતે આ તારીખે એક પ્રતિકાત્મક છે, બરાબર આ જ દિવસે વિશ્વની વસ્તી આઠ અબજને વટાવશે એવું નથી, તેના થોડા દિવસ પહેલા કે પછી પણ દુનિયાની વસ્તી આઠ અબજ પર પહોંચી શકે છે, પરંતુ અહીં નોંધપાત્ર બાબત એ છે કે ચાલુ વર્ષ દરમ્યાન વિશ્વની વસ્તી આઠ અબજના મનોવૈજ્ઞાનિક આંક પર પહોંચી જશે.
આ અહેવાલામાં આપણા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં આગાહી કરવામાં આવી છે કે આવતા વર્ષ એટલે કે ૨૦૨૩ દરમ્યાન ચીનને વટાવીને ભારત વિશ્નનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. હાલમાં ચીન એ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે જેની વસ્તી હાલમાં ૧.૪૨૬ અબજ જેટલી છે જ્યારે ભારતમાં હાલમાં વસ્તી ૧.૪૧૨ અબજ છે. આવતા વર્ષ દરમ્યાન ભારત ચીનને વટાવીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.
ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેકટસ ૨૦૨૨ નામના આ અહેવાલમાં વૈશ્વિક વસ્તીની અને વિશ્વના જુદા જુદા પ્રદેશોની વસ્તીની અને તેની વધઘટની તરાહની ઘણી રસપ્રદ માહિતી આપવામાં આવી છે જે મુજબ વિશ્વની વસ્તીની વૃદ્ધિ ૧૯પ૦થી ધીમી પડી છે અને હાલ ૨૦૨૦માં તો વિશ્વનો વસ્તી વૃદ્ધિ દર એક ટકાની નીચે જતો રહ્યો છે. જો કે અગાઉ ઘણી વસ્તી વધી ગઇ હોવાથી આટલી ધીમી ગતિએ પણ વસ્તીમાં વધારો થવા છતાં વસ્તીના પ્રમાણમાં મોટો વધારો થતો રહે છે. આમાં સૌથી ચિંતાજનક સ્થિતિ એવા દેશોમાં છે જેમના માટે વધતી જતી વસ્તીની સાથે અનેક સમસ્યાઓ પણ વધતી જાય છે અને ભારતનો સમાવેશ આવા દેશોમાં થાય છે.
દુનિયામાં વસ્તીની વહેંચણી ઘણી અસમાન રીતે થઇ છે. સંયુક્ત રાષ્ટ્રો(યુએન)ના આર્થક અને સામાજીક બાબતોના વિભાગના વસ્તી ડિવિઝન દ્વારા તૈયાર કરવમાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની વસ્તી ૨૦૩૦માં ૮.પ અબજની આસપાસ થશે, ૨૦પ૦માં ૯.૭ અબજ થશે અને છેક ૨૦૮૦માં તે ૧૦.૪ અબજ થશે જે તેની ટોચ હશે, ૨૧૦૦ સુધી વિશ્વની વસ્તી આ જ સ્તરે રહીને બાદમાં ઘટવા માંડશે એવો અંદાજ છે. વિશ્વમાં હાલમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો પૂર્વ અને દક્ષિણ એશિયાના પ્રદેશો છે જેમાં ચીન અને ભારત આવી જાય છે. ચીનની વસ્તીમાં ઘટાડો થવા જઇ રહ્યો છે અને તે હવે વસ્તી ઘટતી રોકવા માટેના પ્રયાસો કરે છે, ઘટતી જતી વસ્તીના કારણે ચીનમાં યુવા કામદારોની અછત જેવી સમસ્યાઓ ઉભી થાય તેમ છે જેની અગાઉ અહીં ચર્ચા થઇ ચુકી છે.
ચીન અને ભારતમાં વસ્તીની બાબતમાં મોટો તફાવત એ છે કે ચીનની પાસે અતિ વિશાળ જમીન વિસ્તાર છે જ્યારે ભારત પાસે તેની વિશાળ વસ્તીની સરખામણીમાં જમીન વિસ્તાર ઓછો છે અને તેથી ભારત માટે વસ્તી વૃદ્ધિની સાથે રહેઠાણ, ખેતી અને વિવિધ સ્ત્રોતોની ઉપલબ્ધિની સમસ્યા વકરતી જાય છે. બેરોજગારીની સમસ્યા વકરવા પાછળનું પણ એક કારણ ભારતની ખૂબ વિશાળ વસ્તી અને તેની સામે રોજગારીની ઓછી તકો છે.
ચીનમાં રોજગારીની વિપુલ તકો છે તેવું ભારતમાં નથી. આજે આપણે જોઇએ છીએ કે ગરીબ તો શું પરંતુ મધ્યમ વર્ગ માટે પણ ભારતમાં મકાન ખરીદવું એ હવે ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે અને તેનું કારણ આ વસ્તી વૃદ્ધિ જ છે. વધતી જતી વસ્તીની સામે મકાનો, આહાર વગેરેનો પુરવઠો ટાંચો પડતો જાય છે અને તેથી ભારતે વસ્તી નિયંત્રણ માટેના તેના પ્રયાસો ચાલુ જ રાખવા પડશે અને હાલમાં નજીકના ભવિષ્યમાં જે વસ્તી વધારો થવા જઇ રહ્યો છે તે માટે પુરતી તૈયારીઓ કરવી પડશે.
