BCCI પર IPL રદ કરવાનું દબાણ વધ્યું

નવી દિલ્હી, તા. 26 : દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાબતે હાલ બીસીસીઆઇ અનિર્ણાયકતાની સ્થિતિમાં છે. એક તરફ ટોક્યો ઓલિમ્પિક્સ સહિતના ઘણાં રમત આયોજનો હાલની કોવિડ -19ને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ભોગ બની ચુક્યા છે, ત્યારે બીસીસીઆઇ હજુ પણ એવી આશા રાખીને બેઠું છે કે કદાચ સ્થિતિ સુધરશે અને તેના કારણે આઇપીએલ રમાડી શકાશે. જો કે હાલની સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો બીસીસીઆઇને આશા રાખીને બેઠું છે તે સાવ વાંઝણી પુરવાર થવાની સંભાવના વધુ છે. અલગઅલગ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલ રદ કરવા મામલે પોતાનો મત દર્શાવતા બીસીસીઆઇ પર દબાણ તો વધી જ ગયું છે, પણ તે છતાં તેઓ નિર્ણય શક્તિ ગુમાવી બેઠા હોય તેવું વર્તન કરી રહ્યા છે.

પીએમ મોદીએ જ્યારે 21 દિવસના લોકડાઉન પીરિયડને જાહેર કર્યો તેની સાથે જ બીસીસીઆઇએ સ્વીકારી લેવાની જરૂર હતી કે હવે આઇપીએલ રમાડી શકાય તેવી સંભાવના નથી, જો કે હજુ પણ બીસીસીઆઇના ટોચના અધિકારીઓમાંથી કેટલાક એવું માનીને બેઠા છે કે લોકડાઉન પીરિયડ પુરો થાય તે પછીની સ્થિતિને ધ્યાને લઇને આ મામલે નિર્ણય કરવો યોગ્ય ગણાશે. જો કે તે નરી મુર્ખાઇ સિવાય બીજું કંઇ નથી.

એ ઉલ્લેખનીય છે કે વિવિધ ફ્રેન્ચાઇઝી માલિકોએ બીસીસીઆઇને હાલની સીઝન પડતી મુકવાની રજૂઆત કરી દીધી છે, ત્યારે તેઓ હજુ શેની રાહ જુએ છે તે સમજાતુ નથી. કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયા આ બાબતે એકદમ સ્પષ્ટ જણાયા હતા. વાડિયાએ બુધવારે જ કહ્યું હતું કે બીસીસીઆઇએ હકીકતમાં આઇપીએલ સ્થગિત કરી દેવાનો વિચાર કરવો જોઇએ. એક મોટા રમત આયોજન તરીકે આપણે મોટી જવાબદારી સાથે કામ કરવાની જરૂર હોય છે. તેમણે સવાલ કર્યો હતો કે મે સુધીમાં સ્થિતિમાં સુધારો થશે અને મને આશા પણ છે કે એવું થશે, તો પણ આપણી પાસે કેટલો સમય બચશે. શું ત્યારે વિદેશી ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની છૂટ મળી ગઇ હશે. આ તમામ બાબતો છતાં બીસીસીઆઇના ટોચના અઘિકારીઓ વાત સમજવા રાજી નથી અને તેની પાછળનું કારણ સમજાતું નથી.

Related Posts