ઢાકા: બાંગ્લાદેશમાં સૈન્ય સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ પીએમ શેખ હસીનાના નજીકના સાથી મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ આર્મીના ટોપ રેન્કમાં આ ફેરબદલ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેમૂદ શેખ હસીનાની સરકારમાં મંત્રી હતા.
બાંગ્લાદેશ મીડિયાને ટાંકીને મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા છે. અહીં સેનાના 7 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલ આલમની વિદેશ મંત્રાલયમાં બદલી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ મુજીબુર રહેમાનની બદલી જનરલ ઓફિસર કમાન્ડિંગ, આર્મી ટ્રેનિંગ અને ડોક્ટ્રિન કમાન્ડ તરીકે કરવામાં આવી હતી.
લેફ્ટનન્ટ જનરલ અહેમદ તબરેઝ શમ્સ ચૌધરીને ક્વાર્ટર માસ્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મિઝાનુર રહેમાન શમીમ ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ બન્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ શાહીનુલ હકને NDCના કમાન્ડન્ટ તરીકે અને મેજર જનરલ ASN રિઝવાનુર રહેમાનને NTMCના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની એરપોર્ટ પરથી ધરપકડ
બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેમૂદ શેખ હસીનાની સરકારમાં મંત્રી હતા. આ પહેલા અવામી લીગના પૂર્વ મંત્રી જુનૈદ અહેમદ પલકને ઢાકાના શાહજલાલ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જુનૈદ બાંગ્લાદેશથી ભારત આવવાની યોજના બનાવી રહ્યા હતા. જુનૈદને જ્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારે તે ભારતની ફ્લાઈટમાં ચઢવા એરપોર્ટ ગયા હતા.