નવી દિલ્હીઃ આજે સુપર ૧૨ રાઉન્ડના ગ્રુપ વનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ (Australia England match cancelld due to rain) રમાનારી હતી તે વરસાદના લીધે રદ કરવામાં આવી છે. આ મેચ ખૂબ જ મહત્ત્વની હતી. આ મેચની વિજેતા ટીમની સેમિફાઈનલ માટેની દાવેદારી મજબૂત બનતે, પરંતુ વરસાદના લીધે મેચ રદ થતાં બંને ટીમોને નિયમ મુજબ ૧-૧ પોઈન્ટની સરખે ભાગે વહેંચણી કરવામાં આવી છે.
ભારે વરસાદના લીધે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ નિર્ણાયક મેચને ટોસ વિના જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને ટીમોને ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં ગ્રુપ વનમાં સેમિફાઈનલમાં પહોંચવાની રેસ વધુ રોમાંચક બની ગઈ છે.
ગ્રુપ વનમાં ન્યૂઝીલેન્ડની ટીમ બે મેચમાં ૩ અંક સાથે ટોપ પર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ મેચમાં ૩ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે, જ્યારે આયરલેન્ડની ટીમ ૩ મેચમાં ૩ પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારા રન રેટના લીધે ત્રીજા સ્થાન પર છે. જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયના ત્રણ મેચમાં ૩ જ અંક છે. ઓસ્ટ્રેલિયા પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. જ્યારે આ મેચ રદ થઈ છે, તેથી ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી છે. ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાન પર છે. શ્રીલંકા બે મેચમાં ૨ પોઈન્ટ મેળવી પાંચમા સ્થાન પર છે. જોકે, શ્રીલંકાનો રન રેટ ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ ત્રણેય કરતા વધુ સારો છે. જો હવે શ્રીલંકા એક મેચ જીતે છે તો તે સીધા ટોપ પર પહોંચી જશે. અફઘાનિસ્તાનની ટીમ ૩ મેચમાં ૨ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે.
તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની આગલી મેચ ૨૯ ઓક્ટોબરે શ્રીલંકા સાથે છે. આ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે. ન્યૂઝીલેન્ડની ટીમ જીતશે તો તે પહેલાં સ્થાન પર વધુ મજબૂત બનશે, જ્યારે શ્રીલંકાની ટીમ જીતી તો તે પહેલાં સ્થાન પર પહોંચશે. જો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મેચમાં વરસાદ પડશે તો બંને ટીમને ૧-૧ પોઈન્ટ મળશે. તેવી સ્થિતિમાં શ્રીલંકા બીજા સ્થાન પર પહોંચશે. ઓસ્ટ્રેલિયની આગલી મેચ ૩૧ ઓક્ટોબરે આયરલેન્ડ સાથે રમવાની છે.