લગ્ન પછી પતિ સાથેનું જીવન કેવું હશે એની કલ્પનાઓ તો દરેક યુવતી કરતી હશે, પણ કોઈની કલ્પના સો ટકા સાકાર થઈ નથી. મોટા ભાગે યુવક-યુવતીઓ લગ્નસંબંધમાં થોડુંઘણું સમાધાન કરીને સંબંધ ટકાવી જ લેતા હોય છે, પણ અમેરિકામામાં રહેતા કૅસી નામનાં બહેન તેમને જોઈતા મિસ્ટર રાઇટને મેળવવા માટે એટલા ચીકણા છે કે એક પછી એક તેઓ લગ્ન કરતાં ગયાં અને ન ફાવ્યું તો છૂટાં પણ પડતાં ગયાં. હાલમાં તેઓ દસમા પતિ સાથે લગ્નજીવન વિતાવી રહ્યા છે, પણ એમાંય તેમને ફાવતું નથી એટલે દસમી વાર ડિવોર્સ લેવાનાં છે. હજી નવાઈની વાત એ છે કે દસ-દસ વાર સંબંધમાં નિષ્ફળતા મળ્યા છતાં બહેનને અગિયારમા લગ્ન કરવાં છે. તેમના સૌથી લાંબાં લગ્ન આઠ વર્ષ ટકેલાં અને સૌથી ટૂંકાં લગ્ન છ મહિનામાં જ અંત પામ્યા હતા. હાલમાં ૫૬ વર્ષનાં કૅસીને દસ લગ્ન તૂટ્યાં હોવાનો નથી કોઈ રંજ, નથી કોઈ દુખ. તેઓ તો માત્ર પોતાનો મિસ્ટર રાઇટ મળે અેની આશામાં હજીયે લગ્ન કરવા માગે જ છે.
બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!
ઇન્ટરનેટ પર એક યુવતીએ અજબ વિડિયો મૂક્યો છે. લાલચટક હોઠની હોંશ પૂરી કરવા માટે બ્રાયન ક્રિશ્ચિયન નામની યુવતીએ ૪૩ સેકન્ડનો એક વિડિયો ટ્વિટર પર મૂક્યો છે, જે જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડિયોને જોકે અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. આ બહેન મેકઅપ સાથે વિવિધ અખતરા કરવાનાં શોખીન છે. તે વારંવાર અવનવા અખતરાઓ કરીને ઇન્ટરનેટ પર વિડિયો મૂકતી રહેતી હોય છે. આ વખતે તેને હોઠની કુદરતી લાલાશ માટે મેંદી લગાવવાનો તુક્કો સૂઝ્યો અને તેણે એ અમલમાં પણ મૂક્યો. મેંદીના કોનમાંથી લાલ મેંદી કાઢીને બ્રશની મદદથી હોઠ પર લગાવી દીધી. એ પછી એક કલાક સુધી રાખ્યા પછી પાણી વિના જ કાઢી. એને કારણે હોઠ રંગાઈ ગયા. આ મેંદીનો રંગ કેટલાય દિવસ સુધી તેના હોઠ પર રહ્યો હશે.
ગર્લફ્રેન્ડ BFને જીવતેજીવ બર્થડે પાર્ટીમાં આપ્યું ફ્યુનરલનું સરપ્રાઇઝ
કોઈ જીવતે જગતિયું કરવાની પરંપરા ભારતમાં ઘણી સંસ્કૃતિઓમાં છે, પણ જીવતેજીવ કોઈને તેનું ફ્યુનરલ અટેન્ટ કરવાની સરપ્રાઇઝ આપીએ તો શું થાય? એમાંય તમારી બર્થડેના દિવસે ગર્લફ્રેન્ડ તમારું ફ્યુનરલ યોજે તો-તો આવી જ બનેને? જોકે બ્રિટનના સ્કાયલર નામના ભાઈને તેમની ૩૩મી વર્ષગાંઠ વખતે ગર્લફ્રેન્ડ એલી મૅકકૅન દ્વારા જબરી સરપ્રાઇઝ મળી હતી. સામાન્ય રીતે જન્મદિવસની પાર્ટીમાં કેક, બલૂન્સ, ગેમ્સ અને લાઉડ મ્યુઝિક સાથે મસ્તી થતી જોવા મળે છે, પણ એલીએ તેના બૉયફ્રેન્ડને તેનું જ ફ્યુનરલ અટેન્ડ કરવાની સરપ્રાઇઝ આપી હતી. સામાન્ય રીતે સ્વજનના મૃત્યુ બાદ લોકો તેના વિશે સારું-સારું બોલતા હોય છે જે આપણને કદી જીવતેજીવ સાંભળવા મળતું જ નથી. એલીએ સ્કાયલરના તમામ ફ્રેન્ડ્સને શોકસભામાં આવતા હોય એવા કપડાં પહેરીને આવવા જણાવેલું. વચ્ચે નકલી કૉફિન પણ મૂકવામાં આવેલું. ડીમ લાઇટ અને ડલ વાતાવરણમાં મિત્રો જાણે સ્કાયલર આ દુનિયામાં રહ્યો નથી એમ વર્તી રહ્યા હતા. સ્કાયલરને પણ કહેવામાં આવેલું કે તું જાણે ભૂત થઈને આ માહોલમાં ફરી રહ્યો હોય એમ તારે એ ઘટનાને વીટનેસ કરવાની છે. પોતાના મૃત્યુ બાદ મિત્રો અને સ્વજનો કેવું રીઍક્ટ કરશે, કેવું રડશે, શું બોલશે એ બધું જ નજરાનજર જોઈને સ્કાયલરભાઈ પણ ગદગદ થઈ ગયા.