Comments

ચૂંટણી સમયે શિક્ષણ અને વહીવટને અસર થાય છે તેનો વિચાર કરવો જરૂરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. હવે ચૂંટણી  સંબંધિત પ્રક્રિયાને થોડો આરામ મળશે. આચાર સંહિતાને કારણે કેટલાંક કામો  શરૂ થશે અને ખાસ તો સરકારી વહીવટીય શાખાઓ પુન: ધમધમતી થશે.

સ્વતંત્રતાનાં લગભગ 75 વર્ષ પછી પણ આપણી ચૂંટણી પ્રક્રિયામાં મોટાં  પરિવર્તનો આવ્યાં નથી. કોમ્યુટરાઈઝેશન અને ડીજીટલાયઝેશનના જમાનામાં  હવે ચૂંટણી પ્રક્રિયાને પણ સરળ અને ઝડપી બનાવવી જરૂરી છે. આટલા  વર્ષના અનુભવે જે જે બાબતો સમજાઈ હોય તેના વ્યાવહારિક ઉકેલ લાવવા  જોઈએ.

ભારતના બંધારણ મુજબ ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે. પરંતુ વ્યવહારમાં  માત્ર ઉપલા લેવલે તેની પાસે સ્વતંત્ર વહીવટકર્તાઓ છે. નીચેના લેવલે તો  આપણા મહેસુલી વિભાગના વહીવટીતંત્રને જ ચૂંટણીની કામગીરી કરવાની  થાય છે. એટલે આપણી પાસે કેન્દ્રમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને આયોગની  ઓફીસ તથા તેના કર્મચારીઓ છે.

રાજ્ય કક્ષાની ઓફિસમાં તેનું કાયમી ધોરણે  કામ કરતા કર્મચારીઓ છે, પણ ચૂંટણીની મૂળભૂત જમીની કામગીરી કરનારા  કર્મચારીઓ હોતા નથી. જ્યારે જ્યારે ચૂંટણી કામગીરી આવે ત્યારે ત્યારે  હંગામી ધોરણે આ કામગીરી કરનારા કર્મચારીઓની નિમણૂક થાય છે અને  આમાં ખાસ તો આપણા મહેસુલ વિભાગના કર્મચારીઓ જ નિમણૂક પામે છે  પછી મહેસુલી કર્મચારીઓ સહાયક કામગીરી માટે અન્ય કર્મચારીઓની  નિમણૂક કરે છે જેમાં મોટે ભાગે શિક્ષકો હોય છે.

ચૂંટણીના દિવસની  કામગીરી માટે બેંક, એલ.આઈ.સી, જી.ઈ.બી, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના બોર્ડ  નિગમના કર્મચારીઓ નિમણૂક પામે છે. આ તમામમાં મહેસુલી કર્મચારી અને  શિક્ષકોની કામગીરી વધારે હોય છે, જ્યારે અન્યની એક-બે દિવસ પૂરતી  મર્યાદિત હોય છે.

પહેલાં પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે જ મતદારયાદી તૈયાર કરવી, બૂથ નક્કી  કરવા અને ચૂંટણી યોજવી એ કાર્યક્રમ થતો. 1986 સુધી દેશમાં શિક્ષિત વસ્તી  માત્ર 36% હતી. એટલે સ્વાભાવિકપણે જ તમામ ઉચ્ચ શિક્ષાપ્રાપ્ત લોકો  એક યા બીજી સરકારી નોકરી કરતા. ખાનગી ક્ષેત્ર આમ પણ ન હતું! માટે  ચૂંટણીની ચિવટભરી અને શિક્ષણની જરૂરિયાત માંગી લે તેવી જવાબદારીવાળી કામગીરી માટે સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓને જ કામગીરી  આપવી પડે તે સ્વાભાવિક હતું!

અને ચૂંટણીની કામગીરી માટે અવ્યવસ્થા ન  થાય તે હેતુથી ચૂંટણી પંચની કામગીરી ફરજીયાત કરી. ચૂંટણી પંચને કામગીરી  સરળતાથી પતાવી શકે માટે અમર્યાદ સત્તાઓ આપવામાં આવી. ચૂંટણીપંચે  આ જ સત્તાઓ ચૂંટણીની કામગીરી બજાવતા મહેસુલી, વહીવટીય  અધિકારીઓને આપી એટલે તાલુકા-જિલ્લા લેવલે ચૂંટણીની વહીવટીય  કામગીરી કરતા મામલતદાર કે કલેક્ટર પણ ચૂંટણી અધિકારી તરીકે અમર્યાદ  સત્તા ભોગવતા થયા.

હવે ચૂંટણી કામગીરી સતત થઈ ગઈ છે. ચૂંટણી પંચ સક્રિય થઈ ગયું છે.  મતદારયાદી અપડેટ કરવાની, મતદાતા કાર્ડ તૈયાર કરવાના, આ બધું જ હવે  કમ્પ્યુટરાઈઝ છે જે સતત અપડેટ કરતાં રહેવું પડે. હાલમાં ચૂંટણી પંચ વતી આ  કામગીરી મામલતદાર કચેરીમાં થાય છે અને બૂથ લેવલે સરકારી પ્રાથમિક  શિક્ષકો કામ કરે છે. હવે સામાન્ય નાગરિકને ભલે એમ હોય કે ચૂંટણી પતી  ગઈ.

પણ ના, હવે થોડા જ મહિનામાં વર્ષ 22 ની ચૂંટણીની તૈયારી શરૂ થશે.  રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત નહિ કરી હોય એ પહેલાં પ્રાથમિક  શિક્ષકો ઘરે ઘરે જઈ મતદારયાદી સુધારશે. બૂથ લેવલ ઓફીસર જેને ટૂંકમાં  બી.એલ.ઓ. કહે છે તે મતદારયાદી સુધારણા માટે બુથ ઉપર શનિ-રવિમાં  કામગીરી બજાવશે. ચૂંટણીના છ મહિના પહેલાં જ અન્ય લોકો પણ  કામગીરીમાં લાગશે. એટલે વળી પાછી મામલતદાર કચેરી અને પ્રાથમિક  શિક્ષણ ચૂંટણી કામગીરીમાં પરોવાતા તેની રોજિંદી કામગીરીને અસર થશે.

ભારતમાં હવે શિક્ષણ 80% પહોંચશે. ભારતમાં હવે ગ્રેજ્યુએટ બેકાર  યુવાનોની કરોડોમાં સંખ્યા છે. હવે સમય પાકી ગયો છે કે સરકાર વસ્તીગણતરી, ચૂંટણી કામગીરી, પોલિયોનાં ટીપાં પીવડાવવાં કે કોરોના જેવી  મહામારીમાં મોટા પાયે સેવાની કામગીરી માટે હંગામી વર્કફોર્સ ઊભો કરે.જ્યાં  જરૂર હોય ત્યાં કાયમી ધોરણે ચૂંટણી વહીવટીય અધિકારીઓની નિમણૂક કરે.  જો આવું થશે તો જ મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી કે પ્રાથમિક શિક્ષણ  અંતરાય વગર પોતાનું મૂળ કામ કરી શકશે!

જરા વિચારો, બે દિવસ બેંક બંધ રહેશે તો દેશને કેટલા કરોડનું નુકસાન થશે  તે સમાચાર છાપાવાળો છાપે છે. પણ આ જ મીડિયા બેંકના તમામ  કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જવાથી બેંક બંધ રહે તે વાતની નોંધ સુધ્ધાં  લેતાં નથી. આવું તમામ કચેરીઓમાં થાય છે. કેટલાક તો આનો ગેરલાભ પણ  લે છે.

‘‘ચૂંટણી પતે પછી’’-ના નામે ઘણાં કામ પાછાં ઠેલાય છે. માટે સરકાર  હવે આ કામગીરી માટે બેકાર યુવાધનને શિક્ષિત યુવાનોને કામે લગાડે તે  જરૂરી છે.

            લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top