Business

બાળકોને શારીરિક શિક્ષા કરાય?

શાળામાં વિદ્યાર્થીઓના હિતમાં, તેને જીવનના પાઠો શીખવવાના ભાગ રૂપે કરાતી શારીરિક શિક્ષાને યોગ્ય ઠેરવતો બોમ્બે હાઇકોર્ટે આપેલો ચુકાદો વિચાર માંગી લે એવો છે. સોટી વાગે ચમચમ..નો યુગ હવે રહ્યો નથી એ હકીકતની વચ્ચે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનું, શીખવવાનું કામ શિક્ષકો માટે કપરું થઈ ગયું છે. હળવા પ્રકારની શિક્ષા કરતા પણ શિક્ષકો ડરે છે. વાલી ટોળું લઈને શાળામાં ધસી આવે કે કાયદાનો સહારો લઈ શિક્ષક પર કેસ કરે, શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરાય વગેરે કિસ્સાઓ અવારનવાર વાંચવા- સાંભળવા મળે છે.

આજથી 30-40 વર્ષ પૂર્વે શિક્ષકે કોઈ શિક્ષા કરી હોય તો બાળક ઘરે આવીને વાલીને કહેતા ડરતું કારણ કે વાલી શિક્ષકના વર્તનને યોગ્ય ઠેરવી બાળકને જ જવાબદાર ઠેરવતા. સમય જતાં પરિસ્થિતિ, વાતાવરણ, કાયદા, વાલી અને વિદ્યાર્થીઓના મનોવલણો બદલાતા ગયા. શિક્ષકનો અભિગમ પણ બદલાયો છે. ઘણીવાર ઘર કે નોકરીના સ્ટ્રેસનો ભોગ બાળક બનતું હોય એમ પણ જોવા મળે છે. બાળકને શારીરિક શિક્ષા કરવી એ હવે ગુનો ગણાય છે. બોમ્બે હાઇકોર્ટના ચુકાદા પછી પણ કેવા સંજોગીમાં, કેટલી અને કેવા પ્રકારની શિક્ષા માન્ય ગણાય એ લાંબી ચર્ચાનો, ચિંતનનો મુદ્દો છે. આ માટે શિક્ષણવિદો તથા બાળ મનોવિજ્ઞાનીઓનું માર્ગદર્શન લઈ દેશભરમાં સમાન કાયદો ઘડવાની આવશ્યકતા રહે છે. અપવાદ બાદ કરતાં શિક્ષકો બાળકના હિતમાં જ તેને ઠપકો કે હળવી શિક્ષા કરતા હોય છે ત્યારે આ બાબતે વાલીઓએ પણ સમજ કેળવવાની જરૂર રહે છે.
સુરત     – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નિષ્ણાત ડોકટરોના અભાવમાં દેશમાં માંદગી છે, મૃત્યુ છે
રૂરલ હેલ્થ સ્ટેટેટિકસ ૨૦૨૧-૨૨ ના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશના ૨૫ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારી હોસ્પિટલોમાં ૭૦ ટકાથી વધુ નિષ્ણાંત ડોકટરોની  અછત છે. મધ્યપ્રદેશમાં ૯૫ ટકા, ગુજરાતમાં ૯૦ ટકા, રાજસ્થાનમાં ૭૯ ટકા, ઉત્તર પ્રદેશમાં  ૭૨ ટકા, બિહારમાં ૭૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૭૦ ટકા જેટલા સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંત ડોકટરોની ઉણપ છે. જયારે કેરળમાં ૯૪.૨૧ ટકા, બંગાળમાં ૯૩.૦૩ ટકા અને તામિલનાડુમાં ૮૩.૮૩ ટકા જગ્યા ખાલી પડેલી છે. બીજી તરફ મિઝોરમ, સિક્કીમ, દિવ-દમણ અને પોંડિચેરીમાં એક પણ નિષ્ણાંત ડોકટર જ નથી. 

પ્રજાને માટે આરોગ્ય એ પ્રાથમિક જરૂરિયાત છે અને સરકારની પણ પ્રથમ નૈતિક ફરજ બની રહે છે. કે પ્રજાના આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી અર્થે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત ડોકટરો પૂરા પાડે. પરંતુ દેશના આટલા બધાં રાજયોમાં આટલા મોટા પ્રમાણમાં નિષ્ણાંત ડોકટરોની ઉણપ (અછત) છે તે એક ખૂબ જ ગંભીર અને ગહન ચિંતાનો વિષય છે. સરકારે પ્રજાના આરોગ્ય અને તંદુરસ્તીની બાબતને અગ્રતા આપી તાકીદે જે તે રાજયોમાં નિષ્ણાંત ડોકટરોની ઊણપ છે, તે દૂર કરવા પગલાં લે, અને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં નિષ્ણાત ડોકટરો પૂરા પાડે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top