ચમચા ચિંતકોની ચિંતા વિષે ચિંતન

આપણા દેશના કેટલાંક લેખકો, કવિઓ, કટારલેખકો, પત્રકારો અને પ્રવચનકારો વર્તમાન કેન્દ્ર સરકારની અને તેના નેતાઓની સતત ચમચાગીરી કરતાં રહે છે. આ ચમચાચિંતકો એવો દાવો કરતાં રહે છે કે વર્તમાન સરકારના વરિષ્ઠ નેતાઓ ભારતને વિશ્વગુરુ બનાવીને જ જંપશે. અલબત્ત આ ચમચા ચિંતકોની આવી આશામાં આપણે પણ સામેલ છીએ. કારણ કે ભારત વિશ્વ ગુરુ બને એનાથી વિશેષ આનંદ અને ગૌરવની વાત આપણા માટે બીજી કઇ હોઇ શકે? પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ ચમચાચિંતકોને ભારતને વિશ્વગુરુ બનાવવાની આટલી બધી ઉતાવળ અને ચિંતા શા માટે છે?

શું ભારત વિશ્વગુરુ બનશે તો જ તેની પ્રજાનું વર્ણ અને જાતિનું મિથ્યાભિમાન, ઊંચનીચભેદ અને અશ્પૃશ્યતા નાબૂદ થશે? શું ભારત વિશ્વગુરુ બનશે તો જ તેની પ્રજામાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, બળાત્કાર, ભય, ભૂખ અને ગરીબી નાબૂદ થશે? શું ભારત વિશ્વગુરુ બનશે પછી જ ભારતની પ્રજામાંથી અપ્રમાણિકતા, ચોરી, ભેળસેળ, નકલખોરી, નફાખોરી, કરચોરી અને વીજચોરી નાબૂદ થશે?

શું ભારત વિશ્વગુરુ બનશે તો જ ભારતની પ્રજામાં માણસાઇ, પ્રેમ સમાનતા, સહોદરભાવ અને સહિષ્ણુતા આવશે? જો ભારત વિશ્વગુરુ બન્યા પછી આ બધું આપણામાં આવી જવાનું હોય તો જ આપણે વિશ્વગુરુ બની જવાની ઉતાવળ કરવી જોઇએ ને? જો વિશ્વગુરુ બની ગયાં પછી પણ આપણામાં દૂષણો રહેવાના જ હોય તો આપણે વિશ્વગુરુ બનીએ કે ન બનીએ તેનાથી શો ફેર પડી જાય છે? એ સંજોગોમાં આ ચમચાચિંતકો વિશ્વગુરુનો વ્યર્થ ગોકીરો શા માટે મચાવી રહ્યાં છે? સમાચાર છે કે આપણા કોઇક ચમચાચિંતકે આપણા કોઇક રાજનેતાને પોતાની કલમ વડે ગાંધીજી જેવા બનાવી દીધા છે.

 વાસ્તવમાં એમાં ગાંધીજીનું અપમાન છે, એની ખબર આ ચમચાચિંતકને ન હોઇ શકે. કારણકે એનામાં સદ્‌બુદ્ધિ હોય તો એ ચમચાગીરી કરે જ નહીં ને? તાત્પર્ય એ છે કે આપણા કોઇ નેતા જો ગાંધીજી જેવા છે એવું કોઇ કહે તો એનો અર્થ તો એમ થાય કે આજના આ નેતાઓની જેમ જ ગાંધીજીની આજુબાજુ પણ ચમચાચિંતકોની મોટી ફોજ હતી.

કડોદ      – એન.વી. ચાવડા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts