કોવિડ-૧૯નો ચેપ અટકાવતી એન્ટીબોડી શોધી કાઢી હોવાનો અમેરિકન બાયોટેક કંપનીનો દાવો

કેલિફોર્નિયા ખાતે આવેલી એક બાયોટેક કંપનીએ દાવો કર્યો છે કે પોતે એક એન્ટિબોડી શોધી કાઢી છે જે વ્યક્તિના શરીરમાં કોરોનાવાયરસનો ચેપ પ્રવેશતો ખાતરીપૂર્વક અટકાવી શકે છે અને રસી શોધાય તે પહેલા આ એન્ટિબોડીનો ઉપયોગ કરી શકાય તેમ છે.

કેલિફોર્નિયાના સાન ડિયેગો ખાતે આવેલી સોરેન્ટો થેરાપેટિક્સ નામની આ બાયોટેક કંપનીના સંશોધકોના દાવા પ્રમાણે તેમણે શોધેલ STI-1499 નામની એન્ટિબોડી તંદુરસ્ત માનવ કોષમાં કોરોનાવાયરસને ૧૦૦ ટકા પ્રવેશતો અટકાવી શકે છે. રસી શોધાય તેના મહિનાઓ પહેલા આ એન્ટિબોડીનો ઉપયોગ કરી શકાય છે. એક અખબારી યાદીમાં સોરેન્ટો કંપનીએ જણાવ્યું હતું કે તે મહિને ૨૦૦૦૦૦ સુધીના એન્ટિબોડીના ડોઝ તૈયાર કરી શકે છે. તેની ઉત્પાદનની ટાઇમ લાઇન જોતા લાગે છે કે કોવિડ-૧૯ની રસી શોધાવાની અપેક્ષા છે તેના મહિનાઓ પહેલા આ દવા ઉપલબ્ધ થઇ શકે છે. આ કંપનીએ પોતાની આ નવી દવાને માટે મંજૂરી મેળવવા અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(એફડીએ) પાસેથી તાકીદની મંજૂરી માગી છે, જો કે હજી સુધી તેને પરવાનગી મળી નથી. અને નોંઘપાત્ર વાત એ છે કે આ જાહેરાત કરાયા બાદ આ કંપનીનો શેર ૨૨૦ ટકા જેટલો ઉછળ્યો છે.

અમે ભારપૂર્વક કહેવા માગીઅે છીએ કે ઉપાય મળી ગયો છે. એમ સોરેન્ટોના સીઇઓ ડો. હેન્ની જીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું. આ એવો ઉપાય છે જે ૧૦૦ ટકા કામ કરે છે એમ તેમણે કહ્યું હતું. જો તમારા શરીરમાં વાયરસને નિષ્ક્રીય કરી દેતી એન્ટિબોડી હોય તો તમારે સોશ્યલ ડિસટન્સ જાળવવાની કાળજી રાખવાની પણ જરૂર નથી એમ તેમણે જણાવ્યું હતું. આ અેન્ટિબોડી સાર્સ કોવ-ટુ વાયરસને માણસના શરીરના કોષમાં પ્રવેશતા જ અટકાવી દે છે અને વાયરસને જકડી લે છે. જો વાયરસ કોષમાં પ્રવેશી શકે નહીં તો તે નાશ પામે છે અને આ રીતે આ દવા વાયરસને નષ્ટ પણ કરી નાખે છે એ મુજબ કંપનીએ જણાવ્યું હતું.

Related Posts