વાંસદા : વાંસદા તાલુકાના સમગ્ર વિસ્તારમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેમાં સોમવારે સાંજે ૫:૨૨ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ વાંસદા, ગંગપુર, જામલીયા, વણારસી, રાણી ફળીયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળીયા અને લીમઝર ગામના લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપ વાંસદા તાલુકાના લીમઝર ગામ પાસે ૨૦.૭૫૭ લેટિટ્યુડ અને ૭૩.૨૯૫ લોંગીટ્યુડ પર એપી સેન્ટર હોવાનું એક સરકારી વેબસાઈટના દ્વારા જાણવા મળ્યું હતું.
આ ભૂકંપની ડેપ્થ ૪.૫ કિલોમીટર અને તીવ્રતા ૨.૭ નોંધાઇ હતી. ભૂકંપના આંચકાની તીવ્રતા વધતી જઈ રહી હોવાનું ડેટા દ્વારા જણાય રહ્યું છે અને વારંવાર આવતાં ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી વાંસદા પંથકમાં ટૂંકા અંતરે વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવા છતાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા આજ સુધી કોઈપણ જાતના તકેદારીના પગલાં ન લેવાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
અગાઉ ગાંધીનગર ખાતેની ટીમ ભૂકંપ અંગે સરવે કરવા આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે વાંસદા તાલુકામાં જુજ અને કેલીયા ડેમ ભરાઇ જવાથી જમીનમાં નીચે ઉથલપાથલ થવાથી વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાય છે. પરંતુ આ ભૂકંપનાં આંચકા આવતા હોવાથી લોકોમાં દર વર્ષે ડર પેદા થાય છે. જેનું ચોક્કસ કારણ શોધવું હિતાવહ છે.
ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવે તો જ સાચું કારણ ખબર પડે
વાંસદા તાલુકામાં છેલ્લા ૨-૩ વર્ષથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, વાંસદામાં ડેમ ભરાઇ ગયા બાદ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવવાનું ચાલુ થઈ જાય છે. જેને લઈ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે તો જ ભૂકંપ આવવાનું સાચું કારણ ખબર પડશે. જવાબદાર પ્રશાસનિક અધિકારી દ્વારા ભૂકંપ આવવાના કારણો જાણવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે. – અનંત પટેલ, વાંસદા-ચીખલી ધારાસભ્ય