Columns

સુરતના નાટ્યકર્મીઓ માટે વાર્ષિક નાટ્યોત્સવ સમી મહાનગરપાલિકા નાટ્યસ્પર્ધા

શકરબાજ
આ નાટ્ય સ્પર્ધાના પાંચમા દિવસે એન.વી. પ્રોડકશન દ્વારા પ્રવીણ સોલંકી લિખિત અને પંકજ પાઠકજી દિગ્દર્શિત નાટક શકરબાજનું મંચન થયું. આરતી દેસાઈના પતિ અમર દેસાઈનું અકસ્માતથી મૃત્યુ થયું હોવાથી ઇન્શ્યુરન્સના કલેમનો રૂા. 5 કરોડનો ચેક વિમા એજન્ટ ચીમન ચીટલીયા આપવા આવે છે. અમરને યાદ કરી ભારે હૈયે અને ડૂસકા સાથે ચેક સ્વીકારે છે. રાત્રે આરતી બેડરૂમમાં જવા જાય છે ત્યાં જ જેને મૃત જાહેર કરેલ છે તે અમર અચાનક આવી આરતીને ચોંકાવી દે છે. અમર અને આરતીએ જ વિમો પકવવા કાવતરું ઘડેલું. પ્લાન સફળ થયાની ખુશી અને મોજશોખ કરવા તથા પોલીસથી બચવા કેનેડા ઊડી જવાનું નક્કી કરે છે.

તે જ સમયે ક્રાઈમ બ્રાંચના બાહોશ ઇન્સ્પેકટર વિક્રમ ઇમાનદાર આ કેસ ફરી ઓપન કરી તપાસ શરૂ કરે છે.  ઇન્સ્પેકટર વિક્રમ ઇમાનદારના પાત્રમાં પૌરવ શાહ શ્રેષ્ઠ રહ્યા. મેઘાવી પંડયાએ આરતી દેસાઈના પાત્રને સાહજીકતા, મક્કમતા, વારંવાર બદલાતા રંગ અને ઢંગથી નવી ઉંચાઈ પર લઇ ગયા. અમર દેસાઈ તરીકે વિતરાગ શાહ અને ચીમન ચીટલીયાના પાત્રને મિતુલ લુહાર યોગ્ય રીતે નિભાવી ગયા. લેખક પ્રવીણ સોલંકીના સટીક ધારદાર સંવાદોને પ્રેક્ષકોએ ભરપુર માણ્યા. દિગ્દર્શક પંકજ પાઠજીની કુનેહ ઠેરઠેર નજરે પડી. ગીતનું કમ્પોઝીશન ઘણું સરસ રહ્યું, ચેતન કણીયાની સેટ ડીઝાઈને આંખોને જકડી રાખી. જિતેન્દ્ર જીસાહેબના સંગીત અને તેજસ ટેલરનું સંચાલન નાટકને માણવામાં ઉપયોગી થયું. દેવાંગ જાગીરદારનું પ્રકાશન આયોજન અને મીતુલ લુહારનું સમયસરનું સંચાલન નાટકની ગતિને વધારતું ગયું. પ્રથમ અંક ડ્રોપ અને અંતિમ કર્ટન ડ્રોપ અફલાતૂન રહ્યા. નાટક તૃતીય ક્રમે વિજેતા બન્યું.

નાનીમા
નાટ્ય સ્પર્ધાના છઠ્ઠા દિવસે રંગપૂજા થિયેટર્સના નેજા હેઠળ હિતેન આનંદપરા લિખિત, જિતેન્દ્ર સુમરા દિગ્દર્શિત નાટક ‘નાનીમા’ ની ભજવણી થઇ એક ખેડૂત પરિવારના મોભી નાની મા રૂઆબદાર, ઠસ્સા સાથે સમૃદ્ધિને માણતી પણ એકલવાયું જીવન જીવે છે. એક સવારે એનો પુત્ર રાહુલ આવી ચડે છે. નાનીમા ચારુલતા અને રાહુલ વચ્ચેના સંબંધોનું અંતર દેખાઈ આવે છે. બંને પેઢીઓ વચ્ચે પડેલી તિરાડ લાગણીના સિંચનથી પૂરી થઇ શકશે કે નહીં. આવી બે જનરેશન ગેપના વિષય વસ્તુ, લઇને આવેલ નાટકનો પડદો ઉપડે છે. રાહુલ અને દુર્ગેશ ના પાત્રોને ન્યાય આપવાનો સરસ પ્રભાવક પ્રયાસ યજત્ર ભટ્ટે કર્યો. કંટ્રોલ્ડ મેનરીજનથી પાત્ર નિભાવી ગયા.

ચારૂલતા દેસાઈ નાની માના પાત્રમાં રિચા શાહ શરૂઆથી અંત સુધી ઠસ્સેદાર, લાજવાબ અભિનય થી શ્રેષ્ઠ રહી નાટકને ઘણી ઊંચાઈ બક્ષી. ઝોયા અને ઝંકુડીના પાત્રને રિચા રીધમ શાહ ઉત્કૃષ્ટ રહ્યા. મંજરી ઉપાધ્યાય હેમાનું પાત્ર નિભાવી ગયા. ઝંકાર દારૂવાલા અને શિવમ પારેખ નાટકને સહાયભુત રહ્યા પ્રિતેશ લોઢાનું કથાબીજ લઇ હિતેન આનંદપરાના લેખનમાં સાહિત્યીક, સંવેદનશીલ સ્પર્શ દેખાયો. દિગ્દર્શક જીતેન્દ્ર સુમરા લાગણીશીલ સંબંધોન તાણાવાણા, ખેતર સાથેની વાતોને સરસ સાંકડી લઇ સારી સુઝ બતાવી ગયા. ગૌરી ગાયના અવાજનો ઉપયોગ પાત્ર તરીકે અસરકારક રહ્યો. ચેતન કણીયા સેટ ડીઝાઈન નાનીમાના વૈભવ ને અનુરૂપ ગામડાના રસ્તાઓ, પાછળની ખુલ્લી જમીન વગેરે તાદૃશ કરી શકાયા. બે પેઢીના જનરેશન ગેપને લાગણી, સંવેદનાના સિંચનથી નવપલ્લવીત કરતું નાટક પ્રેક્ષકોએ દિલથી વધાવ્યું. નાટક દ્વિતીય ક્રમે વિજેતા થયું.

રિવા
નાટ્ય સ્પર્ધાના સાતમા દિવસે શ્રીકૃષ્ણ પ્રોડકશન દ્વારા નમન મુનસી અને કેતન રાઠોડ લિખીત નાટક ‘રીવા’ કૃણાલ પારેખના દિગ્દર્શન હેઠળ રજુ થયું. રીવા અને અમિત શરાફ પતિ પત્ની છે. કેન્સરને કારણે રીવાનું મૃત્યુ થાયછે. તેના મૃત્યુબાદ વિલ સામે આવે છે અમીત અને એના સસરા (રીવાના પિતા) એક જ છત નીચે 15 દિવસ શાંતિથી એક સાથે રહે તો જ તેમની 300 કરોડની જમીનનો વારસો બંનેને મળે. આમ તો પહેલી નજરે એ અશક્ય લાગે કેમ કે 15 મીનીટ પણ એક બીજા સાથે નહીં રહી શકનાર 15 દિવસ કેવી રીતે રહે? સમાધાન પછી બંને સાથે રહેવા સહમત થાય છે, જો કે એમના મન તૈયાર નથી. કપટ અને સ્વાર્થથી સસરાનો હિસ્સો પણ પચાવી પાડવા અમીત તેના ડ્રિંકમાં કેમીકલ ભેરવી દે છે. પણ દાવ ઊંધો પડે છે.એ દવા પોતેજ પીલે છે.

મીસ્ટર પસ્તાગીયા એને બચાવી લે છે. બંને વચ્ચે અચાનક સુમેળ થાય છે. રીવાની ગેરહાજરીમાં અમિતની કેર રાખતી સીમા સાથે લગ્ન કરાવવાનું પણ ગોઠવી આપે છે. પણ હવે 15 દિવસ સાથે રહેવાનું છે… શું થાય? પરિમલ પસ્તાગીયાના પાત્રને કેતન રાઠોડ સ્વસ્થતાથી ઠાવકાઇ ભર્યા અભિનયથી તો બીજી બાજુ કટુતા ભરી તડાફડી પણ સુમેળે બહાર લાવી શકયા. અમીત શરાફ ને પાત્રને કૃણાલ પારેખ સડસડાટ ભજવી ગયા જો કે લાઉડ અવાજ અને ઝડપના કારણે કલેરીટી જોખમાઈ, જે બીજા અંકમા નિવારી શકયા. સીમીના પાત્રને સોનાલી શાહ યાદવ બખુબી ઉજાગર કરી ગયા. મોટી રીવાના પાત્રને મીનળ સેલર નિભાવી ગયા. બીજા પાત્રો મયુર ઠાકોર એડવોકેટ દારૂવાળાના પાત્રને, ભુષણ ચૌધરી, મીત, યોગી, ડેનીસ જરીવાળા પોતપોતાની ભુમિકા નિભાવી ગયા. નાની રીવા નાવ્યનાંદી શાહે કર્ટન ડ્રોપને લાગણી સભર બનાવ્યો. સસ્પેન્સ, થ્રીલ, લાગણી સંવેદના હોવા છતાં નાટક ઘણી જગ્યાએ ઢીલું પડે છે.

ટાઈમ પ્લીઝ
નાટ્ય સ્પર્ધાના આઠમા દિવસે કે. ડી. એન્ટરટેઇનર્સ દ્વારા હર્ષા જગદીશ લિખીત નાટક ‘ટાઈમ પ્લીઝ’ ખંજન ઠુંમર ના દિગ્દર્શન હેઠળ રજુ થયું. માનીની રાયજાદા એક વિખ્યાત ઉદ્યોગ સાહસીક વુમન છે. તે કેન્સરથી પીડાય છે.એની પાસે જીવવાનો સમય ઓછો છે. બિમારીથી ડરી પોતાના હાઈરાઈઝ બિલ્ડીંગની ટેરેસ પરથી કૂદીને આપઘાત કરવા જાય છે. બિલ્ડીંગનો સીકયુરીટી ગાર્ડ એને આત્મહત્યા કરતા રોકે છે. પોતાને ધનેશ-ધ સુપર સ્ટાર તરીકે ઓળખાવે છે.ધનેશ પણ એજ બિમારીથી પીડાય છે છતા મસ્તીથી હસતા રમતા જીવી રહ્યો છે.

વોચમેન ધનેશકુમારના પાત્રમાં ડેનીશ પુનીવાલા શરૂઆતથી અંત સુધી છવાયેલા રહી અવાજ, બ્રોડ જેસ્ચરથી કમાલ કરી ગયા, પણ સાઉટીંગ, વધારે પડતુ લાઉડ ઘણી જગ્યાએ નીવારી શકાય. માનીની રાયજાદા ના પાત્રને ઠસ્સો અને જોમ તૃપ્તી ઉપાધ્યાય બહાર લાવી શકયા. વરૂણ તરીકે ઋત્વિક શર્મા, તન્વી તરીકે મનાલી કંથારીયા, હસમુખલાલ તરીકે નિર્મલ ભટ્ટ પોતપોતાના પાત્રો નિભાવી ગયા.

મનન તરીકે ભાવીન ઠક્કરે દર્શકોને હસાવ્યા, પણ વધુ પડતા ગીતોના ડાન્સથી નાટકની વાર્તા સાથે તાલમેલ સાધી ન શકયા લેખક હર્ષા જગદીશની કલમમાં સારી વાર્તા સાથે સંવાદો પણ ધારદાર નિકળ્યા. દિગ્દર્શક ખંજન ઠુંમરે પ્રકાશ, સંગીત અને સરસ મજાના અર્થસભર ગીતોનો યોગ્ય ઉપયોગ કરી નાટકને પ્રેક્ષક પ્રિય બનાવ્યું. દિગ્દર્શનના ચમકારા ઠેરઠેર નજરે પડે છે. વૈભવ દેસાઈનું સંગીત નાટકને મદદરૂપ થયું. ચેતન પટેલનું પ્રકાશન આયોજન ઘટનાઓને સમજાવવામાં મદદરૂપ રહ્યું. વિશાલ જરીવાલાની આકર્ષક સેટ ડીઝાઈન, ટેરેસ, વોચમેન ની ખોલી, બંગલાનો ડ્રોઇંગ રૂમ ઘણા દૃશ્યોને નિખાર આપવા સક્ષમ રહ્યા. બીજા અંકનો અંતિમ ભાગ કથળતો જણાયો અને નાટક પકડ ગુમાવતું અનુભવાયું.

ધ ઓથર કલબ
નાટ્ય સ્પર્ધાના નવમા અંતિમ દિવસે ડાયમંડ સીટી પ્રોડકશને વિલોપન દેસાઈ લિખિત અને તેજસ ટેલર તથા રાજીવ પંચાલ દિગ્દર્શિત રહસ્યનાટક ‘ધ ઓથર કલબ’નું મંચન કર્યું. ભારતભરના મિસ્ટરી લેખકો શહેરથી દુર આવેલ ‘ધ ઓથર કલબ’માં દર ત્રણ મહીને ભેગા થાય છે. અહીં જાણીતા અને ઓછા જાણીતા લેખકોની આવી જ એક મીટીંગમાં 7 થી 8 સ્ત્રી લેખિકાઓ માંથી અતિપ્રસિદ્ધ જયા જાગીરદારનું રાત્રીના ભોજન બાદ મૃત્યુ થાયછે. ભોજનમાં કોઇકે ઝેર આપી દીધું છે. કલબમાં માત્ર 8 વ્યક્તિ છે. દરેક એકબીજાને ઓળખે છે. બહારથી કોઇ આવ્યું નથી અને કોઇ ગયુ નથી. તો આ મર્ડર કોણે કર્યું?

મીસ ચિદામ્બરમના પાત્રને ભૈરવી આઠવલે એ અસરકારક રીતે ભજવ્યું અજીતા રોયને માનસી પીઠવાએ તથા કૂક તરીકે શોભનાના પાત્રમાં ફાલ્ગુની જોષી સામાન્ય રહ્યા. કલબ સંચાલક મિસીસ દેસાઈના પાત્રને રંજન પેટેલ કુનેહપૂર્વક ભજવી સરસ છાપ છોડી ગયા. દિગ્દર્શક બેલડી તેજસ ટેલર અને રાજીવ પંચાલે મોન્ટાજીસના સરસ ઉપયોગ અને ભૈરવી આઠવલેની કોરિયોગ્રાફીવાળા ગીતનો સરસ સમન્વય કર્યો દર્શન ઝવેરીનું સંગીત અને તેજસ ટેલરનું સંચાલન રહસ્યને ઉજાગર કરે છે. ઉપસંહાર – કોરોના કાળના બે વર્ષના કપરા વિરામ બાદ શરૂ થયેલ આ નાટ્યસ્પર્ધામાં નવ નાટકોના 150થી વધારે કલાકાર કસબીઓ એ પોતાનું કૌવત દેખાડયું.

નિર્ણાયકશ્રી ભાર્ગવ ઠક્કર અને અદિતી દેસાઈ (બંને અમદાવાદ) તથા વિપુલ વિઠ્ઠલાણી (મુંબઇ) એ જજ તરીકે નાટકો ચકાસીને પરિણામ જાહેર કર્યું હતું. સુરત મહાનગર પાલિકાના સાંસ્કૃતિક વિભાગ નો સ્ટાફ અને સંજીવકુમાર ઓડીટોરિયમનો સ્ટાફ તથા સીકયુરીટી એ આત્મીય વર્તન સહકારથી ઓન સ્ટેજ અને બેકસ્ટેજ તથા ઓફ સ્ટેજમાં કરેલી સફળ કામગીરી કાબિલે દાદ બની રહી. આવેલ દરેક પ્રેક્ષકોને નાટક માણવા મળે એ માટે LED સ્ક્રીન ફોયરમાં મૂકીને કરેલી સરાહનીય કામગીરીની સૌએ નોંધ લીધી.

Most Popular

To Top