Charchapatra

અન્નકૂટ

તહેવારોના દિવસોમાં અન્નકૂટ ભરાતા હોય છે. ઘણી વખત વિચાર આવે કે હજારો લોકો ભૂખ્યાં રહેતાં હોય તો મંદિરોનો ભગવાન અન્નકૂટ આરોગે? પરંતુ પછી એક વાત જાણવા મળી કે પહેલાંના વખતમાં નગરના રાજા, ગામના સરપંચ, જમીનદારો વિ. શ્રીમંત હતા. તેમને ભાતભાતનાં ભોજન આરોગવા મળતાં. સામાન્ય પ્રજાને આ બધું નસીબમાં ન હતું. એ માટે અન્નકૂટનો વિચાર કરવામાં આવ્યો.

ભગવાનને છપ્પન ભોગ ધરાવીએ અને પ્રસાદ તરીકે સામાન્ય માનવીને એ વહેંચવામાં આવે તો એમને પણ વિવિધ ભોજનનો લાભ મળે. અન્નકૂટના પ્રસાદ તરીકે મળેલી વાનગી એ લોકો સ્વમાનભેર આરોગી શકે. એમાં એનું ગૌરવ જળવાય. પરંતુ હવે તો અન્નકૂટનો પ્રસાદ વહેંચાય નહીં પણ વેચાય છે અને તે પણ ભેટની રકમ પ્રમાણે પ્રસાદ મળે. ગરીબ તથા ભિખારીઓને એનો લાભ મળી શકતો નથી. આમ અન્નકૂટનો ઉદ્દેશ જળવાતો નથી.
-પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સમયોચિત ચર્ચાપત્ર
તા.2 મે ‘ગુજરાતમિત્ર’માં નેહાબેન શાહનો પ્રગટ થયેલ લેખ ચોક્કસ વિચારણીય છે. આપણે સૌ વાતોનાં વડા કરવામાં માનીએ છીએ. અકસ્માતો, રોગચાળો, આત્મહત્યા, ઘોંઘાટ પ્રદુષણ, લાંચ રુશ્વત વગેરે પ્રશ્નોને લઇને આપણે ટ્રેન, બસ, પાનનાં ગલ્લે, શાળા-કોલેજ, કોમન રૂમમાં દેકારો મચાવીએ છીએ પરંતુ જે તે સરકારી ખાતાં, પંચાયત કે નગરપાલિકાને આપણે લેખિત ફરિયાદ કરતા નથી.

બીજાના ખભે બંદૂક તાકવામાં આપણે શૂરા છીએ. એ ખરું છે કે એકાદ-બે અરજી કરવાથી સરકારી તંત્ર તરફથી કાંઇ દાદ મળી જતી નથી કે વહીવટમાં સુધારો થઇ જતો નથી. પરંતુ તંત્રમાં કયાંક સારા અને સંવેદનશીલ કર્મચારીઓ કે અધિકારીઓ બેઠેલા હોય છે. જે આવી અરજી પર તાત્કાલિક પગલાં લઇ લેતા હોય છે. તેથી કદાચ એકાદ બે પ્રયત્ને સફળ ન થવાય તો નિરાશ થવાના બદલે ફરી પ્રયત્નો કરતા રહેવાથી અમૂક હકારાત્મક પરિણામ મળી શકે છે. આ લેખ બદલ નેહાબેનને અભિનંદન!
સુરત    – અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top