આણંદ : ‘અમૂલ એ મેનેજમેન્ટનું આદર્શ મોડલ છે. વિશ્વમાં આ એક માત્ર મોડલ છે, જેમાં ગ્રાહક જે રકમ ચુકવશે છે, તેના 75 ટકા રકમ ઉત્પાદકો સુધી પહોંચે છે. બીજો કોઇ ક્ષેત્રમાં ઉત્પાદકોને આટલી મોટી રકમ વળતરરૂપે મળતી નથી.’ તેમ કેન્દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ મંગળવારે આણંદના એડીડીબી ખાતે જી20 અંતર્ગત યોજાયેલા આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં જણાવ્યું હતું.
આણંદની એડીડીબીના યજમાન પદે જી20 અંતર્ગત ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર કેન્દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પશુઓના આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. દેશમાં પશુઓના રસીકરણ માટે રૂ.13 હજાર કરોડનું બજેટમાં ફાળવ્યાં છે.
આઝાદી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં અલાયદુ પશુપાલન મંત્રાલય બનાવ્યું છે. દેશમાં વિશ્વ બેંકના સહયોગથી પશુ આરોગ્યના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. પશુઓમાં રોગચાળા નિયંત્રણ માટે એપી મોડેલ એપ તૈયાર કરવામાં આવી છે. દેશમાં પશુઓની સારી ઓલાદ માટે ટેકનોલોજી ટ્રાન્સફર સાથે બ્રીડ ઇમ્પૃવમેન્ટ, જીનોમિક ટ્રાન્સફર સહિત ભારતીય સંસ્કૃતિની પરંપરાગત પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. પશુઓમાં 30 જેટલા રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ઢબે એક જ દવા ઈથેનો વેટરનરી મેડીસીન (EVM) આર્યુવેદ પદ્ધતિથી વિકસાવવા આવી છે. જે પશુપાલકો માટે ખૂબ જ ઉપકારક રહેશે.
કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલયના પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને યુનાઇટેડ નેશન્સ (એફએઓ)ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે એન.ડી.ડી.બી. આણંદ ખાતે જી20ના એગ્રીકલ્ચર વર્કિંગ ગૃપ હેઠળ ઈન્ટરનેશનલ સીમ્પોઝિયમ ઓન સસ્ટેનેબલ લાઈવસ્ટોક ટ્રાન્સફોર્મેશન (ટકાઉ પશુધન પરિવર્તન) વિષયક બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રારંભ કરાવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશ્વના 13 દેશોના પ્રતિનિધિઓ સહિત ડેરી ઉદ્યોગ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો છે.
આ પ્રસંગે વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન એનિમલ હેલ્થના એશિયા પેસિફિકના વિભાગીય પ્રતિનિધિ ડૉ. હિરોફુમી કુગીતા, યુનાઈટેડ નેશનના ફુડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન ભારતના પ્રતિનિધિ ટાકાયુકી હગીવારા, ઈન્ટરનેશન ડેરી ફેડરેશનના ડાયરેક્ટર જનરલ કેરોલીન ઈમન્દે પ્રાસંગિક પ્રવચનમાં જલવાયુ પરીવર્તનની વૈશ્વિક સમસ્યા સામે ટકાઉ પશુધનના સતત વિકાસ માટે ઉભા થયેલા પડકારો અને તેના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં એનડીડીબીના ચેરમેન ડો. મિનેષ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સાંસદ મિનેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો. આર.એસ. સોઢી, આણંદ અમૂલના એમડી અમિત વ્યાસ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યાં હતાં.