સુરત: અમરોલી ખાતે સ્ટાર હોમના રહીશોમંગળવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડરની સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે મોર્ચો લઈને પહોંચી ગયા હતા. બિલ્ડરે આજીવન મેન્ટેનન્સના નાણા ઉઘરાવ્યા બાદ સુવિધા નહીં આપી છેતરપિંડી કરી હોવાના આક્ષેપ રહીશોએ પોલીસ સમક્ષ કર્યા હતા.
- બિલ્ડરે આજીવન મેઈન્ટેનન્સ પેટે નાણાં ઉઘરાવી લીધા બાદ બાદ સુવિધા નહીં આપી હાથ ઉંચા કરી દીધા
- ડીજીવીસીએલનું સાત લાખનું બિલ નહીં ભરાતા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા
- રહીશો દ્વારા બિલ્ડર વિરૂદ્ધ અમરોલી પોલીસમાં મોરચો લઈ જઈ સુત્રોચ્ચારો કરાયા
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા સ્ટાર હોમમાં 433 ફ્લેટ આવેલા છે. બિલ્ડરે તમામ ફ્લેટ ધારકો પાસેથી આજીવન મેન્ટેનન્સ પેટે આશરે 4 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. શરૂઆતમાં બિલ્ડર દ્વારા સુવિધા આપ્યા બાદ ઘણા સમયથી બિલ્ડરે કોઈ સુવિધા આપી નથી. બિલ્ડરની આડોડાઈને કારણે ડીજીવીસીએલ કંપનીનું 7 લાખનું વીજ બીલ પણ નહીં ભરતા સ્ટાર હોમનું લાઈટ કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે. જેના કારણે બે દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. રહીશો દ્વારા આજે મીટીંગ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારે સ્ટાર હોમના મહિલા સહિતના મોટી સંખ્યામાં રહીશો એકત્ર થઈ બિલ્ડર વિરુધ્ધમાં મોરચો કાઢ્યો હતો. અને અમરોલી પોલીસ મથકમાં બિલ્ડર વિરુધ્ધ કાર્યવાહીની માંગ સાથે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં બિલ્ડર વિરૂધ રહીશોનો મોર્ચો જોઈને પોલીસે તેમને શાંતિથી સાંભળ્યા હતા. અને તેમની રજૂઆત એક અરજી સ્વરૂપે આપવા તથા બિલ્ડરે આજીવન મેન્ટેનન્સ માટે જે પણ કઈ પુરાવા હોય તે રજૂ કરવા કહ્યું હતું.