કામરેજ: અમરેલી જિલ્લામાં ગ્રાન્ટેટ શાળાના અંગ્રેજી વિષયના શિક્ષકે વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવવાનું કહીને વિદ્યાર્થિની સાથે બળાત્કાર કર્યો હતો. વિદ્યાર્થિની સુરત મામાને ઘરેથી નોકરી પર જતી ત્યાં પણ લંપટ શિક્ષક પહોંચી જતાં પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.
- વિદ્યાર્થિનીને હેરાન કરવાનું ચાલુ રાખતાં માતાએ અભ્યાસ છોડાવી મામાને ત્યાં મોકલી આપી
- મામાને ત્યાં આવી વિદ્યાર્થિની નોકરી કરવા માંડી તો ત્યાં પણ લંપટ શિક્ષક આંટાફેરા મારવા લાગ્યો
મૂળ અમરેલીના વતની અને હાલ કામરેજના પાસોદરા ખાતે મામાના ઘરે રહીને નોકરી કરતી મીરા (નામ બદલ્યું છે) વર્ષ-2021માં પોતાના વતનમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. ત્યારે શાળામાં ગ્રાન્ટેડ શાળાના અંગેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરતો વિપુલ નાનુ વસોયા મીરાને હેરાન કરતો હોવાથી મીરાના મામાએ લંપટ શિક્ષકના ઘરે જઈને મીરાને હેરાન ન કરવાનું કહેતાં આ બધુ ચાલુ જ રહેશે. તમારે મારા ઘરે કહેવા નહીં આવવાનું તેમ જણાવી દીધું હતું. મીરાએ ધો.11માં અભ્યાસ ગામની શાળામાં ચાલુ રાખતાં લંપટ શિક્ષકે મીરાને હેરાન કરવાનું ચાલુ રાખતાં મીરાની માતાએ અભ્યાસ છોડાવી સુરત રહેતા ભાઈના ઘરે મોકલી આપી હતી.
વર્ષ-2023માં મીરાના નાનાનું મોત થતાં વતનમાં ગઈ હતી. ત્યારે મીરાના ઘરની આસપાસ લંપટ શિક્ષક ફર્યા કરતો હતો. બાદ મીરા મામા સાથે ફરી પાસોદરા રહેવા માટે આવી ગઈ અને નજીકમાં નોકરી પર પણ લાગી ગઈ હતી. ત્રણ દિવસથી મીરા ટેન્શનમાં રહેતી હોવાથી મામાએ પૂછપરછ કરતાં મીરાએ સરખો જવાબ ના આપતાં મામાના મનમાં શંકા જતાં મીરા જ્યાં નોકરી પર જતી હતી ત્યાં નોકરી છૂટવાના સમય પર સંબંધી સાથે ઊભા રહીને મીરાને જોતાં આંટા માર્યા કરતી હતી. એ સમયે એક કાર આવતાં મીરા કારમાં બેસવા જતાં મીરાના મામાએ ગાડી ઊભી રાખી મીરાને લઈ ઘરે આવી ગયા હતા.
બાદ પૂછપરછ કરતાં લંપટ શિક્ષકે મીરાને ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે પરીક્ષામાં પાસ કરી દેવાનું કહીને મીરા ટ્યુશને જતી ત્યારે ઘરમાં બોલાવી શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે મામા સાથે સુરત રહેવા જતી રહી ત્યારે સંપર્કમાં રહેવા માટે પણ જણાવ્યું હતું અને જો સંપર્કમાં ન રહે તો જોઈ લેવાની ધમકી પણ આપતાં મીરા ગભરાઈ ગઈ હતી. આ વાત કરતાં મીરાના મામાએ કામરેજ પોલીસમથકમાં લંપટ શિક્ષક વિપુલ વસોયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ પણ કરી હતી.