નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, લોકો દ્વારા કોરોનાના ગભરાટમાં કરવામાં આવતી ખરીદી રોકવા પગલાં ભરવા અને જરૂરી વસ્તુઓના ભાવમાં કોઈ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવું.
રાજ્ય સરકારોને લખેલા એક પત્રમાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના એડિશનલ સચિવ નિધિ ખારેએ જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં અચાનક વૃદ્ધિ થવાના કારણે સામાન્ય માણસોને યોગ્ય કિંમતે જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે ચિંતામાં વધારો થયો છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે રાજ્યોને કરિયાણાની દુકાન / ગોડાઉન અને કેમિસ્ટ શોપને સેક્શન 144 હેઠળના નિયંત્રણોથી બાકાત રાખવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એ પણ સુનિશ્ચિત કરવું જોઇએ કે તમામ જરૂરી વસ્તુઓન ભાવમાં વધારો ન કરવામાં આવે અને તે યોગ્ય ભાવે મળી રહે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો દ્વાર જરૂરી વસ્તુઓનો પુરવઢાની ગભરાટથી ખરીદી ઘટાડવા માટે જાગૃતિ ફેલવાવની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સિવાય રાજ્યોને માંગ-પુરવઠામાં ગેરરીતિ, સંગ્રહખોરી અને ભાવવધારો ટાળવા માટે અસરકારક દેખરેખ અને અમલ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે ખાદ્ય અને નાગરિક પુરવઠા, કાનૂની મેટ્રોલોજી, ફૂડ સેફ્ટી, આરોગ્ય અને નીતિની સંયુક્ત ટીમો બનાવવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યોને ગ્રાહકો માટે હેલ્પલાઈન ગોઠવવા નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી જરૂરી પુરવઠો જાળવવાના મુદ્દે જાહેર અધિકારીઓ દ્વારા નિવારણ માટે ફરિયાદ નોંધાવી શકે. રાજ્યોને પરિસ્થિતિની સમીક્ષા કરવા અને પરિસ્થિતીના આધારે યોગ્ય કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું હતું.