અમેરિકાના ભારતીયો કેમ જો બિડનને વધુ પસંદ કરે છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી ગમે તેટલી ઘનિષ્ઠ મનાતી હોય તો પણ અમેરિકામાં રહેતા બહુમતી ભારતીય મતદારો પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને વધુ પસંદ કરે છે. તાજેતરમાં અમેરિકામાં થયેલા સર્વેમાં બહાર આવ્યું હતું કે ૭૨ ટકા ભારતીય મતદારો જો બિડનને મત આપવા માગે છે, જ્યારે ૨૨ ટકા જ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરે છે.  અમેરિકામાં ભારતીય મૂળનાં આશરે ૧૯ લાખ મતદારો છે, પણ જ્યારે ચૂંટણીમાં ગળાકાપ હરીફાઈ હોય ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. અમેરિકામાં રહેતાં ભારતીયો પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીનાં સમર્થકો ગણાય છે. આ વખતે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળનાં કમલા હેરિસની પસંદગી કરાઈ હોવાથી પણ ભારતીયો જો બિડન તરફ વધારે ઢળી રહ્યાં છે. અમેરિકાના મોદીસમર્થકો પણ જો બિડનને મત આપવા માગે છે, તે આ ચૂંટણીનું લાક્ષણિક પાસું છે.

અમેરિકાના ભારતીયો કેમ જો બિડનને વધુ પસંદ કરે છે?

રિપબ્લિકન પાર્ટીના સમર્થકો કોઈ પણ જાતના વૈજ્ઞાનિક સર્વે વગર કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ મૈત્રી હોવાથી ૫૦ ટકા કરતાં વધુ ભારતીય અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં મતદાન કરવાના છે. બીજી બાજુ જોન હોપકિન્સ સ્કૂલ દ્વારા ૯૩૬ ભારતીય અમેરિકનોનો સર્વે કરવામાં આવ્યો તેમાં જણાયું હતું કે ભારતીયોને ડેમોક્રેટિક પાર્ટીની આર્થિક નીતિઓ તેમ જ ઉદારમત વધુ પસંદ હોવાથી તેઓ મોટી સંખ્યામાં જો બિડન માટે મતદાન કરવાના છે.  અમુક ભારતીયોએ જણાવ્યું હતું કે તેઓ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવા બહાર નીકળતા નથી; પણ આ વખતે ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉપપ્રમુખપદનાં ઉમેદવાર હોવાથી તેઓ મતદાન કરવાના છે. કેટલાક નિષ્ણાતોના મતે ભારત સરકાર પોતાનો બધો મદાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઇને આવશે તેના પર બાંધી રહી છે; પણ આ સમાચાર તેમને વિચાર બદલવાની ફરજ પાડે તેવા છે.

અમેરિકાના ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને નફરત કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે સત્તામાં આવતાં જ વિદેશી નાગરિકો માટે આપવામાં આવતા વીસાની સંખ્યામાં કાપ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિને કારણે અમેરિકા નોકરી કરવા આવતાં અનેક ભારતીય નાગરિકોને સહન કરવાનો વારો આવ્યો છે. બીજું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યમાં આફ્રિકાના કાળા નાગરિકોને અને એશિયાના ઘઉંવર્ણાં નાગરિકોને ઊતરતાં ગણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં લઘુમતીઓ સામેના હુમલાઓ વધ્યા છે. તેઓ અમેરિકામાં અસલામતી અનુભવી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાની પોલીસ દ્વારા કાળા નાગરિકને મારી નાખવામાં આવ્યો તે ઘટના હજુ લોકોના માનસપટ પરથી દૂર થઈ નથી. તેની સરખામણીમાં જો બિડનની નીતિ લઘુમતીનું રક્ષણ કરવાની હોવાથી આફ્રિકન અને એશિયન મતદારોમાં તેઓ વધુ લોકપ્રિય ગણાય છે. જો બિડને જાહેર કર્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો અમેરિકાના ૧.૧ કરોડ ગેરકાયદે વસાહતીઓને નાગરિકતા પ્રદાન કરશે. આ જાહેરાતને કારણે એશિયાના અને આફ્રિકાના મતદારોમાં જો બિડનની તરફેણમાં મોજું ચાલી રહ્યું છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતાં પાદરીઓ માટે કૂણી લાગણી ધરાવી રહ્યાં હોવાથી પણ હિન્દુ ભારતીય અમેરિકનો તેમનાથી નારાજ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગર્ભપાતનો વિરોધ કરનારી લોબીના પ્રભાવ હેઠળ છે. જો બિડન ગર્ભપાતની તરફેણ કરનારી લોબીના પ્રભાવ હેઠળ છે. અમેરિકાના ભારતીયો માને છે કે ગર્ભપાતનો વિરોધ કરનારાઓ રોમન કેથોલિક ચર્ચનાં સમર્થકો હોય છે. તેને કારણે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં નથી. જો કે ભારતીય ખ્રિસ્તી અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકો છે.

ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપપ્રમુપદનાં ઉમેદવાર તરીકે કમલા હેરિસને ટિકિટ આપવામાં આવી છે. કમલા હેરિસના પિતા આફ્રિકન છે, પણ તેમની માતા ભારતીય મૂળની છે. કમલા હેરિસની માતાનું નામ શ્યામલા ગોપાલન છે અને તેઓ મદ્રાસનાં હિન્દુ છે. તેઓ ૧૯ વર્ષનાં હતાં ત્યારે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ભણવા માટે અમેરિકા આવ્યાં હતાં. કમલા હેરિસના પિતા ડોનાલ્ડ જમૈકાના નિગ્રો છે. કમલા હેરિસ નાનાં હતાં ત્યારે તેમના પિતા તેમને ચર્ચમાં લઈ જતા, જ્યારે તેમની માતા તેમને નજીકના હિન્દુ મંદિરમાં લઈ જતી અને ધર્મની કથાઓ સંભળાવતી. કમલા જ્યારે સાત વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી તેઓ માતા સાથે રહેતાં હતાં. કમલા હેરિસ લો ની ડિગ્રી લીધા પછી કેલિફોર્નિયામાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે.

અમેરિકાના ભારતીય મતદારો કુલ સંખ્યાના માત્ર એક ટકા જેટલા જ છે, પણ તેઓ વગદાર હોવાથી તેમના મતો મેળવવા બંને મુખ્ય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ૨૦૦૦ અને ૨૦૧૮ વચ્ચે અમેરિકામાં ભારતીયોની સંખ્યામાં ૧૫૦ ટકા જેટલી વૃદ્ધિ થઈ હતી. અમેરિકામાં બહારથી આવીને વસેલાં નાગરિકોમાં ભારતીયો બીજા નંબરે છે. અમેરિકામાં કુલ ૪૧ લાખ ભારતીયો વસવાટ કરે છે, પણ તેમાંના ૨૫ લાખને જ નાગરિકતા મળેલી છે. તેમાં પણ મતદારો ૧૯ લાખ જેટલા જ છે. અમેરિકામાં જે ભારતીયો વસવાટ કરે છે, તે પૈકી ૪૭ ટકા પોતાની જાતને ઉદારમતવાદી ગણાવે છે. આ કારણે તેઓ ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપે છે. બીજા ૨૩ ટકા ભારતીય અમેરિકનો પોતાની જાતને રૂઢિચુસ્ત ગણાવે છે, માટે તેઓ રિપબ્લિકન પાર્ટીને ટેકો આપે છે. ૨૯ ટકા ભારતીય અમેરિકનો મધ્યમ વિચારધારા ધરાવતાં હોવાથી ગમે તેની તરફ ઢળી શકે છે.

અમેરિકામાં રહેતાં ભારતીયો માટે ક્યા મુદ્દાઓ વધુ મહત્ત્વના છે? તે જાણવું બહુ રસપ્રદ છે. ૨૧ ટકા ભારતીયો માટે આર્થિક મુદ્દાઓ સૌથી મહત્ત્વના હતા, જ્યારે ૨૦ ટકા આરોગ્યને વધુ મહત્ત્વ આપે છે. વંશવાદ ૧૨ ટકા ભારતીયો માટે મહત્ત્વનો છે તો ૯ ટકા કરનીતિને મહત્ત્વ આપે છે. વસાહતી માટેના કાયદાઓની માત્ર સાત ટકાને જ ચિંતા છે. નવાઈની વાત એ છે કે અમેરિકાના ભારત સાથેના સંબંધો કેવા છે? તેની સાત ટકા ભારતીય અમેરિકનો જ ચિંતા કરે છે. જો તેમને અમેરિકામાં રહેવા મળતું હોય, નોકરી મળતી હોય, આરોગ્યની ચિંતા સરકાર કરતી હોય અને લઘુમતી તરીકે સલામતી મળતી હોય તો અમેરિકાના ભારત સાથેના સંબંધોની તેઓ બહુ ચિંતા કરતા નથી. કદાચ આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેની મૈત્રી તેમને બહુ પ્રભાવિત કરતી નથી. જો કે જો બિડનને માનનારા ભારતીયો પણ નરેન્દ્ર મોદીના ચાહક જ છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી જાય કે જીતી જાય તેથી ભારતને બહુ ફરક પડવાનો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હતા તો પણ નરેન્દ્ર મોદીએ તેમની સાથે મિત્રતા કેળવી લીધી હતી. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તો મોદી તેમના પણ મિત્ર બની ગયા. હકીકતમાં આ મૈત્રી પણ પરસ્પરની ગરજને આધારે હોય છે.  ભારતમાં વિશ્વનું બીજા નંબરનું મોટું બજાર છે. દુનિયાના દરેક દેશને પોતાનો માલ વેચવા માટે ભારતની ગરજ છે; માટે તેઓ ભારત સાથે મૈત્રીનો દાવો જ કરશે. અમેરિકાના ક્યા પ્રમુખ ભારત માટે વધુ ઉપયોગી હશે? તેનો વિચાર આપણે કરવો જોઈએ.        

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts