અમેરિકાની કંપની એબોટે બનાવી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ, 5 મિનિટમાં પરિણામ આવશે

વિશ્વભરમાં નોવેલ કોરના વાયરસનું સંકટ ઘેરું બનતું જાય છે. અત્યાર સુધી 195 દેશોમાં આશરે 5.5 લાખ લોકોને તેનો ચેપ લાગ્યો છે જ્યારે આશરે 27 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં જ અત્યાર સુધી 1 લાખ લોકોને કોવિડ-19 બીમારી થઈ ચૂકી છે જ્યારે 1500થી વધુ લોકોનું મૃત્યુ થયું છે.
અમેરિકાની સાથે વિશ્વના કેટલાંક અન્ય દેશો આ સમયે કોરોનાની ટેસ્ટ કિટની અછતનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના દવા બનાવતી કંપની એબૉટે કોરોના વાયરસનું પરીક્ષણ કરવા ટેસ્ટ કિટ લૉન્ચ કરી છે. કંપની મુજબ આ ટેસ્ટ કિટથી કોઈ પણ જગ્યાએથી અને કોઈ પણ સમયે 5 મિનિટની અંદર કોરોના વાયરસના શંકાસ્પદ શખ્સનો ટેસ્ટ કરી શકાશે સાથે જ જણાવી શકાશે કે તેને ચેપ લાગ્યો છે કે નહીં. એબૉટની યોજના મુજબ 1 એપ્રિલથી કંપની રોજ 50000 ટેસ્ટ કિટનો પુરવઠો આપવામાં સફળ થશે. એક મહિનામાં 50 લાખ લોકોનું પરીક્ષણ કરવાની યોજના.
કંપનીના અધ્યક્ષ જૉન ફ્રેલ્સ મુજબ ટેસ્ટ કિટના મૉલિક્યૂલર ટેસ્ટથી માત્ર 5 મિનિટમાં જ વ્યક્તિની અંદર કોરોના વાયરસના જીનોમની ઓળખ કરી શકાશે. જ્યારે તેની પુષ્ટિ કરવા માત્ર 13 મિનિટનું વિસ્તૃત પરીક્ષણ કરી શકાશે. એબૉટ આ કિટને ઉપલબ્ધ કરાવી દર મહીને પરીક્ષણ ક્ષમતા 50 લાખ સુધી પહોંચાડવા માગે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના મોટાભાગના દેશો અત્યાર સુધી કોરોના વાયરસની ટેસ્ટિંગમાં ઘણ પાછળ છે. દક્ષિણ કોરિયાએ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરીને જ ચેપગ્રસ્તોની સંખ્યા ઓછી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાએ પણ આ જ આધારે ટેસ્ટિંગની સંખ્યા વધારી છે ત્યાં અત્યાર સુધી 5 લાખ લોકોનું પરીક્ષણ કરાયું છે.

સરખામણીમાં ભારતમાં બહુ ઓછું ટેસ્ટિંગ, નિષ્ણાંતો મુજબ વધુમાં વધુ પરીક્ષણની જરૂર
ભારતમાં ટેસ્ટિંગની ઝડપ બહુ ઓછી છે. અહીં 27 માર્ચ સુધી માત્ર 27 હજાર ટેસ્ટ જ કરાયા હતા જેમાંથી 700થી વધુ લોકોનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. અધિકારીઓ મુજબ તે લોકોનું જ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમનામાં કોરોના વાયરસના લક્ષણ દેખાઈ રહ્યા છે. જો કે વિજ્ઞાનીઓનું માનવું છે કે કોરોના વાયરસને અટકાવવા વધુથી વધુ લોકોનું પરીક્ષણ જરૂરી છે કારણ કે કેટલીક વખત વાયરસનો ચેપ લાગ્યાના 14 દિવસ સુધી તેના લક્ષણ દેખાતા નથી.

Related Posts