World

ટ્રમ્પે પુતિન સાથે હાથ મિલાવ્યાઃ યુક્રેનની લશ્કરી સહાય બંધ કરાઈ, રશિયાને આપશે મોટી ભેંટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી ગરમાગરમ ચર્ચા વચ્ચે રશિયાને મોટી રાહત મળવા જઈ રહી છે. રશિયા સાથે અમેરિકાના તંગ સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ટ્રમ્પ પ્રતિબંધો હળવા કરવા જઈ રહ્યા છે.

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસે ગૃહ અને નાણાં વિભાગોને આ સંદર્ભમાં ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવ્યું છે. વિભાગોને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ માટે એક યાદી તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. અમેરિકા આગામી દિવસોમાં રશિયા સાથે આ અંગે ચર્ચા કરશે. ટ્રમ્પનું આ પગલું રશિયા સાથે અમેરિકાના સંબંધો સુધારવાની દિશામાં હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં રશિયન અબજોપતિઓ સહિત રશિયન કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. રશિયા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને જો તેના પરના અમેરિકાના પ્રતિબંધો હટાવવામાં આવે તો તે તેલના વધતા ભાવોને રોકવામાં મદદ કરી શકે છે.

ગયા વર્ષે ક્રેમલિને બિડેન સરકાર હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ ખરાબ ગણાવ્યા હતા. રશિયા સામેના યુદ્ધમાં બિડેન વહીવટીતંત્રે યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડી હતી જ્યારે રશિયા પર અત્યંત કડક પ્રતિબંધો લાદ્યા હતા.

એ વાત જાણીતી છે કે તાજેતરમાં જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ઝેલેન્સકી સાથે ગરમાગરમ ચર્ચા પછી તેઓ અમેરિકાથી સીધા બ્રિટન ગયા જ્યાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું.

યુક્રેનના સમર્થનમાં બ્રિટનમાં યુરોપિયન નેતાઓની એક કટોકટી બેઠક યોજાઈ હતી. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે લંડનમાં યુરોપિયન નેતાઓની એક મહત્વપૂર્ણ સમિટનું આયોજન કર્યું હતું. યુરોપિયન નેતાઓના આ સમિટમાં સ્ટાર્મરે યુરોપની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને યુક્રેનને સમર્થન આપવાની ખાતરી આપી.

આ પરિષદનો ઉદ્દેશ્ય રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગરમાગરમ ચર્ચાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો હતો.

બ્રિટિશ પીએમએ કહ્યું કે યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યુરોપિયન નેતાઓ વચ્ચે શાંતિ યોજના પર સંમતિ સધાઈ છે, જે અમેરિકા સમક્ષ રજૂ કરવામાં આવશે. યુરોપિયન યુનિયનના નેતાઓમાં એક સર્વસંમતિ હતી કે યુક્રેનને મદદ કરવા માટે સંરક્ષણ ખર્ચ વધારવો પડશે.

Most Popular

To Top