સુરતઃ વર્ષોથી સુરત શહેરમાં ગણપતિ ઉત્સવની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એક બાદ એક આઘાતજનક ઘટનાઓ બની રહી છે. શહેરના સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં ગણેશ મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ શહેરની શાંતિ ડહોળાઈ છે. શહેરમાં એક બાદ એક ગણેશ મંડપ પર હુમલાની ઘટનાઓ બની રહી છે.
- બુધવારે મોડી રાત્રે માછીવાડમાં બની ઘટના
- ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરિયાના પૈતૃક ઘર નજીકના મંડપ પર હુમલો
- સોડાની બોટલ કોઈકે ફેંકતા તંગદિલી ઉભી થઈ, પોલીસે તપાસ શરૂ કરી
સુરતમાં વિધ્નહર્તાનો ઉત્સવ સુખ અને શાંતિમય આ વખતે પસાર ન થતો હોય તેવું સામે આવી રહ્યું છે. સૈયદપુરામાં પથ્થરમારા બાદ ધાસ્તિપુરામાં મંડપ પર કાંદા-બટેટા ફેંકાયા હતા. ત્યારે હવે નાનપુરા માછીવાડમાં બોટલ ફેંકાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. બુધવારે રાત્રિના સમયે થયેલી ટિખળને લઈને પોલીસ તંત્ર દોડતું થયું છે.
નાનપુરા માછીવાડમાં ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરીયાના પૈતૃક ઘર નજીક ગણપતિ બાપ્પાનો મંડપ ઉભો કરવામાં આવ્યો છે. રંગેચંગે અહિં ઉત્સવ ઉજવવામાં આવે છે. રોજે રોજ આરતી કરવામાં આવે છે. ત્યારે બુધવારની રાત્રે અહીં સોડાની બોટલ નાખવામાં આવી હતી. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. સોડાની બોટલ પડી કે, કોઈએ મારી એ પણ મોટો સવાલ ઉભો થયો છે.
મોડી રાતનો બનાવ હોવાથી પોલીસ તંત્ર દોડતું થયું હતુ. સમગ્ર ઘટના અંગે શહેર પોલીસ કન્ટ્રોલને કોલ મળ્યો હતો. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. નજીકમાં લાગેલા CCTVના આધારે તપાસ હાથ ધરાઈ છે. હાલ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. અઠવાલાઇન્સ પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.