National

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી નવી દિલ્હી પહોંચ્યા, ભારત-અફઘાનિસ્તાન સંબંધોમાં નવો વળાંક

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની સાત દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ મુલાકાતને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નવો પરિમાણ ઉમેરનાર માનવામાં આવી રહી છે. કારણ કે અશરફ ગની સરકારના પતન બાદ તાલિબાન શાસન સાથેનો આ ભારતનો સૌથી ઉચ્ચ સ્તરીય સંપર્ક છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની રાજધાની નવી દિલ્હીમાં પહોંચ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ભારતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને વિવિધ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત પણ લેશે. જાણવા મળ્યું છે કે મુત્તાકી દારુલ ઉલૂમ દેવબંદ મદરેસા અને તાજમહેલની મુલાકાત પણ લેશે. જ્યાં અફઘાનિસ્તાનના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

મુત્તાકીની આ મુલાકાત મૂળરૂપે ગયા મહિને થવાની હતી પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને કારણે તે રદ થઈ હતી. બાદમાં તા. 30 સપ્ટેમ્બરે યુએનએ તેમને તા. 9 થી 16 ઑક્ટોબર સુધી કામચલાઉ મુક્તિ આપી. જેથી તેઓ ભારતની મુલાકાત લઈ શકે.

આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ભારતે અત્યાર સુધી તાલિબાન સરકારને સત્તાવાર માન્યતા આપી નથી. છતાં બંને દેશો વચ્ચે માનવતાવાદી અને સુરક્ષા મુદ્દાઓ પર મર્યાદિત સ્તરે સંવાદ ચાલુ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમીર ખાન મુત્તાકીએ મે 2025માં ફોન પર ચર્ચા પણ કરી હતી.

મુત્તાકીની આ મુલાકાતથી કાબુલ અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં નવો વળાંક આવી શકે છે. ભારતે હંમેશા અફઘાનિસ્તાનમાં સ્થિરતા, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી, મહિલા અધિકારો અને લઘુમતી સુરક્ષા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછીથી ભારતે મુખ્યત્વે માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. યુએસ દળોની સતા પાછી ખેંચાઈ ગયા બાદ તાલિબાન શાસન ચાલી રહ્યું છે પરંતુ તેને હજી સુધી વૈશ્વિક સ્તરે સત્તાવાર માન્યતા મળી નથી.

ભારતે અગાઉ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોનું નિર્માણ શામેલ હતું.

મુત્તાકીની આ મુલાકાતને ભારત અને અફઘાનિસ્તાનના ભવિષ્યના સંબંધો માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top