ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે (31 ઓક્ટોબર) મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 68 રન બનાવ્યા.
કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તેથી, આ બીજી T20 મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતની શરૂઆત ખરાબ રહી. શુબમન ગિલને જોશ હેઝલવુડે 5 રન બનાવીને આઉટ કર્યો. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા સંજુ સેમસન (2 રન) પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. ત્યાર બાદ હેઝલવુડે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1 રન) અને તિલક વર્મા (0 રન) ને સસ્તામાં આઉટ કર્યા. અક્ષર પટેલ પણ કમનસીબ રહ્યો. 7 રન બનાવીને તે રન આઉટ થયો.
ભારતે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ અભિષેક શર્મા અને હર્ષિત રાણાએ ભારતીય ટીમને સ્થિર કરી. છઠ્ઠી વિકેટ માટે બંને વચ્ચે 56 રનની ભાગીદારી થઈ. આ ભાગીદારી દરમિયાન અભિષેકે 23 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને પોતાનો 50 રન પુરા કર્યા.
આ ભાગીદારી ઝેવિયર બાર્ટલેટ તોડી. તેણે હર્ષિત રાણાને આઉટ કર્યો. હર્ષિતે 33 બોલમાં 35 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યો. હર્ષિતના આઉટ થયા બાદ ભારતે શિવમ દુબે (4 રન) અને કુલદીપ યાદવ (0 રન) સસ્તામાં ગુમાવી દીધા.
ત્યાર બાદ અભિષેક શર્માએ ટીમના સ્કોરમાં વધારો કરવાના હેતુથી એક છેડો સાચવી શોટ્સ રમ્યા, પરંતુ તે પણ આઉટ થયો. તે એલબીડબ્લ્યુ આઉટ થયો ત્યાર બાદ આવેલો બુમરાહ પણ રન આઉટ થયો અને ભારતીય ટીમ 125 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતે જીત માટે ઓસ્ટ્રેલિયા સામે આસાન 126 રનનો ટાર્ગેટ સોંપ્યો છે.