સુરતમાં એક યુવકે આજે બપોરે ભારે ધમાલ મચાવી હતી. માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો. જેની જાણ સ્થાનિકોને થઈ હતી. જેથી બૂમાબૂમ મચી ગઈ હતી. યુવકને નીચે ઉતરી જવા માટે વિનંતી કરવા છતાં યુવક છેક ઉપર સુધી પહોંચી ગયો હતો. ત્યાં જઈને સ્ટંટ કરતો હોય તેમ હાથ લાંબા કરવા લાગ્યો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
બપોરના પોણાબાર વાગ્યા આસપાસ યુવક મોબાઈલના ટાવર પડી ચડી ગયો હતો. ખટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ નગર વિભાગ -2માં આવેલા જીઓના ટાવર પર યુવક ચડી ગયો હતો. સ્થાનિકોએ યુવકને નીચે ઉતરી જવાં કહ્યું હતું. પરંતુ એ ઉતર્યો નહોતો. લગભગ એકાદ કલાકથી વધુ તે ટાવર પર રહ્યો હતો. આ દરમિયાન સ્ટંટ કરતો પણ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ માનસિક દિવ્યાંગ યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. સાથે જ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ફાયરબ્રિગેડે યુવકને નીચે ઉતારવા માટેની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ યુવકને નીચે ઉતારી લેવાયો હતો. યુવક સતિષ દેવી પૂજક હોવાનું સામે આવ્યું હતું. સલામત રીતે યુવકને ઉતારીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
