SURAT

‘ગુજરાતમિત્ર’ દ્વારા આયોજિત શેરી ગરબામાં લોકોએ ધૂમ મચાવી

સુરત: ધંધાદારી આયોજનોની વચ્ચે પણ શેરી ગરબાને ‘ગુજરાતમિત્ર’ તેમજ ‘મેન ઈઝ હા’ ગ્રુપ દ્વારા સુરતમાં જીવંત રાખવામાં આવ્યા છે. આ વખતે પણ નવરાત્રિમાં આ સંયુક્ત આયોજનમાં શેરી ગરબાની સ્પર્ધા ધૂમ મચાવી રહી છે. નવરાત્રિના સોમવારના પ્રથમ દિવસે ભરીમાતા ખાતે ભરીપુરી માતા યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ‘ગુજરાતમિત્ર’ અને મેન ઈઝ હા’ ગ્રુપની સ્પર્ધામાં પ્રથમ દિવસે ભરીપુરી માતા યુવક મંડળના ગરબા યોજાયા
  • શેરી ગરબાની આ સ્પર્ધામાં બે તાળી અને ત્રણ તાળી કેટેગરીમાં વિવિધ સ્પર્ધકોને વિજેતા જાહેર કરાયા

આ ગરબામાં બે તાળી અને ત્રણ તાળીના ગરબા કરવામાં આવ્યા હતા. જેમાં સાદા ગરબામાં બેસ્ટ એકશનમાં નયના પટેલને પ્રથમ, નર્મદા પટેલને દ્વિતીય અને શીતલ પટેલને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાદા ગરબામાં જ બેસ્ટ ડ્રેસમાં વીણાબેન શુકલને પ્રથમ, ભાવના પટેલને દ્વિતીય અને તેજલ પટેલને તૃતીય વિજેતા જાહેરા કરાયા હતા. જ્યારે દોઢિયા રમઝટમાં બેસ્ટ મેલમાં મેહુલ પટેલને પ્રથમ, રિષભ શુકલને દ્વિતીય તેમજ આશ્વાસન વિજેતા દેવ પટેલ બન્યા હતા. જ્યારે ફિમેલમાં જીનલને પ્રથમ, ખુશી પટેલને દ્વિતીય, વૈશાલી પટેલને આશ્વાસન વિજેતા જાહેર કરાયા હતા. દોઢિયામાં જ 30થી વધુ ઉંમરની કેટેગરીમાં જાગૃતિબેન પટેલ પ્રથમ વિજેતા બન્યા હતા. જ્યારે 10 વર્ષથી નાના બાળકોમાં જીનલ પટેલ પ્રથમ વિજેતા જ્યારે અન્યોને આશ્વાસન ઈનામો અપાયા હતા. રંગોલી સુરતીમાં દર્શન પટેલ પ્રથમ અને કાવ્ય પટેલ દ્વિતીય વિજેતા જાહેર કરાયા હતા.

આજે પ્રાર્થના સંઘ તેમજ ઉધના મહાદેવ ફળિયા ખાતે શેરી ગરબા યોજાશે
આજે બુધવારે નવી કોર્ટ પાસે, અઠવાલાઈન્સ ખાતે પાર્થના સંઘ-ભદ્ર આશ્રમ ખાતે તેમજ ઉધના ખાતે મહાદેવ ફળિયામાં મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં નવરાત્રિમાં 100 વર્ષ જૂના શ્રીફળનું સ્થાપન કરવાની પરંપરા
અંકલેશ્વર(Ankleshwar): નવરાત્રી(Navratri)ના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા કોળી સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. સમાજના લોકો દ્વારા છેલ્લા 100 વર્ષથી માતાજીના પ્રતિકરૂપે શ્રી ફળનું સ્થાપન કરવામાં આવે છે અને તેની આરાધના કરવામાં આવી રહી છે. ગુજરાતમાં માતાજીનાં પ્રતિક રૂપે ગરબીની સ્થાપના કરવામાં આવે છે પરંતુ અંકલેશ્વરમાં વસતા ભાલિયા કોળી સમાજના રોજાસા પરિવાર દ્વારા અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં વસતા 90થી વધુ રોજાસા પરિવાર દ્વારા આસો નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ફળની માતાજીના પ્રતિકરૂપે સ્થાપના કરવામાં આવે છે. અત્યંત ભક્તિભાવપૂર્વક શ્રી ફળની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. સમાજના સભ્યોના દાવા અનુસાર આ શ્રી ફળ 100 વર્ષ જૂના છે અને દર વર્ષે તેનું જ સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ બાદ આ શ્રી ફળને એક કપડામાં બાંધી તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવે છે. માતાજીનાં પ્રતિક સમાન શ્રી ફળના દર્શન માટે ભક્તો પધારે છે અને સુખી જીવનની કામના પણ કરે છે.

Most Popular

To Top